USAના બે રાજદ્વારીને સાત દિવસમાં રશિયા છોડવા આદેશ
(એજન્સી)મોસ્કો, રશિયાના વિદેશ મંત્રાલયે અમેરિકાના બે રાજદ્વારીઓને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ અનિચ્છનીય વ્યક્તિ ગણાવ્યા હતા અને તેમને સાત દિવસમાં દેશ છોડી જતા રહેવાનો આદેશ કર્યો હતો.
રશિયાના મંત્રાલયે એક નિવેદનમાં આરોપ મૂક્યો કે રશિયામાં અમેરિકી દૂતાવાસના પ્રથમ સચિવ જેફ્રે સિલિન અને દ્વિતીય સચિવ ડેવિન બર્નસ્ટીન વ્લાદિવોસ્તોકમાં અમેરિકી દૂતાવાસના એ પૂર્વ કર્મચારીના સંપર્કમાં હતા જેની આ વર્ષની શરૂઆતમાં ધરપકડ કરાઈ હતી. અમેરિકી રાજદ્વારીઓ પર પૂર્વ કર્મચારી દ્વારા જાસૂસી કરાવવાનો આરોપ પણ લગાવાયો છે.
પૂર્વ કર્મચારી શોનોવ પર યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી તથા સંબંધિત મુદ્દાઓ વિશે અમેરિકી રાજદ્વારીઓ માટે સૂચન એકઠી કરવાનો આરોપ છે. શોનોવ ૨૫ વર્ષથી વધુ સમય સુધી પૂર્વ શહેર વ્લાદિવોસ્તોકમાં અમેરિકી મહાવાણિજ્ય દૂતાવાસમાં પેરોલ પર કાર્યરત હતો.
મોસ્કોએ ૨૦૨૧માં મિશનના સ્થાનિક કર્મચારીઓને બરતરફ કરવાનો આદેશ આપ્યો હતો. રશિયાની એફએસબી સુરક્ષા એજન્સીએ શોનોવનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં શોનોવને એમ સ્વીકારતાં જાેઈ શકાય છે કે સિલિન અને બર્નસ્ટીને તેને યુક્રેનમાં રશિયાના યુદ્ધના પ્રયાસો વિશે જાણકારી એકઠી કરવા કહ્યું હતું.
આ ઉપરાંત નવા ક્ષેત્રોનો વિલય, તેની સૈન્ય વ્યવસ્થા અને ૨૦૨૪ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વિશે જાણકારી એકઠી કરવા કહેવાયું હતું. રશિયામાં અમેરિકી રાજદૂત લિન ટ્રેસીને સમન્સ પાઠવીને તેમને સિલિન તથા બર્નસ્ટીનને બરતરફ કરવાની જાણ કરાઈ હતી. તેના જવાબમાં મોસ્કોમાં અમેરિકી દૂતાવાસે એક નિવેદન જારી કરી રહ્યું કે અમેરિકી સરકાર જલદી જ આ મામલે યોગ્ય જવાબ આપશે.