Western Times News

Gujarati News

પાવાગઢ નજીક બન્યુ ક્રોકોડાઇલ (મગર) રેસ્ક્યુ સેન્ટર

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧.૧ હેકટર વિસ્તારમાં નિર્માણ પામેલા જેપુરા-વન કવચનું કરાશે લોકાર્પણ, ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર- પાવાગઢનું પણ ઈ- લોકાર્પણ કરાશે

રાજયમાં પર્યાવરણના જતન અને નવીન વનોના નિર્માણ માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ નવતર અભિગમ દાખવીને રાજયના વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ કર્યું છે.જે અતર્ગત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૭૪માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી તા.૩જી ઓગસ્ટના રોજ પંચમહાલ જિલ્લામાં કરાશે.

પાવાગઢથી માત્ર ૬ કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં ૧.૧ હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે વન કવચનું નિર્માણ કરાયું છે જેનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે.મુખ્યમંત્રીશ્રીની સાથે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ બાદ મહાનુભાવો વન કવચ સંકુલની મુલાકાત પણ લેશે.

આ વેળા એ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડિંડોર,રાજ્ય કક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડ સહિત જીલ્લાના સાંસદ સભ્યશ્રી,ધારાસભ્યશ્રી ઓ અને પદાધિકારીશ્રીઓ પણ જોડાશે.

ભારત ઔષધી અને જડીબુટ્ટીઓની સમૃદ્ધિ ધરાવતો દેશ છે,જેમાં પાવાગઢ જેવી શક્તિપીઠ ખાતે મા મહાકાળીએ અઢળક ઔષધિઓ ખજાના સ્વરૂપે આપણને ભેટ આપી છે,જેની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ નોંધ લીધી અને વર્ષ ૨૦૧૧માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરી અને “વિરાસત વન” સ્વરૂપે સાંસ્કૃતિક વનની ભેટ આ પવિત્ર શક્તિપીઠના નાગરિકોને આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે દ્વારકા ખાતે નિર્માણ પામનાર સાંસ્કૃતિક વન- હરસિધ્ધિ વનનું ઈ- ખાતમુર્હુત, દીપડા ગણતરી પુસ્તિકાનું વિમોચન, ક્રોકોડાઇલ રેસ્ક્યુ સેન્ટર- પાવાગઢ અને ક્રાકજ એનિમલ કેર સેન્ટર-પાલીતાણાનું ઈ- લોકાર્પણ,નડાબેટ – બનાસકાંઠા ખાતે વરું સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઈ – લોકાર્પણ તથા સહભાગી વન વ્યવસ્થા મંડળી ઓને સહાય ચેક વિતરણ કરાશે.

પંચમહાલ – જેપુરા ખાતે નિર્માણ પામેલા વન કવચની વિશેષતાઓ

Ø  પાવાગઢથી માત્ર ૬ કિલોમીટરના અંતરે જેપુરા ખાતે વિરાસત વનની બાજુમાં ૧.૧ હેકટર વિસ્તારમાં ગોધરા સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે આ વન કવચનું નિર્માણ કરાયુ છે.

Ø  પાવાગઢ ખાતે આવેલા સાત કમાન જેવા જ આ વન કવચમાં પથ્થરથી બનેલો પ્રવેશદ્વાર તથા અહીના ગઝેબો એ ઉત્તમ શિલ્પકારીનું ઉદાહરણ.

Ø  વિશિષ્ઠ સેન્ડસ્ટોન પ્રકારના પથ્થરની ઉપર કોતરણી કરીને ૮ પીલ્લરની મદદથી ઉભા કરવામાં આવ્યા છે આ ગઝેબોઝ.જે પાવાગઢના યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળના બિરુદને શોભાવે છે.

Ø  આ ગઝેબોઝ ઉપર ૪ વિશિષ્ઠ વનસ્પતિઓ જેવી કે વડ,આંબો, કાંચનાર તથા કેસૂડાની ડાળીઓ અને પાંદડાની આબેહુબ પ્રતીકૃતીઓની લોખંડની પટ્ટીઓ પર કોતરણી કરી ગુંબજ બનાવવામાં આવ્યો છે.

Ø  આ વન કવચનું એન્જીનીયરીંગ જોતા રાજુલા પથ્થરથી બનાવેલા રસ્તા, પથ્થરથી બનાવેલા જ ગઝેબોઝ તથા પ્રવેશદ્વાર વર્ષોવર્ષ સુધી જાળવણી મુક્ત રહેશે.

Ø  આ વન કવચમાં મધ્ય ગુજરાતના વનોનું એક વામન સ્વરૂપ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ૧૦૦ થી પણ વધુ વૃક્ષ, ક્ષુપ અને વેલા ઔષધીઓનું વાવેતર કરાયું છે.

Ø  ઔષધીઓ તરીકે ઉપયોગી અર્જુન સાદડ, મીંઢળ, સમિધ કણજો, કુસુમ, ચારોળી, ટીમરુ, અરડૂસી, વાયવર્ણો, પારીજાતક, અશ્વગંધા વગેરે તેમજ અતિ દુર્લભ એવી પાટલા, કીલાઈ, પત્રાળી, કુસુમ, ભિલામો, ટેટુ, ભૂત આલન, કુંભયો, ભમ્મરછાલ, રગત રોહીડો, મટરસિંગ,બોથી વગેરેનું વાવેતર કરાયું છે.

Ø  વન કવચમાં ‘સિલ્વા’ તથા મધ્ય ગુજરાતની વિવિધ નર્સરીઓમાં ઉછેરાતા સ્થાનિક પ્રજાતિના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.

Ø  ૧.૧ હેકટર જેટલી જગ્યામાં આશરે ૧૦૦ જેટલી વનસ્પતિની જાતોનું અને ફૂલોનું ૧૧૦૦૦થી પણ વધુ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે.

Ø  જૈવિક ખાતરનો ઉપયોગ કરી કરવામાં આવેલ વાવેતરમાં વર્ષોથી સુષુપ્ત રૂટ સ્ટોક થકી જંગલી કંટોળા જેવી અતિ દુર્લભ પ્રકારની વનસ્પતિ પણ હવે જાતે જ ઉગવા લાગી.

Ø  હાલમાં આ વન કવચમાં ૨૦૦થી પણ વધારે પ્રજાતિઓ જોવા મળે છે જે જૈવિક વિવિધતાનું ઉદાહરણ પૂરું પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.