અમદાવાદમાં 2013 બાદ બમ્પ અંગે કોઈ સર્વે થયો નથી
તથ્ય કાંડ બાદ બમ્પ માટે મોટી સંખ્યામાં મળેલી અરજીઓ
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં તથ્ય કાંડ બાદ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે રોડ પર નવા બમ્પ બનાવવા માટે મોટાપાયે અરજીઓ આવી રહી છે પરંતુ બમ્પ બનાવવા માટે ખાસ નીતિ નિયમો હોવાથી શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા નિયમોના દાયરામાં જ રહી ને મંજુરી આપવામાં આવે છે.
ચોંકાવનારી બાબત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બમ્પની સંખ્યા અંગે એક દાયકા અગાઉ સર્વે થયો હતો ત્યારબાદ કોઈ જ નવો સર્વે થયો નથી જેના કારણે ટ્રાફિક વિભાગની મંજુરી વગર પણ મોટી સંખ્યામાં બમ્પ બની ગયા હોવાની ચર્ચા ચાલે છે.
શહેરના ઈસ્કોન બ્રીજ પર થયેલ ભયાનક અકસ્માત બાદ શહેર અને મ્યુનિ. ટ્રાફિક વિભાગના અધિકારીઓ સફાળા જાગ્યા છે તથા નવા બમ્પ બનાવવા માટેની ફાઈલો અભેરાઈએ ઉતારી તે અંગે અભિપ્રાય આપવાની શરૂઆત કરી છે. મ્યુનિ. કોર્પો.ને ૧ એપ્રિલથી ૩૧ ઓગસ્ટ સુધી કુલ ૪૪૪ બમ્પ બનાવવા માટે અરજીઓ મળી છે.
જે પૈકી ૧૮૬ અરજીઓનો ટ્રાફિક વિભાગ દ્વારા નકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો છે. જયારે ૧૦૦ અરજી માટે હજી અભિપ્રાય બાકી છે. મ્યુનિ. કોર્પોરેશનના અહેવાલ મુજબ ઓકટોબર ર૦રર સુધી શહેરમાં ૩૬પ૭ બમ્પ હતાં ત્યારબાદ લગભગ ૬૦૦ જેટલા નવા બમ્પ બનાવવામાં આવ્યા છે
જાેકે ચોંકાવનારી બાબત એ છે કે તંત્ર દ્વારા ર૦૧૩ બાદ બમ્પની સંખ્યા અંગે કોઈ વિધિવત સર્વે થયો નથી જેના કારણે બમ્પની સંખ્યા મામલે અસંમજસની સ્થિતિ છે. ર૦૧૩માં હાઈકોર્ટના આદેશ બાદ બમ્પ અંગે સર્વે થયો હતો જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી તે સમયે શહેરમાં કુલ ર૩૯૩ બમ્પ હતાં જે પૈકી ૧૦૮૦ બમ્પ ટ્રાફિક લીસ્ટ મુજબ હતાં
જયારે ૭૦૮ બમ્પ માટે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવી હતી. રિપોર્ટમાં દર્શાવેલ માહિતી મુજબ ટ્રાફિક પોલીસ અને મ્યુનિ. રોડ પ્રોજેકટની મંજુરી વિના તે સમયે ૬૭પ બમ્પ બનાવવામાં આવ્યા હતાં મતલબ કે આ તમામ બમ્પ ગેરકાયદેસર હતાં
જેમાં પશ્ચિમ ઝોનમાં ૬૧, દક્ષિણ ઝોનમાં ૮૩, મધ્યઝોનમાં ૧ર૪, નવા પશ્ચિમ ઝોન-૮૪, પૂર્વ ઝોન -૧૧૭ અને ઉત્તર ઝોનમાં ર૦૬ બમ્પ કોઈ પણ પ્રકારની મંજુરી વિના તે સમયે બનાવવામાં આવ્યા હતાં જેને દુર કરવા માટે આદેશ થયો હતો પરંતુ તેનો પૂર્ણ રીતે અમલ કરવામાં આવ્યો ન હતો.
મહત્વની બાબત એ છે કે બમ્પ માટે ઈન્ડીયન રોડ કોંગ્રેસના ખાસ નિયમ છે જે નિયમ મુજબ બમ્પની લંબાઈ ૩.૬૦ મીટર અને ઉંચાઈ ૧૦ સે.મી. હોવી જાેઈએ જેને અર્બન બમ્પ કહેવામાં આવે છે અમદાવાદ શહેરમાં આ નિયમનું પાલન થતું નથી નાની ગલીઓમાં દેડકા બમ્પ બનાવવામાં આવી રહયા છે
જેના માટે નાગરિકોની માંગણીના કારણ આપવામાં આવે છે. નેશનલ અને સ્ટેટ હાઈવે પર ૩૦ સે.મી. પહોળા અને ૪ સે.મી. ઉંચા ત્રણ-ચાર બમ્પ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે મંદિર, શૈક્ષણિક સંસ્થાઓ કે વધુ ટ્રાફિકવાળા જંકશન હોય તે સ્થળે જ બમ્પ બનાવવામાં આવે તેવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે
પરંતુ મ્યુનિ. કોર્પો. દ્વારા આ નિયમની સદંતર અવગણના થઈ રહી છે. રાજકીય બસ રૂટની માફક બમ્પ પણ રાજકીય બની ગયા છે જેના કારણે જ ટ્રાફિક વિભાગની મંજુરી કે નિયમની દરકાર કર્યાં વિના જ આડેધડ બમ્પ બને છે.