Western Times News

Gujarati News

શ્રાવણમાં ઉપવાસ કરવા મોંઘા પડશે: ફરાળી અને ફળોના ભાવમાં 50 ટકાનો વધારો

વેપારીઓનું માનીએ તો દરેક ચીજવસ્તુઓનું ઉત્પાદન અને અછતના કારણે ભાવ વધી રહ્યા છે, ભાવ વધારાથી બજારમાં મંદી પણ જાેવા મળી રહી છે

રાજકોટ, તહેવારમાં ફરી ગુજરાતની જનતાને મોંઘવારીના માર સહન કરવો પડશે. આ વખતનો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવો લોકોને મોંઘો પડી શકે છે. જંગી ભાવ વધારાના પગલે ફળો અને ફરાળી વાનગી આરોગવી મોંઘી પડશે. રાજકોટના બજારોમાં ખાદ્યતેલથી લઇને ફરાળી ચીજસ્તુઓ અને ફળોના ભાવમાં ૫૦ ટકાનો વધારો થયો છે.

જેના પગલે ફરાળી વાનગીઓ પણ મોંઘી થાય તેવી શક્યતા છે.વાત કરીએ પહેલા સિંગતેલની તો શ્રાવણ માસમાં તેલનો વપરાશ સૌથી વધુ થતો હોય છે.

સિંગતેલના ડબ્બાનો ભાવ ૩૧૦૦ રૂપિયાને પાર પહોંચી ગયો છે. ફરાળી ચીજ વસ્તુઓના કિલોના ભાવની વાત કરીએ તો સાબુદાણાના કિલોના ભાવ ૮૫થી ૯૦ રૂપિયા, રાજગરા લોટના ૧૯૦થી ૨૦૦ રૂપિયા, સિંગદાણા ૧૫૦ રૂપિયા, સામો ૧૧૦ રૂપિયા અને જીરૂના ભાવ ૭૦૦ રૂપિયા છે. ફરાળી ચીજ વસ્તુ સાથે એલચી, વરિયાળી, મરી મસાલા અને તેજાના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.

શ્રાવણ મહિનામાં ફળો ખાવા પણ મોંઘા પડશે. જે કેળા ૫૦થી ૬૦ રૂપિયામાં કિલો મળતા હતા, તે કેળાના ડઝનના ભાવ હાલ ૯૦થી ૧૦૦ રૂપિયા છે. તો સફરજનના કિલોના ભાવ ૨૦૦ રૂપિયા છે. પેરૂ ૧૦૦ રૂપિયે કિલો છે.

જયારે રાસબરીના કિલોના ભાવ ૧૫૦ રુપિયા છે. ફરાળી ચીજવસ્તુ અને ફળોના ભાવ બમણા થતા સામાન્ય માણસનું બજેટ ખોરવાઇ ગયું છે. વેપારીઓનું માનીએ તો દરેક ચીજવસ્તુઓનું ઉત્પાદન અને અછતના કારણે ભાવ વધી રહ્યા છે. ભાવ વધારાથી બજારમાં મંદી પણ જાેવા મળી રહી છે.

લોકોને બજારમાં મળતી તૈયાર વાનગીઓ સસ્તી મળી શકશે. તૈયાર મળતી વાનગીઓમાં વેપારીઓએ ભાવ વધારો કર્યો નથી. વેફર્સ, ફરાળી, પેટીશ અને ફરાળી ચેવડાના રો મટીરીયલ્સમાં ૨૦થી ૩૦ ટકાનો વધારો થયો છે. કિલોના ભાવની વાત કરીએ તો વેફર્સના ૨૮૦ રૂપિયા, ફરાળી ચેવડો, ૨૦૦ રૂપિયે કિલો, પેટીસના એક પ્લેટના ૫૦ રૂપિયા છે.

આગામી સમયમાં રો મટીરીયલ્સમાં ભાવ વધશે તો તૈયાર વાનગીઓમાં ભાવ વધારો થઈ શકશે. વેપારીઓનું કહેવું છે કે, નફામાં કાપ મુકીને વેપાર કરી રહ્યા છે. સિંગતેલ અને ટામેટા બાદ ફરાળી વાનગીઓની ચીજવસ્તુ અને ફળોના ભાવ આસમાને પહોંચતા ફરાળ કરવું કે ભૂખ્યા ઉપવાસ કરવો તે અહીં સવાલ ઉભો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.