Western Times News

Gujarati News

રાજ્યના ૮૭ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૬૪.૯૭ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૭૦.૩૧ ટકા જળસંગ્રહ 

રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૬૪.૯૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૩૪,૯૦૫ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૭૦.૩૧ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. ૨૫ જુલાઈ, ૨૦૨૩ની સ્થિતિએ રાજ્યભરમાં ૫૮ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૬૧ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ, ૩૦ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ,

૩૮ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૧૯ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૫૮ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૨૯ જળાશયો મળી કુલ ૮૭ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૬ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૫ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.