વાડીમાં સુતેલા ખેડૂતનો દીપડાએ શિકાર કર્યો
બગસરામાં દિપડાએ ખેડૂતને ફાડી ખાતા ભારે ભય ફેલાયો- માનવભક્ષી દિપડાએ ખેડૂતના પેટનો ભાગ અને પગ કરડી ખાતા મોતઃ ખેડૂત દેખરેખ કરવા માટે રાત્રે વાડીમાં હતા
અમદાવાદ, અમરેલી બગસરાના મોટા મુંજીયાસર ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વજુભાઇ ધનજીભાઇ બોરડ (ઉ.૫૦) નામના ખેડૂત ગઇ રાત્રે રખોપુ કરવા માટે પોતાની વાડીએ ગયા હતા. વાડીના ફરજામાં ખાટલા પર સુતા હતા ત્યારે મધરાત્રે માનવભક્ષી દિપડો આવી ચડ્યો હતો. દિપડાએ ભરનિંદ્રામાં રહેલા વજુભાઇને બોચીથી પકડી ૨૦૦ ફૂટથી વધુ ઢસડી વાડીની બહાર ખેતરમાં લઇ ગયો હતો.
બાદમાં પેટનો ભાગ અને એક પગ કરડી ખાતા તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને ખેડૂતઆલમમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, બનાવ બાદ સ્થાનિક ખેડૂતોમાં અને ગ્રામજનોમાં તાત્કાલિક ધોરણે માનવભક્ષી દિપડાને પકડવાની માંગણી કરવામાં આવી હતી. ખેડૂત વજુભાઇએ દિપડાના મુખમાંથી છૂટવા માટે ઘણા તરફડીયા અને વલખા માર્યા હતા. પરંતુ ખૂંખાર દિપડાની ચુંગાલમાંથી તેઓ છૂટી શક્યા નહોતા અને મોતનો ભોગ બન્યા હતા. મોટા મુંજીયાસર ગામની આ બીજી ઘટના છે. આથી ગ્રામજનોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી આવી હતી. દિપડાના આતંકથી ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટેની કામગીરી હાથ ધરી છે. તેમજ ખેડૂતના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જા કે, સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં વજુભાઇના દિપડા દ્વારા શિકાર કરી મોતનો ભોગ બનાવવાની ઘટનાને લઇ ભારે અરેરાટીની લાગણી ફેલાઈ હતી.