Western Times News

Gujarati News

મોડાસાની ખાનગી શાળામાં શિક્ષકોની ગુંડાગર્દી 

બે વિદ્યાર્થીઓના ઝગડામાં એક વિદ્યાર્થીને ૫ શિક્ષકોએ ગડદા પાટુનો માર મારતા ચકચાર 

શિસ્ત, ક્ષમા અને કલાનો સમન્વય જે વ્યક્તિમાં હોય તેને શિક્ષક કહેવાય. જાણે આ વાત માત્ર પુસ્તક પુરતી જ મર્યાદિત રહી હોય તેવું લાગી રહ્યું છે. મોડાસાની ખાનગી શાળામાં બે વિદ્યાર્થીઓના સામાન્ય ઝગડામાં એક વિદ્યાર્થીનો ભાઈ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાથી તેના ઉપરાણામાં ૫ શિક્ષકોએ ભેગા મળી એક વિદ્યાર્થીને તમામ મર્યાદા ઓળંગીને શાળાના ઓરડામાં પુરી ફૂટપટ્ટી, ગડદા પાટુનો માર મારતા વિદ્યાર્થીના હાથ સૂઝી જતા અને શરીરે પીઠના ભાગે લાલ ચટાક ચકામા ઉપસી આવતા વિદ્યાર્થીએ સમગ્ર ઘટના અંગે પરિવારજનોને વાત કરતા પરિવારજનો સમસમી ઉઠ્યા હતા અને હેવાન બનેલા ૫ શિક્ષકોને સબક શીખવાડવા મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચતા પોલીસે ભોગ બનેલ વિદ્યાર્થીના વાલીની અરજી લઈ તપાસ કરવાની હૈયાધારણા આપી હતી

સમાજનાં ઘડતરમાં અને બાળકોનાં વિકાસમાં શિક્ષકોનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે. જો કે કેટલીક ઘટનાઓ શિક્ષકોની છબીને બગાડતી હોય છે. બાળકોને અહિંસાનાં પાઠ શીખવતા ક્યારેક શિક્ષકો જ ડંડાનો સહારો લેતા હોય છે.

મોડાસાની મેઘરજ રોડ બાયપાસ ચોકડીને અડીને આવેલી ખાનગી શાળામાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે મજાક-મસ્તી કરતા કરતા સામાન્ય બોલાચાલી પછી ઝગડાનું સ્વરૂપ ધારણ કરતા એક વિદ્યાર્થીનો ભાઈ કે સગો આજ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાથી દોડી આવી પિત્તો ગુમાવતા અન્ય ૪ શિક્ષકોની મદદથી શાળાના ઓરડામાં પુરી દઈ ફૂટપટ્ટી, થપ્પડો અને ગડદા પાટુનો માર મારતાં વિદ્યાર્થી શિક્ષકોની હેવાનિયત ભર્યા વર્તનથી ફફડી ઉઠ્યો હતો અને કાકલુદી કરી માર ન મારવાનું જણાવવા છતાં ઢોર માર મારતાં હાથપર ઉઝરડા અને પીઠ પાછળ લાલ ચકામા ઉપસી આવ્યા હતા શિક્ષકના ભય થી સતત ફફડતા વિદ્યાર્થીએ ઘરે જઈ અસહ્ય પીડા સહન કરી ન શકતા માતાપિતાને જણાવ્યું હતું વિદ્યાર્થીએ રડતા-રડતા પિતાને સમગ્ર ઘટના અંગે વાત કરતા પિતાનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે

 વિદ્યાર્થિનીના મામાના જણાવ્યા અનુસાર બે વિદ્યાર્થીઓના સામાન્ય ઝગડામાં શિક્ષકોએ સમાધાન કરાવવાની જગ્યાએ શિક્ષણઆલમને શર્મસાર કરતા હોય તેમ ૫ શિક્ષકો ધોરણ-૧૦ માં અભ્યાસ કરતા મારા ભાણીયા પર રાક્ષસ બની તૂટી પડતા મારા ભાણિયાને પ્રાથમિક સારવાર લેવાની જરૂર પડી હતી આવા તુંડમિજાજી શિક્ષકોનો અન્ય વિદ્યાર્થીઓ ભોગ ન બને તે માટે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ૫ શિક્ષકોના નામજોગ ફરિયાદ આપવા પહોંચતા પોલીસે કાગળ પર અરજી લઈ યોગ્ય  તપાસ કરવાની બાંહેધરી આપી હતી આવા શિક્ષકોને ટ્રસ્ટી મંડળે નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.