Western Times News

Gujarati News

માત્ર ત્રણ મહિનામાં ૧૫૬ મહિલાનું પ્રસુતિ વખતે મૃત્યુ

પ્રતિકાત્મક

અમદાવાદ, રાજ્યમાં બાળ અને મહિલા આરોગ્ય ક્ષેત્રે સ્થિતિ ચિંતાજનક છે. માત્ર ૯૧ દિવસમાં જ ૧૫૬ માતા અને ૨૪૪૭ નવજાતનાં મૃત્યુ થયા છે. ઓછા વજન સાથે ૨૭,૧૩૮ બાળકોનો જન્મ થયો છે. ત્રણ મહિનામાં ૧,૨૦,૩૨૮ કુપોષિત બાળકોનો જન્મ થયા છે. રાજ્યમાં આરોગ્યની આવી સ્થિતિને લઈ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. 156 women died during childbirth in just three months

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી શાસન કરતી ભાજપ સરકારમાં બાળ અને મહિલા આરોગ્ય ક્ષેત્રે ચિંતાજનક સ્થિતિ છે.

માત્ર ૯૧ દિવસમાં જ ૧૫૬ માતા અને ૨૪૪૭ નવજાતનાં મૃત્યુ પામ્યા છે. સરકાર જાહેર આરોગ્ય સેવા પાછળ નજીવો ખર્ચ અને જાહેરાતો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગના આંકડા મુજબ ૧ એપ્રિલથી ૩૦ જૂન સુધી એનીમિયાની ગંભીર બીમારીથી પીડિત ૨૧૩૨ પ્રસૂતાના કેસ સામે આવ્યા છે.

જ્યારે ઓછા વજન સાથે ૨૭,૧૩૮ બાળકોનો જન્મ થયો છે. ત્રણ મહિનામાં ૧૨૦૩૨૮ કુપોષિત બાળકોનો જન્મ થયો છે. રાજ્યમાં “વધારે પડતું ઓછું વજન-અતિ ઓછું વજન” ધરાવતા અતિ કુપોષિત ૨૪,૧૨૧ બાળકો છે. હેલ્થ મેનેજમેન્ટ એપ્લિકેશનના ડેટા મુજબ વીતેલા ૯૧ દિવસમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૧૫, કચ્છમાં ૧૧, બનાસકાંઠા અને દાહોદમાં ૧૦, રાજકોટ કોર્પોરેશન ૯, વડોદરા ૭, ભરૂચ ૩ અને નર્મદામાં ૧ માતાનું પ્રસૂતા માતાઓનું પ્રસુતિ વેળા મૃત્યુ થયું છે.

સૌથી વધુ ૨૧૫ નવજાત શિશુ દાહોદ જિલ્લામાં મૃત્યુ પામ્યા છે. જે બાદ અમદાવાદ કોર્પોરેશનમાં ૧૯૯, બનાસકાંઠામાં ૧૧૬૬, કચ્છ ૧૬૫, મહેસાણામાં ૧૪૨, આણંદ ૧૧૩, સાબરકાંઠા ૧૦૫, વડોદરા ૭૩, વડોદરા કોર્પોરેશનમાં ૩૦, સુરત ૪૬, કોર્પોરેશન ૫૮, ભરૂચ ૬૯, અમદાવાદ ૬૪ નોંધાયા છે. આરોગ્ય શ્રેત્રે રાજ્યની કથળતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સરેરાશ ૧૨ લાખ બાળકોના જન્મ સમયે ૩૦ હજારથી બાળકોના મોત થાય છે.

આજે પણ વર્ષે ૩૦ હજાર બાળકોના મોત થાય છે આ વાસ્તવિકતા છે. છેલ્લા પાંચ વર્ષમાં ૭,૧૫,૫૧૫ બાળકો કુપોષિત છે તેમ સરકાર જણાવી રહી છે જાે સાચી રીતે કુપીષિત બાળકો અને મહિલાઓનો સાચો સર્વે થાય તો આ આંકડો અનેકગણો સામે આવે તેમ છે. આદિવાસી વિસ્તારમાં કુપોષણની સ્થિતિ ભયાનક છે.

માત્ર એક વર્ષમાં દાહોદમાં કુપોષિત બાળકોની સંખ્યા ૧૪,૧૯૧ છે, જ્યારે નર્મદામાં આ આંકડો ૧૨,૬૭૩ છે. આ બંને જિલ્લામાં અતિ ઓછા વજનના બાળકોની સંખ્યા પણ સૌથી વધુ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.