Western Times News

Gujarati News

GSRTC બસ સેવા અંગેના પ્રશ્નોના નિવારણ માટે અધિકારીઓ સાથે બેઠક યોજાઈ

પ્રતિકાત્મક

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જામનગર અને જૂનાગઢ જિલ્લામાં 

બેઠકમાં રજૂ કરાયેલા મોટાભાગના પ્રશ્નોનો સત્વરે હકારાત્મક ઉકેલ લાવવા અધિકારીશ્રીઓએ મંત્રીશ્રીને ખાતરી આપી

ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલને જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત બસો સંદર્ભે નાગરીકો તરફથી વિવિધ રજૂઆતો અને ફરિયાદો મળી હતી. નાગરિકોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી તેમને ઉત્તમ પરિવહન સેવા પૂરી પાડવા મંત્રી શ્રી રાઘવજી પટેલે રાજ્યના વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી હતી.

વાહન વ્યવહાર મંત્રીશ્રીએ પણ નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા તાત્કાલિક ધોરણે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના અધિકારીશ્રીઓની ટીમ તૈયાર કરી હતી.

ગાંધીનગર ખાતે મંત્રી શ્રી રાઘવજી પટેલે અધિકારીશ્રીઓની આ ટીમ સાથે ખાસ બેઠક યોજી હતી. અધિકારીશ્રીઓની ટીમમાં GSRTCના સચિવશ્રી જામનગરના ડીવીઝનલ કંટ્રોલરશ્રી,ચીફ કોમર્શીયલ મેનેજરશ્રી સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ બેઠક દરમિયાન જામનગર અને જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં બસની અનિયમિતતા, જૂના બસ રૂટ ફરી શરૂ કરવા જેવા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

ચર્ચા દરમિયાન મંત્રીશ્રીએ જામનગર જિલ્લાના જોડીયા શહેરમાં નવીન બસ સ્ટેશન બનાવવા માટે જમીન શોધવા મહેસૂલ વિભાગના અધિકારીશ્રીઓ સાથે તાકીદે બેઠક કરી નિવારણ લાવવા સૂચના આપી હતી. કોરોનાકાળ દરમિયાન કેટલાક ગામડાના બંધ થયેલા બસ રૂટ ફરી શરુ કરવા,

જામનગરથી સુરત અને રાજકોટના બસ રૂટ શરુ કરવા, અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો તેમજ શ્રાવણ માસને ધ્યાને રાખી જૂનાગઢના ધાર્મિક સ્થળો ખાતે વધારાની બસો દોડાવવા અને શ્રદ્ધાળુઓને સર્વોત્તમ પરિવહન સેવા પૂરી પાડવા મંત્રી શ્રી પટેલે સૂચનાઓ આપી હતી.

અધિકારીશ્રીની ટીમે જામનગરના જોડીયા ખાતે બસ સ્ટેશનના નિર્માણ માટે જમીન શોધવાની કવાયત શરૂ કરી દેવામાં આવી હોવાનું મંત્રીશ્રીને જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં ઉપસ્થિત થયેલા મોટાભાગના પ્રશ્નોનો સત્વરે હકારાત્મક ઉકેલ લાવવા પણ અધિકારીશ્રીઓ દ્વારા મંત્રીશ્રીને ખાતરી આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.