Western Times News

Gujarati News

અમદાવાદ સહિત રાજ્યમાં ડુંગળીની કિંમતો આસમાને

Files Photo

અમદાવાદ: અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પણ ડુંગળીના ભાવ રેકોર્ડ ઉચી સપાટી પર પહોંચી ચુક્યા છે. લોકો ત્રાહીમામ પોકારી ચુક્યા છે. શહેરમાં પણ મોટાભાગના વિસ્તારોમાં ડુંગળીના ભાવ ૮૦થી ૧૨૦ રૂપિયા પહોંચી ચુક્યા છે. જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા ઉંચા ભાવ લેવામાં આવી રહ્યા છે. ડુંગળી હજુ સામાન્ય લોકોને ઉંચા ભાવ વચ્ચે રડાવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

બીજી બાજુ ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવકમાં એકાએક વધારો થતા ભાવ સ્થિર  થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ડુંગળીના વધતા ભાવને લઇને ખેડૂતો ગોંડલ યાર્ડમાં ડુંગળી વેચવા માટે પહોંચી ગયા હતા. ગત રાતથી વાહનોની સતત આવકને કારણે યાર્ડ બહાર ત્રણ કિમીની લાંબી લાઇન લાગી ગઇ હતી. આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં એક મણ ડુંગળીના ભાવ ૪૫૦થી ૨૦૧૧ રૂપિયા સુધી બોલાતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. ગોંડલ યાર્ડમાં ૧.૧૦ લાખ ગુણી ડુંગળીની બમ્પર આવક થઇ હતી.

ગોંડલ માર્કેટ યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની બહુ મોટી લાંબી લાઇનો લાગતાં ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ડુંગળીના ભાવ આસમાને પહોંચતા હવે ખેડૂતો અને વેપારીઓએ જાણે કે ડુંગળીની પણ ચોકીદારી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. ભાવનગર માર્કેટ યાર્ડમાંથી વેપારી રોશન કુમાર કનૈયાલાલના શિવ શક્તિ ઓનીયનમાંથી ૧૪ ગુણી ડુંગળી ગુમ થઇ ગઇ છે. જે સંદર્ભે વેપારીએ યાર્ડના સંબંધિત અધિકારી અને પદાધિકારીઓને પણ જાણ કરી હતી.૧૪ ગુણ ડુંગળીનો હિસાબ-કિતાબ નહીં મળતા એક તબક્કે ડુંગળીની ચોરી થતી હોવાનોવેપારીઓમાં આક્રોશ ફેલાયો હતો. જેથી સવારે ભાવનગર યાર્ડમાં ડુંગળીની હરાજી વેપારીઓએ બંધ કરાવી હતી.

પરંતુ યાર્ડના સત્તાધીશો દ્વારા સમજાવ્યા બાદ અંતે હરાજી પુનઃ શરૂ થઈ હતી. પરંતુ ૧૪ ગુણ ગુમ થયેલી ડુંગળનો કોઈ અતો પતો લાગ્યો નથી. યાર્ડના ચેરમેન અને સેક્રેટરી દ્વારા વેપારીઓના ચોપડા સહિતની તપાસ પણ શરૂ કરાવી છે અને તેઓના માનવા મુજબ વેપારીઓમાં માલ વધુ મુકાઈ ગયો હોવો જોઈએ. ડુંગળીની ચોરીને લઇ ભારે ચર્ચા જાગી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.