Western Times News

Gujarati News

ટોરોન્ટો યુનિવર્સિટી ભારતીય સ્ટુડન્ટ્‌સની વ્હારે આવી

ઓટ્ટાવા, ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધતો જાય છે તેના કારણે ચિંતામાં મુકાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે કેટલાક સારા સમાચાર છે. હાલમાં સૌને કેનેડા ટ્રાવેલ કરવાની ચિંતા સતાવે છે ત્યારે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો ભારતીય સ્ટુડન્ટ્‌સની વ્હારે આવી છે. ટોરોન્ટો યુનિવર્સિટીએ કહ્યું છે કે તે ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન અને બીજી તકલીફોમાં તમામ મદદ કરશે.

કેનેડામાં જાન્યુઆરીમાં જે કોર્સિસ શરૂ થાય છે તેમાં એડમિશન લેવા અંગે ભારતીય સ્ટુડન્ટ્‌સ ગૂંચવાયેલા છે. ઘણા વિદ્યાર્થીઓએ તેમનું સેશન ઓગસ્ટ ૨૦૨૪થી શરૂ કરવા વિચાર્યું છે. તેવામાં ટોરોન્ટો યુનિવર્સિટીએ એક સ્ટેટમેન્ટ બહાર પાડીને જણાવ્યું છે કે આ યુનિવર્સિટીમાં એડમિશન લેનારા તમામ વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવશે.

ટોરોન્ટો યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડન્ટ જાેસેફ વોંગે એક નિવેદનમાં જણાવ્યું કે, અમે અમારા ત્રણ કેમ્પસ પર ભારતીય વિદ્યાર્થીઓને આવકારતા આનંદ અનુભવીએ છીએ. અમે તેમને અત્યારના મુશ્કેલ સમયમાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે ઈમિગ્રેશન અને વિઝા સપોર્ટ, એકેડેમિક સપોર્ટ સર્વિસ, પર્સનલ સપોર્ટ સર્વિસ આપવા માટે તૈયાર છીએ.

જે અંડરગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્‌સ એકેડેમિક સપોર્ટ ઈચ્છે છે તેમના માટે એક હેલ્પડેસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેઓ પોતાની ફેકલ્ટી અને કોલેજ રજિસ્ટ્રારનો સંપર્ક કરી શકશે. બીજી તરફ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્‌સ પોતાના ડિપાર્ટમેન્ટ અથવા સ્કૂલ ઓફ ગ્રેજ્યુએટ સ્ટડીઝ પાસેથી માર્ગદર્શન મેળવી શકે છે. ટોરોન્ટો યુનિવર્સિટીએ જણાવ્યું કે તે ભારત સાથે લાંબા ગાળાની પાર્ટનરશિપ માટે કટિબદ્ધ છે. અમે આ સંબંધોને હજુ આગળ વધારવા માંગીએ છીએ.

ટોરોન્ટો યુનિવર્સિટી ભારતીય વિદ્યાર્થીઓ માટે એક ફેવરિટ યુનિવર્સિટીઓ પૈકી એક છે અને હાલમાં અહીં ૨૪૦૦થી વધારે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

કેનેડાના ઈમિગ્રેશન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ૨૦૨૨માં ભારતીય સ્ટુડન્ટ્‌સ માટે ૨.૨૬ લાખથી વધારે વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ટોરોન્ટો યુનિવર્સિટીએ કહ્યું છે કે અમે તમામ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સને આવકારીએ છીએ અને તમને તકલીફ ન પડે તે માટે અમે તમામ ટેકો આપવા સજ્જ છીએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.