ચાંદખેડામાં તસ્કરોનો કહેરઃ દુકાનોના તાળા તૂટ્યા
નારોલ, મણીનગરમાં ઘરફોડ ચોરીઓઃ દિકરાની જાન લઈ પરિવાર ઈન્દોર ગયો ત્યારે તસ્કરો હાથ ફેરો કરી ગયા |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રાજ્યની સૌથી મોટી આર્થિક પાટનગરી અમદાવાદમાં પોલીસ તંત્ર ખાડે ગયુ છે. અત્યાધુનિક સાધનો ધરાવવા છતાં ગુનેગારો ગંભીર ગુનાઓને અંજામ આપીને તેમના નાક નીચેથી સરકી રહ્યા છે. તેમ છતાં પોલીસ તંત્રના પેટનું પાણી હલતું નથી. આ પરિસ્થિતિમાં ચાદખેડામાં એક જ રાતમાં બેથી ત્રણ દુકાનોના તાળા તુટ્વાના બનાવો બન્યા છે. જ્યારે મણીનગર, નારોલ જેવા વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.
ચાંદખેડામાં આવેલા વિસત સર્કલ નજીક સંગાથ મોલ આવેલું છે. જેમાં આવેલી દુકાનો ૩ જી તારીખે સાંજે બંધ કર્યા બાદ મોડી રાત્રે કેટલાંક તસ્કરો ત્રાટક્યા હતા. અને કોમ્પ્લેક્ષમાં આવેલા વોડાફોન સ્ટોર, ચશ્માની દુકાન ઉપરાંત, અન્ય દુકાનોમાં તાળા તોડ્યા હતા. બાદમાં દુકાનોમાંથી બાવન હજારથી વધુ રકમની રોકડ રકમની ચોરી કરી હતી. ઉપરાંત ચશ્માની દુકાનમાંથી સામાન પણ ચોરી ગયા હતા.
બીજા દિવસે વેપારીઓ સવારે આવ્યા હતા તેમને દુકાનોના તાળા તૂટ્યા હોવાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને કોમ્પલેક્ષમાં સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ ચોરોની ભાળ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
મણીનગરમાં જવાહર ચોક નજીક આવેલી સર્વોદય હાઉસિંગ સોસાયટીમાં રહેતા ઉમેશભાઈ હર્ષે ફરીયાદ નોંધાવી છે કે ત્રીજી તારીખે તે પોતાના દિકરા અનિકેતના લગ્ન હોઈ જાન લઈને ઇન્દોર ખાતે ગયા હતા.
જ્યાંથી પરત ફરતા ઘરના તાળા તૂટેલા જાતા તેમણે તપાસ કરી હતી. આ તપાસમાં તેમના રૂમમાં મુકેલી તિજારીના તાળા તોડી ચોરો કુલ રૂ.ચાર લાખનો મુદ્દામાલ ચોરી ગયા હોવાનું જણાયુ હતુ. જેમાં રોકડા રૂપિયા ચાલીસ હજાર તથા સોના-ચાંદીના દાગીના સામેલ છે.
નારોલમાં ઈસનપુર વટવા રોડ ઉપર આવેલી હરીકૃપા સોસાયટીમાં પણ તસ્કરો ત્રાટ્કયા હતા. જગદીશભાઈ પાડલીયા તેમના પરિવાર સાથે મંગળવારે રાત્રે સુઈ ગયા હતા. એ સમયે બિલ્લીપગે ઘરમાં ઘુસેલા તસ્કરોએ તિજારીમાં સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા. જેની કુલ કિંમત રૂ.દોઢ લાખથી વધુ છે. શહેરમાં એક જ રાતમાં ઘણી જગ્યાએ ઘરફોડ ચોરીના બનાવો સામે આવતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યે છે.