Western Times News

Gujarati News

સાણંદ તાલુકાના આંગણવાડીના ભૂલકાઓએ બનાવી ઇકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા

બાળકો દ્વારા ગામની માટી વડે, પીપળના પાન વડે તથા વેસ્ટ કાગળમાંથી ગણપતિ પ્રતિમા બનાવી ગણેશ ચતુર્થીની સાર્થક ઉજવણી  કરાઇ

આજથી વિધ્નહર્તા ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઠેર-ઠેર વિઘ્નહર્તાનું ધામધૂમથી આગમન થઈ રહ્યું છે. પર્યાવરણ અને આરોગ્ય બંનેને ઉત્તમ રાખવા માટીના ઇકોફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આંગણવાડીના ભૂલકાઓ દ્વારા ઇકોફ્રેન્ડલી ગણપતિ પ્રતિમા બનાવી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. સાણંદ તાલુકાના અણિયાળી ગામ, કુંવાર ગામ અને વાસણા ઇયાવા ગામના આંગણવાડીના ભૂલકાઓ દ્વારા પર્યાવરણનું જતનના સંકલ્પ સાથે ઇકોફ્રેન્ડલી ગણપતિ પ્રતિમા બનાવી

અનોખી રીતે ગણેશચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી. અણીયાળી ગામના બાળકો દ્વારા સ્થાનિક કાળી માટી વડે ગણપતિ બનાવાયા હતા. તો કુંવાર ગામના બાળકો દ્વારા પીપળના પાન વડે સુંદર ગણપતિ બનાવાયા હતા. આ ઉપરાંત વાસણા ઇયાવા ગામના બાળકો દ્વારા વેસ્ટ કાગળમાંથી ગણપતિ બનાવાયા હતા.

આમ, સાણંદ તાલુકાના આંગણવાડીના બાળકો દ્વારા ‘પ્રકૃતિ સંવર્ધન’ ના સંકલ્પ સાથે ઇકોફ્રેન્ડલી માટીના ગણપતિ બનાવી ગણેશ ચતુર્થીની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી. બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગણપતિની મૂર્તિએ ત્રણેય ગામોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ અંગે સાણંદ તાલુકાના ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર શ્રી જાગૃતિ રાવલ જણાવે છે કે, બાળકો પોતાના બાળપણથી જ પર્યાવરણના જતન અંગે સંકલ્પબદ્ધ બને અને તહેવારો વિશેની સમજ કેળવી અનોખી રીતે ઉજવણી કરે તે હેતુથી આ પ્રકારનું આયોજન કરાયું છે. જેમાં તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવને આવકાર્યો છે. સરકાર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિથી પર્યાવરણને થતા નુકશાન અટકાવવા અને ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓના વધુમાં વધુ ઉપયોગ દ્વારા જનભાગીદારી થકી પર્યાવરણને બચાવવાની દિશામાં પ્રયાસ કર્યા છે.

કોરોનાકાળમાં આપણે સ્વાસ્થ્ય અને પ્રકૃતિ બંનેનું મહત્વ સમજ્યા છીએ ત્યારે પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરવું પણ એટલું જ મહત્વનું છે. જેથી આપણને શુદ્ધ વાતાવરણ , શુધ્ધ પાણી અને હવા મળી રહે અને આરોગ્યપ્રદ જીવન જીવી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers