Western Times News

Gujarati News

હોર્સ રાઈડિંગમાં ૪૧ વર્ષ બાદ ગોલ્ડ જીતીને ભારતે ઈતિહાસ રચ્યો

સુદીપ્તી હજેલા, દિવ્યકીર્તિ સિંહ, અનુશ અગ્રવાલ અને હૃદય છેડાએ ગોલ્ડ મેડલ જીત્યો

(એજન્સી)હાઉઝોંગ, એશિયન ગેમ્સ ૨૦૨૩ના ત્રીજા દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ભારતે ત્રીજા દિવસે ત્રીજાે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની હોર્સ રાઈડિંગ ટીમે ૪૧ વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.

ભારતીય હોર્સ રાઇડર સુદીપ્તી હજેલા, દિવ્યકીર્તિ સિંહ, અનુશ અગ્રવાલ અને હૃદય છેડાએ ભારતને ગોલ્ડ મેડલ જીતાવ્યો છે.
ભારતે હોર્સ રાઈડિંગના ૪૧ વર્ષોના ઈતિહાસમાં એશિયન ગેમ્સમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય હોર્સ રાઇડરોએ ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ભારતીય હોર્સ રાઈડિંગ ટીમે ૨૦૯.૨૦૫ પોઈન્ટ્‌સ મેળવ્યા હતા. દિવ્યકીર્તિને ૬૮.૧૭૬, હૃદયને ૬૯.૯૪૧ અને અનુશને ૭૧.૦૮૮ પોઈન્ટ્‌સ મળ્યા હતા. ભારતીય ટીમ ચીનથી ૪.૫ પોઈન્ટ્‌સ આગળ રહી હતી.

ભારતને પહેલા મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીતાવ્યો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઈનલ મેચમાં શ્રીલંકાને ૧૯ રને હરાવ્યું હતું. આ પહેલા ભારતે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે ટીમ ઈન્ડિયા પાસે કુલ ૧૪ મેડલ છે. ભારત પાસે ૩ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૭ બ્રોન્ઝ મેડલ છે. ભારતને આજે સેલિંગમાં ૧ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.