ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી નામાભિધાન માટે રાજ્યપાલે વિધાનસભા ગૃહનો આભાર માન્યો
સૌ સાથે મળીને આપણે પ્રાકૃતિક ‘ગુજરાત-પ્રસન્ન ગુજરાત’ બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી નામાભિધાન વિધેયકને શાસક અને વિપક્ષના સભ્યોએ સર્વાનુમતે સ્વીકારતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૌ ધારાસભ્યોનો આભાર માન્યો છે. તેમણે કહ્યું છે કે, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધશે તો મનુષ્ય અને ધરતીનું સ્વાસ્થ્ય સુધરશે.
પર્યાવરણ પણ સુધરશે અને ખેડૂતોની આવક બમણી થશે. ગુજરાત વિધાનસભા ગૃહના સાથી પક્ષ સહિતના તમામ સભ્યોએ પ્રદેશહિતમાં આ વિધેયક સર્વાનુમતે સ્વીકાર્યું અને પસાર કર્યું એ માટે સૌને અભિનંદન આપું છું અને અંતઃકરણપૂર્વક આભાર માનું છું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને એક પત્ર પાઠવીને ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સાથી પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા અને ગૃહના તમામ ધારાસભ્યોનો આભાર માન્યો છે.
આ પત્રમાં તેમણે લખ્યું છે કે, એક યુનિવર્સિટીનું નામ બદલાઈને ગુજરાત પ્રાકૃતિક “કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી થાય એ આમ સામાન્ય લાગતી ઘટના, માત્ર ગુજરાતના નહીં પરંતુ સમગ્ર ભારતના ભવિષ્યને વધુ ઉજવળ બનાવનારી ઘટના છે.
એક દેશી ગાયના ગોબર-ગૌમૂત્રથી સાવ ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોની આવક તો બમણી થશે જ, સમાજનું સ્વાસ્થ્ય સુધરશે, જીવલેણ રોગોથી મુક્તિ મળશે અને પર્યાવરણ સુધરશે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધશે તો દેશમાં સોનાનો સુરજ ઉગશે એમ કહેવામાં જરાય પણ અતિશયોક્તિ નથી.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી નામાભિધાનથી યુનિવર્સિટીની કાર્યક્ષમતામાં નવું બળ ઉમેરાશે એટલું જ નહીં પ્રાકૃતિક કૃષિના વિજ્ઞાનને અધિકૃત સ્વીકૃતિ મળશે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારની આ સમાજ ઉપયોગી પહેલમાં સાથી પક્ષના તમામ સભ્યો સહિત સહુ કોઈએ સહયોગ આપ્યો એ માટે સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આવો, આપણે સૌ સાથે મળીને આપણા ગુજરાતને પ્રાકૃતિક ગુજરાત-પ્રસન્ન ગુજરાત બનાવીએ.