Western Times News

Gujarati News

માત્ર ૧૫ હજાર રૂપિયા જેટલી સામાન્ય ફીમાં જ અપાય છે ડ્રોન પાયલટની તાલીમ

DGCA અધિકૃત ડ્રોન પાઇલટ કોર્સમાં એક હજાર જેટલા  તાલીમાર્થી જોડાયા; ૧૪૮ તાલીમાર્થીને ડ્રોન પાયલટની તાલીમ પૂર્ણ થયે લાયસન્સ ઇસ્યુ કરાયા

ગુજરાતમાં કૃષિ, આરોગ્ય અને સુરક્ષા સહિતના ક્ષેત્રોમાં  ડ્રોન ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ માટે સ્કિલ્ડ ડ્રોન પાયલટ તૈયાર કરતી ‘સ્કૂલ ઓફ ડ્રોન’

કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટીની ‘સ્કૂલ ઓફ ડ્રોન’ને વર્ષ ૨૦૨૨માં મળી DGCAની માન્યતા

KSU આ પ્રકારની મંજૂરી મેળવનાર સમગ્ર દેશમાં રાજ્યશાસિત પ્રથમ યુનિવર્સિટી-૪૫ ITIના એક-એક ઇન્સટ્રકટરને ડ્રોન માસ્ટર પાયલટ ટ્રેનર તરીકે તાલીમ અપાઈ

૪૭૦ તાલીમાર્થીને ડ્રોન મેન્યુફેક્ચરીંગ-એસેમ્બલીંગના સર્ટીફીકેટ કોર્સમાં અપાઈ તાલીમ

આજે સમગ્ર વિશ્વમાં ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ છે. ગુજરાતની યુવાપેઢી નવી અને અદ્યતન ટેકનોલોજીથી સતત અપડેટ રહી પોતાની સ્કિલને વધુ સારી રીતે એપ્લાય કરી શકે તે માટે રાજ્ય સરકારે ન્યૂ એઈજ સ્કિલની તાલીમ આપવાનો નિર્ધાર કર્યો છે.

આજે ભારત સહિત વિશ્વભરમાં ‘ડ્રોન ટેકનોલોજી’ સૌથી ઝડપી વિકસી રહેલી અને સૌથી વધુ પ્રચલિત ટેકનોલોજી છે. ડ્રોન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કૃષિ ક્ષેત્રે ખાતર-જંતુનાશકોના છંટકાવ, ટ્રાફિક મેનેજમેન્ટ, જમીન સર્વે તથા આરોગ્ય સેવામાં લોહી કે માનવ અંગોને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા તેમજ ઈ-કોમર્સ ક્ષેત્રે થઇ શકે તેમ છે.

ગુજરાતના યુવાનો ડ્રોન જેવી અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રે તાલીમ મેળવી શકે તેમજ ઔદ્યોગિક એકમોની ડ્રોનના કુશળ માનવબળની માંગને પૂરી કરવાના નેક ઉદ્દેશથી ગત વર્ષે કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત સ્કૂલ ઓફ ડ્રોનની સ્થાપના કરાઈ હતી.

ભારત સરકારના ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન (DGCA) વિભાગ દ્વારા ડ્રોન પાયલટ ટ્રેનિંગ સેન્ટર માટેની કડક મંજૂરી પ્રક્રીયા પૂર્ણ કર્યા બાદ ‘સ્કૂલ ઓફ ડ્રોન’ને વર્ષ ૨૦૨૨માં DGCA માન્ય ડ્રોન પાયલટ ટ્રેનિંગ સેંટર તરીકેની માન્યતા પ્રાપ્ત થઇ હતી. કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી આ પ્રકારની મંજૂરી મેળવનાર સમગ્ર દેશમાં રાજ્યશાસિત પ્રથમ યુનિવર્સિટી છે.

ડ્રોન ક્ષેત્રે તાલીમબદ્ધ ડ્રોન પાયલટની માંગને પહોંચી વળવા સ્કૂલ ઓફ ડ્રોન ખાતે ડ્રોન પાયલટનો અભ્યાસક્રમ કાર્યરત છે. હાલમાં દેશમાં ફક્ત ૨૫ જેટલી ખાનગી સંસ્થાઓ દ્વારા ડ્રોન માટે આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે, જેના માટે સંસ્થાઓ દ્વારા મસમોટી ફી વસૂલવામાં આવે છે. જેની સામે KSU હેઠળની સ્કૂલ ઓફ ડ્રોનમાં માત્ર ૧૫ હજાર રૂપિયા જેટલી સામાન્ય ફીમાં જ ડ્રોન પાયલટની તાલીમ આપી યુવાનોનું કૌશલ્ય વર્ધન કરવામાં આવે છે.

KSU એ આગોતરું આયોજન હાથધરીને સ્કૂલ ઓફ ડ્રોનમાં ડ્રોન સિમ્યુલેટર સહિત આવશ્યક લેબોરેટરી વિકસાવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની ૪૫ જેટલી આઈ.ટી.આઈ.ના એક-એક ઇન્સ્ટ્રક્ટરને ડ્રોન માસ્ટર પાયલટ ટ્રેનર તરીકે તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા છે.

જેના પરિણામે આજે લગભગ એક હજાર જેટલા તાલીમાર્થી DGCA અધિકૃત ડ્રોન પાઇલટ કોર્સમાં જોડાયા છે, જ્યારે સ્કૂલ ઓફ ડ્રોન હેઠળની જ ૨૨ જેટલી આઈ.ટી.આઈ.માં ૪૭૦ જેટલા તાલીમાર્થીને ડ્રોન મેન્યુફેક્ચરીંગ અને એસેમ્બલીંગના સર્ટીફીકેટ કોર્સ અંતર્ગત તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા છે.

સ્કૂલ ઓફ ડ્રોને વિકસાવ્યું “Drone MANTRA”નું આગવું મોડેલ

કૌશલ્યા– ધ સ્કિલ યુનિવર્સિટીએ “Drone MANTRA”નું આગવું મોડેલ વિકસાવ્યું છે. જે અંતર્ગત ડ્રોન ઉત્પાદન અને તાલીમ માટેની લેબમાં અદ્યતન મશીનરી અને ટેકનોલોજી સાથે વાસ્તવિક કાર્યપરિસ્થિતિમાં ડ્રોન ઉત્પાદન અને પ્રોગ્રામિંગની તાલીમ પૂરી પાડવામાં આવશે. આ તાલીમના ભાગરૂપે, DGCA માન્ય ડિઝાઇન વાળા ડ્રોનનું અહીં ઉત્પાદન કરવામાં આવશે. દર વર્ષે જરૂરિયાત અનુસાર ૧૦૦થી વધુ ડ્રોનનું ઉત્પાદન કરવામાં આવશે. ડ્રોન મંત્રામાં નવા પ્રકારના ડ્રોન અને ડ્રોનની એપ્લિકેશનને વિકસાવવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ હશે.

ડ્રોન મંત્રામાં ઉત્પાદિત થયેલા ડ્રોન અપ્રચલિત અને જૂના થયેલા ડ્રોનની ભરપાઈ કરશે. આ ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટીએ નવીનતમ ટેકનોલોજી અને ઉત્પાદન પ્રક્રિયાની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવા માટે ડ્રોન ઉત્પાદકો સાથે સહયોગ કર્યો છે.

ડ્રોન તાલીમ માટેની અત્યાધુનિક સુવિધાઓ ગુજરાતમાં સૌપ્રથમવાર સ્કૂલ ઓફ ડ્રોનમાં બનાવવામાં આવી છે. KSU દ્વારા ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને પ્રોગ્રામિંગના બે એડવાન્સ અનુસ્નાતક કક્ષાના કોર્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને પ્રોગ્રામિંગ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ડ્રોન મેન્યુફેક્ચરિંગ અને પ્રોગ્રામિંગ (M.Sc.) રજૂ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.