Western Times News

Gujarati News

સુરક્ષાદળોના જવાનોની સમર્પિત ભાવનાનો ઋણસ્‍વીકાર :  મુખ્‍યમંત્રી સૈનિક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે સુરક્ષાદળોના જવાનોની સમર્પિત ભાવનાનો ઋણસ્વીકાર કરી સૈનિક કલ્યાણ નિધિમાં આજે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો.

વિજયભાઇ રૂપાણીએ દેશની સુરક્ષા સાચવતા ફરજપરસ્ત જવાનો પ્રત્યે કૃતજ્ઞતા પણ આ વેળાએ વ્યકત કરી હતી.  મુખ્યમંત્રીશ્રીએ સૌ નાગરિક ભાઇ-બહેનોને પણ સૈનિક કલ્યાણ નિધિમાં ઉદાર હાથે ફાળો આપવાની અપિલ કરી હતી.  તેમણે કહ્યું કે, આપણી સીમાઓ સાચવતા આ વીર જવાનો પડકારો, વિપદાઓ અને વિકટ સ્થિતીમાં પણ અડગ રહીને પોતાના પ્રાણની પરવા કર્યા વિના રાષ્ટ્ર રક્ષા કરે છે.

આવા જવાનો-સંરક્ષણ દળોને કારણે જ સમાજમાં સુખ-ચૈન-શાંતિથી લોકો સૂઇ શકે છે.માતૃભૂમિની રક્ષા માટે જાન કુરબાન કરનારા વીર શહિદોનું સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સ્મરણ કરી તેમના પરિવારજનોના કલ્યાણ માટે ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે ફાળો આપી નાગરિક કર્તવ્ય ભાવ અદા કરવા પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ અનુરોધ કર્યો હતો.

આ અવસરે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત સૈનિક કલ્યાણ બોર્ડના નિયામકશ્રી સાથે એન.સી.સી. કેડેટસે તથા ડિફેન્સ પી.આર.ઓ શશીકાન્તે આ ફાળો સ્વીકાર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.