Western Times News

Gujarati News

હાથીજણઃ જીવદયા સંસ્થામાંથી બારોબાર ઘેટા-બકરાનું વેચાણ

રામોલ, નરોડામાંથી ઝડપાયેલા ઘેટા-બકરાનું હાથીજણની આશા ફાઉન્ડેશને બારોબાર વેચાણ કર્યાંની ફરિયાદથી ખળભળાટ :રાણીપ પોલીસે ટ્રક પકડતા તથા માલિકોએ તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કતલખાને લઈ જવાતા અબોલ પશુ-પક્ષીઓને બચાવવા માટે જીવદયા સંસ્થાઓ ઉપરાંત પોલીસતંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જ શહેરના રામોલ, નરોડા સહિતના વિસ્તારોમાંથી સંખ્યાબંધ ઘેટા-બકરાઓ પકડવામાં આવ્યા હતાં. શહેરમાં રાત્રે જ પશુધનની હેરાફેરી કરવામાં આવતી હોય છે.

જેના કારણે રાતભર પોલીસ તથા જીવદયા સંસ્થાના કાર્યકરોનું પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે. આ પરિસ્થીતિ વચ્ચે એક ચોંકાવનારી વિગત બહાર આવી છે જેમાં તાજેતરમાં જ રામોલ અને નરોડામાંથી (Ramol and Naroda area of Ahmedabad) પકડાયેલા ઘેટા-બકરા હાથીજણ વિસ્તારમાં આવેલી એક જીવદયા સંસ્થાને સોંપવામાં આવ્યા બાદ તેમાંથી મોટી સંખ્યામાં ઘેટા-બકરાનું બારોબાર વેચાણ થઈ ગયું (illegal Sale of goats) હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. પોલીસે તપાસ કરતા સંસ્થામાંથી ઘેટા-બકરા ગાયબ થયેલા જાવા મળ્યા હતાં. આ ઘટનાને લઈ ભારે ઉહાપોહ મચી ગયો છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પશુધનને કતલખાને લઈ જવાતા બચાવી લેવામાં આવી રહયા છે શહેરમાં રાત્રિ દરમિયાન પોલીસનો ચાંપતો બંદોબસ્ત અને પેટ્રોલીંગના કારણે પશુધન ભરેલી ટ્રકો પકડાઈ રહી છે. ખાસ કરીને શહેરના છેવાડાના વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

શહેરના રામોલ અને નરોડા વિસ્તારમાંથી તાજેતરમાં જ કેટલીક ટ્રકોને અટકાવી તેમાંથી મોટી સંખ્યામાં ઘેટા બકરાઓને મુકત કરાવવામાં આવ્યા હતાં આ તમામ પશુધનને જીવદયા સંસ્થાઓને સોંપવામાં આવતું હોય છે. રામોલ અને નરોડા પોલીસે પણ પકડેલા ઘેટા-બકરા હાથીજણ વિસ્તારમાં આવેલી આશા ફાઉન્ડેશનને સોંપ્યા હતાં. (Asha Foundation in Hathijan area of Ahmedabad)

મોટી સંખ્યામાં ઘેટા-બકરા પકડાતાં પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને આ અંગે સઘન કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી આ દરમિયાનમાં રાણીપ પોલીસે બે દિવસ પહેલા જ ઘેટા-બકરા ભરેલી એક ટ્રક અટકાવી તેની સાથે રહેલા ચાર શખ્સોની પુછપરછ શરૂ કરી હતી. પુછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવતા પોલીસ અધિકારીઓ પણ સતર્ક બની ગયા હતાં અને આ અંગે ખાનગીરાહે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે પકડેલા શાહીર અહેમદ, હનીફ, જાવેદ, કર્માભાઈની પુછપરછ કરતા બહાર આવેલી વિગતો અનુસાર આ ઘેટા-બકરા આશા ફાઉન્ડેશનમાંથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું જેના પગલે પોલીસ અધિકારીઓ વધુ સતર્ક બન્યા હતાં.

બીજીબાજુ રામોલ અને નરોડામાંથી પકડાયેલા ઘેટા-બકરાના માલિકોએ પણ તપાસ શરૂ કરતા આશા ફાઉન્ડેશનમાં રાખવામાં આવેલા ઘેટા-બકરા જાવા નહી મળ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી હતી. રાણીપ પોલીસે તપાસ શરૂ કરી રામોલ અને નરોડા પોલીસને જાણ કરી હતી જેના પગલે બંને પોલીસ સ્ટેશનોના અધિકારીઓએ તપાસ કરતા નરોડા પોલીસે કુલ ૯૬૦ જેટલા ઘેટા-બકરા જમા કરાવ્યા હતાં.

જયારે રામોલ પોલીસે મોટી સંખ્યામાં ઘેટા-બકરા જમા કરાવ્યા હતાં આ અંગે તપાસ કરતા બંને પોલીસ સ્ટેશનના અધિકારીઓએ કુલ રૂ.૩૮.૪૦ લાખની કિંમતની પશુધન આશા ફાઉન્ડેશનને સોંપ્યું હતું ત્યારબાદ આ સમગ્ર હકીકત બહાર આવતા પોલીસે તપાસ શરૂ કરી આશા ફાઉન્ડેશનમાં તપાસ કરતા તે પૈકીનું માત્ર રૂ.૭ લાખનું પશુધન હાજર જાવા મળ્યું હતું બાકીના પશુધન અંગે પુછપરછ કરવામાં આવતા કોઈ ચોક્કસ ખુલાસો કરવામાં આવ્યો ન હતો.

જીવદયા સંસ્થામાંથી પશુધન બારોબાર વેચી નાંખવામાં આવતું હોવાની ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસતંત્ર સતર્ક બની ગયું હતું. છેલ્લા કેટલાક દિવસથી ઘેટા-બકરાના માલિકો દ્વારા આશા ફાઉન્ડેશનમાં તપાસ કરવામાં આવતી હતી પરંતુ તેનો કોઈ યોગ્ય જવાબ મળતો ન હતો આ દરમિયાનમાં રાણીપ પોલીસે ઝડપેલી ટ્રકમાંથી ઘેટા-બકરા મળી આવતા માલિકો દોડી ગયા હતાં અને તેઓએ પોતાના ઘેટા-બકરા ઓળખી બતાવતા ચોંકાવનારું ષડયંત્ર ખુલવા પામ્યું હતું. અબોલ પશુધનને કતલખાને જતું અટકાવી તેની સંભાળ લેવા માટે પોલીસ તંત્ર દ્વારા જીવદયા સંસ્થાઓને સોંપવામાં આવતુ હોય છે

પરંતુ આશા ફાઉન્ડેશનમાંથી મોટી માત્રામાં ઘેટાં-બકરા લાપત્તા થઈ જતાં પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. બીજીબાજુ ઘેટા-  બકરાના માલિકોએ પણ આ અંગે ગંભીર આક્ષેપો કરતા ગઈકાલ સાંજથી જ આ મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. પોલીસે તપાસ કરતા મોટી માત્રામાં ઘેટા-બકરા જાવા મળ્યા ન હતાં એવો પણ આક્ષેપ થઈ રહયો છે કે જીવદયા સંસ્થા દ્વારા આ ઘેટા-બકરાનું વેચાણ કરી નાખવામાં આવ્યું છે. આ ઘેટા-બકરા ક્યા વેચ્યા છે તે અંગે હવે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સવારથી જ ઘેટા-બકરાના માલિકો દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે. બીજીબાજુ આશા ફાઉન્ડેશનના સંચાલકોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.