Western Times News

Gujarati News

28 કરોડના ખર્ચે તૈયાર થઈ રાજ્યની પ્રથમ મેગા ITIની અદ્યતન બહુમાળી ઇમારત કુબેરનગરમાં

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્કિલ ઇન્ડિયા મિશન’ને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહી છે ITI – કુબેરનગર

ITI કુબેરનગરમાં ટેલિકોમ ક્ષેત્ર માટે સેન્ટર ઓફ એક્સેલન્સ તથા વુડ વર્કિંગ એન્ડ પ્લમ્બિંગ ક્ષેત્ર માટે સેન્ટર ફોર એડવાન્સની શરૂઆત

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ઉદ્યોગોમાં હાલની ઊભરતી ટેક્નોલોજી અંગેની તાલીમ આપવા માટે ૪૧ નોડલ આઇ.ટી.આઇ.ને મેગા આઇ.ટી.આઇ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં,

અમદાવાદમાં આઇ.ટી.આઇ -કુબેરનગર, રાજકોટ, વડોદરા-તરસાલી, સુરત અને દાહોદ ખાતે પણ મેગા આઇ.ટી.આઇ. સ્થપાવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.  હાલમાં અમદાવાદમાં આઇ.ટી.આઇ –કુબેરનગરની શરૂઆત થઇ છે, જે ગુજરાતમાં શરૂ થનાર અન્ય પાંચ મેગા આઇ.ટી.આઇ. પૈકીની પ્રથમ છે.

કુબેરનગરની મેગા આઇ.ટી.આઇ.માં ૬થી ૮ સેક્ટોરલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ હશે, જે ઊભરતી ટેક્નોલોજી અને અદ્યતન કૌશલ્યોની તાલીમ પ્રદાન કરશે. એટલું જ નહી, ઇન્ડસ્ટ્રી ૪.૦ને ધ્યાનમાં રાખી માંગ આધારિત અને નવીન અભ્યાસક્રમો તાલીમાર્થીઓને ઓફર કરવામાં આવશે.

આઇ.ટી.આઇ. કુબેરનગરની રૂ. ૨૮.૪૬ કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન બહુમાળી બિલ્ડિંગની વાત કરીએ તો,  આ નવનિર્મિત બહુમાળી મકાનમાં વિદ્યાર્થીઓ માટે ૪૫ વર્કશોપ, ૩૫ થિયરી રૂમ, ૧૪ અન્ય રૂમો જેમ કે પ્લેસમેન્ટ કાઉન્સિલિંગ રૂમ, આઈ.ટી.લેબ, કોન્ફરન્સ હોલ, કેન્ટીન, સ્ટાફ રૂમ, વહીવટી રૂમની સુવિધાઓ ઉપ્લબધ કરાવવામાં આવી છે. હાલમાં આઇ.ટી.આઇ. કુબેરનગરમાં ૪૧ ટ્રેડમાં ૪૬૦૮ બેઠકો ઉપલબ્ધ છે.

આઇ.ટી.આઇ. કુબેરનગરમાં તાલીમાર્થીઓ માટે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ

મેગા આઇ.ટી.આઇ., કુબેરનગરમાં સ્ટુડન્ટ્સ ફેસિલીટેશન સેન્ટર અને ઇન્ટ્રેક્ટિવ બોર્ડ તેમજ એ.આઇ.કેમેરા સાથેના સ્મા્ર્ટ ક્લાસ,  મહિલાઓને લગતા ખાસ ટ્રેડ જેમ કે ડ્રેસ મેકિંગ, કોમ્પ્યુટર, સ્ટેનો અંગ્રેજી, આઇ.ટી, ઇલેક્ટ્રોનિક્સ, પેઇન્ટર, ઉપરાંત મેથ્સ લેબ, કોમ્યુટર લેબ, કેમિકલ લેબ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, લેબ, સોલાર લેબ,  પ્લેસમેન્ટ સેલ,

હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સપેક્ટર, સી.એન.સી અને વી.એમ.સી જેવા આધુનિક મશિન દ્વારા મિકેનિકલ ટ્રેડમાં તાલીમની સુવિધાઓ ઉપલબ્ધ છે. તદુઉપરાંત મહિલા તાલીમાર્થીઓ માટે સાઇકલ, પ્લેસમેન્ટ, ધંધા રોજગાર માટે માર્ગદર્શન તેમજ એક્સપર્ટ દ્વારા સોફ્ટ સ્કિલની તાલીમ આપવામાં આવે છે.

ITI કુબેરનગરમાં સેન્ટર ઓફ એક્સેલન્સનો પ્રારંભ

ITI કુબેરનગરમાં સેન્ટર ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલનું ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ એ ભારતીય યુવાનોમાં કૌશલ્ય તફાવતને દૂર કરવાની પહેલ છે. આ સેન્ટર ઓફ એક્સેલન્સ 5-G,  ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, સિક્યોરિટી અને સર્વેલન્સ, હેન્ડસેટ રિપેર, ડ્રોન અને લાઇન એસેમ્બલી માટે રોજગારી કૌશલ્ય પ્રદાન કરવા માટે વિકસાવવામાં આવ્યું છે.

આ સેન્ટરમાં નોકરીની ભૂમિકાને લગતી તમામ અદ્યતન ટેકનિકો, મશીનો અને સાધનો છે અને સમગ્ર ગુજરાત રાજ્યમાં આ પ્રકારનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ છે. આ સેન્ટરમાં શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૦૨૪ માટે વિવિધ અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચૂક્યો છે.

ITI કુબેરનગરમાં વુડ વર્કિંગ એન્ડ પ્લમ્બિંગ સેન્ટર ફોર એડવાન્સનો પ્રારંભ

આઇ.ટી.આઇ. કુબેરનગરમાં કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીના સહયોગથી ‘વુડ વર્કિંગ એન્ડ પ્લમ્બિંગ સેન્ટર ફોર એડવાન્સ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ભારતનું પ્રથમ સેન્ટર છે, જેમાં વુડવર્કિંગ અને પ્લમ્બિંગ સેક્ટરના અત્યાધુનિક ટેક્નિક, મશીન અને સાધનો વસાવવામાં આવ્યાં છે.

આમાં કેએસયુ દ્વારા માન્ય અને માર્કેટની જરૂરિયાત અનુસાર લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ સર્ટિફિકેટ, તેમજ ડિ્પ્લોમાં અને ડિગ્રી કોર્સ ચલાવવામાં આવશે. આ સેન્ટરમાં માર્કેટની જરૂરિયાત અનુસાર આધુનિક ટેક્નોલોજી, કૌશલ્ય અને પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવશે.

આમ, આજનો યુવાન મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા સરકારના મહત્ત્વાકાક્ષી  મિશન સાથે ખભે-ખભો મિલાવી ચાલી શકે તેમજ આત્મનિર્ભર બની સ્વરોજગારી મેળવી શકે તે માટે રાજ્યની આઇ.ટી.આઇ. દ્વારા તેને અનુરૂપ અભ્યાસક્રમો અને જુદી-જુદી સ્કીમો ચલાવવામાં આવી રહી છે. મેગા આઈટીઆઈ, કુબેરનગર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્કીલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. અહેવાલ – ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.