Western Times News

Gujarati News

અંગદાતા પરિવાર એ દેવતા સમાન છે અને અંગદાન એ પણ દેશભક્તિ: મોહન ભાગવત

હજુ પણ ભારતમાં ૯૪ % લોકોને અંગદાન અંગેની જાણકારી નથી-તેમજ દર ૧૨ લાખ વ્યક્તિમાંથી એક વ્યક્તિ જ દાન કરે છે.

ડોનેટ લાઈફ, સુરત સંસ્થા દ્ધ્રારા અંગદાતા પરિવારોના સન્માન નો કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્દોર સ્ટેડીયમ ખાતે ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩ બુઘવારના રોજ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો.

આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત ઉપસ્થિત રહ્યા. તેમજ ૬૩ ડોનર પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦૦૦ થી વધુ સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

ડોનેટ લાઈફ સંસ્થાનાં અધ્યક્ષ શ્રી નીલેશભાઈ માંડલેવાલા જણાવ્યું હતું કે, ડોનેટ લાઈફ બ્રેઈન ડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવી તેમના અંગદાન કરાવી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવાનું કાર્ય કરે છે. વધુમાં તેમને જણાવ્યુ હતું કે, હજુ પણ ભારતમાં ૯૪ % લોકોને અંગદાન અંગેની જાણકારી નથી.

તેમજ દર ૧૨ લાખ વ્યક્તિમાંથી એક વ્યક્તિ જ દાન કરે છે. સંસ્થા દ્વારા સુરત અને પુરા દેશમાં કુલ ૧૧૭૩ અંગો અને ટીસ્યુઓનું દાન કરી દેશ અને વિદેશના કુલ ૧૦૭૭ વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે. આ કાર્યક્રમમાં ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા અંગદાનની થીમ પર એક ખાસ કવર બહાર પાડવામાં આવ્યું.

કાર્યક્રમના મુખ્ય અતિથિ મા. સરસંઘચાલક મોહનજી ભાગવતે અંગદાતા પરિવારને દેવતા ગણાવ્યા. વધુમાં તેમણે કહ્યું કે, માતૃભૂમિના પુત્ર તરીકે એકબીજા સાથે જોડાયેલા અને બીજાની પીડાને પોતે જ સમજી શકે  તેમજ તેમના સુખ દુઃખમાં સહભાગી થાય તે જ વ્યક્તિ “જન” છે.

અને કહ્યું કે “અંગદાન એ જ દેશભક્તિ છે” તથા મનુષ્યએ સમાજ માટે જીવવું અને સમાજ માટે જ મરવાની વાત કરી. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે નરમાંથી નારયણ બની શારીરિક, બૌદ્ધિક અને માનસિક રીતે સક્ષમ બની સમાજરૂપી ભગવાનના ચરણોમાં સારું દાન આપવું જોઈએ.

વધુમાં મોહનજીએ કહું કે, સુરતના લોકોમાં સુરત અને શિરત બંને છે જે ભાગ્યથી મળે છે.  જેમ સુરત સ્વચ્છતામાં સમગ્ર દેશમાં બીજા નંબરે છે, તેમ અંગદાન જેવા કાર્યમાં પણ સુરત અગ્રેસર રહે તેવી આશા વ્યક્ત કરી. તેથી અંગદાન એ સારું કાર્ય છે અને જ્યાં સંઘની જરૂર પડે ત્યાં અમે સમાજ સાથે મળીને કાર્ય કરીશું તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત મોઢ-મોદી સમાજના અધ્યક્ષ સોમાભાઈ મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માંથી પશ્ચિમ ક્ષેત્ર સહ કાર્યવાહ શ્રી યશવંતભાઈ ચૌધરી, રામકૃષ્ણ એક્સપોર્ટનાં માલિક શ્રી ગોવિંદભાઈ ધોળકીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.