Western Times News

Gujarati News

પ્રસાદી રૂપે ચડાવવામાં આવતા શ્રીફળ એકત્ર કરી અડધું શ્રીફળ પરત મળે તેવી વ્યવસ્થા કરાઈ

અંબાજી મેળામાં સ્વચ્છતા જળવાય તે માટે કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રીફળ કલેક્શન માટે કાઉન્ટર બનાવાયા:-કેશરસિંહ રાજપૂત

શ્રીફળ કલેકશન કરીને પ્રસાદીરૂપે અડધું શ્રીફળ પરત આપવામાં આવે છે એ સુવિધા ખરેખર ખુબ સારી છે:–શ્રદ્ધાળુ શ્રીમતી ગુલાબબેન

(માહિતી બ્યુરો પાલનપુર) વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે. આ મેળામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે આવે છે.

આ પવિત્ર યાત્રા શ્રદ્ધાળુઓ માટે સુખદ અને યાદગાર બની રહે એ માટે રાજ્ય સરકાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સુચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

અંબાજીમાં આવતા યાત્રાળુઓ દ્વારા માતાજીને પ્રસાદી રૂપે ચડાવવા વધેરવામાં આવતા શ્રીફળ- નારિયેળના લીધે કાદવ- કીચડ ન થાય અને સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા પુરવઠા કચેરી અને બનાસકાંઠા જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા શ્રીફળ એકત્ર કરવા માટે 10 કાઉન્ટર અને શ્રીફળ કટિંગ માટે  5 મશીન રાખવામાં આવ્યા છે.

કટિંગ કરેલું શ્રીફળ માઈભક્તોને પરત મળે તેવી સુંદર વ્યવસ્થા અંબાજી બસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે જેનાથી અંબાજીની સ્વચ્છતા અને ભક્તોની સુવિધામાં વધારો થયો છે.

આ સુવિધા અંગે વાત કરતા જિલ્લા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખશ્રી કેશરસિંહ રાજપૂતે જણાવ્યું કે, અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા જળવાય તે માટે માન. કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રીફળ કલેક્શન માટે કાઉન્ટર બનાવવામાં આવ્યા છે

તેના પર રોજે રોજ 20 જેટલાં સ્વયંસેવકો દ્વારા શ્રીફળ કલેક્ટ કરવામાં આવે છે અને તેઓને પ્રસાદ રૂપે કટીંગ કરેલુ શ્રીફળ પરત આપવામાં આવે છે. આ વ્યવસ્થાની યાત્રિકો ખૂબ સરાહાના કરી રહ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

પાલનપુરથી સહપરિવાર આવેલા શ્રદ્ધાળુ શ્રીમતી ગુલાબબેને જણાવ્યું કે, આ વખતે મેળામાં વહીવટી તંત્ર દ્વારા ખુબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં સ્વચ્છતા વિશેષ કાળજી લેવામાં આવી છે. શ્રીફળ વધેરવાથી જે પાણી બહાર જતું હતું તેના બદલે શ્રીફળ કલેકશન કરીને પ્રસાદીરૂપે અડધું શ્રીફળ પરત આપવામાં આવે છે એ સુવિધા ખરેખર ખુબ સારી અને વખાણવા લાયક છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.