Western Times News

Gujarati News

ગાંધીનગર: એક્ટિવા સ્લીપ થઈ જતાં ૨૬ વર્ષીય યુવકનું મોત

અમદાવાદ, રાજ્યમાં રસ્તા પર રખડતાં પશુઓનો ત્રાસ વધી ગયો છે. અત્યારસુધીમાં ઘણા તેવા કિસ્સા સામે આવ્યા છે, જ્યાં ગાય કે આખલાએ કોઈ વ્યક્તિને અડફેટે લીધા હોય અથવા હુમલો કર્યો હોય અને ત્યાં જ તેનું મોત થયું. Gandhinagar: A 26-year-old man died after Activa fell asleep

હાલમાં ગાંધીનગરમાં આવી ઘટના બની હતી, જ્યાં એસપી કચેરી પાસે અચાનક સામે આવી ચડેલી ગાય સાથે અથડાતાથી બચવા માટે ૨૬ વર્ષીય નિહાલ શાહે એક્ટિવાને બ્રેક મારતાં તે નીચે પડી ગયો હતો અને શનિવારે તેનું મોત થયું હતું.

સેક્ટર ૨૬ના રહેવાસી નિહાલને માથામાં ગંભીર ઈજા થયા બાદ વૈષ્ણોદેવી સર્કલ પાસેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બે દિવસ સુધી તેની સારવાર ચાલી હતી. અકસ્માત ગુરુવારે થયો હતો, જ્યારે નિહાલ અને તેના માતા મંજુલા શાહ (૫૨) સેક્ટર ૨૪ તરફ એક્ટિવા પર જઈ રહ્યા હતા. જ્યારે તેઓ ગાંધીનગરમાં એસપી ઓફિસ પાસે પહોંચ્યા ત્યારે એક રખડતી ગાય રસ્તા પર ધસી આવી હતી અને નિહાલે બ્રેક મારી હતી.

બ્રેક મારતાની સાથે જ નિહાલે તેની એક્ટિવા પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને તે સ્લિપ ખાઈ ગયું હતું. તેના કારણે તે તેમજ તેના માતા રસ્તા પર પટકાયા હતા. ત્યાંથી પસાર થઈ રહેલા કેટલાક તરત જ તેમની મદદે દોડી આવ્યા હતા અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

મંજુલાને પગમાં ફ્રેક્ચર થયું હતું પરંતુ નિહાલને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ તેને અસારવાની સિવિલ હોસ્પિટલમાં રેફર કરાયો હતો અને બાદમાં શુક્રવારે ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયો હતો, જ્યાં શનિવાર સુધી તેણે જીવન માટે લડાઈ લડી હતી. મંજુલાએ સેક્ટર ૨૧ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ માટે તેમણે પોતાના દીકરાને જ જવાબદાર ઠેરવ્યો હતો અને તેના બેદરકારીભર્યા ડ્રાઈવિંગના કારણે ઘટના બની હોવાનું કહ્યું હતું. સેક્ટર ૨૧ પોલીસે મૃતક સામે ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં કડક કાયદો છે, જે શહેરની હદમાં કોઈપણ પ્રકારના પશુને પ્રતિબંધિત કરે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૪થી શહેરમાં ગાયના પાલન પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો હતો. ૨૦૧૭માં ગાંધીનગર મહાનગરપાલિકા (જીએમસી) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૧૪ના આદેશનો ભંગ કરનારાઓમાં મોટાભાગના બંગલોમાં રહેનારા મિડલ અને સીનિયર લેવલના બ્યૂરોક્રેટ્‌સ અને કેટલાક પોલીસ અધિકારીઓ સામેલ હતા.

જીએમસી દ્વારા ૨૦૧૭માં પશુઓના માલિકો માટે કરવામાં આવેલા સર્વેમાં ખુલાસો થયો હતો કે, તેમાંથી ઘણાને બ્યૂરોક્રેટ્‌સએ તેમના બંગલોના કેરટેકર તરીકે કામે રાખ્યા હતા. સેક્ટર ૧૩, ૧૪, ૧૫ અને ૧૬નો ડેટા દર્શાવે છે કે, સેક્ટર ૧૩માં ૨૧૪ ગાયો, ૧૩૫ ભેંસ, ૨૬૦ બકરીઓ છે. સેક્ટર ૧૪માં ૨૮૭ ગાયો, ૧૩૯ ભેંસ અને બળદ તેમજ ૧૮૯ બકરીઓ છે. તો સેક્ટર ૧૫ અને ૧૬માં ૫૦ ગાય, ૨૪ બળદ અને ભેંસ તેમજ ૧૧૦ બકરીઓ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.