Western Times News

Gujarati News

વિધવા સહાય પેન્શન  યોજના હવે ‘‘ગંગા-સ્વરૂપ બહેનોને સહાયતા’’ યોજનાના નામે ઓળખાશે : મુખ્યમંત્રી

સૂરતઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારની સાત હજાર વિધવા બહેનોને વિધવા સહાય પેન્શન યોજના મંજુરીના હુકમોનું એકજ સ્થાનેથી વિતરણ કરતાં જણાવ્યું કે, વિધવા સહાય પેન્શન યોજનાને વિધવા બહેનોના સન્માન માટે ગંગા-સ્વરૂપ બહેનોને સહાયતા યોજના તરીકે નામકરણ કરાશે.

ઓલપાડ વિધાનસભા મતક્ષેત્રને એક જ સ્થળેથી ૭ હજાર બહેનોને વિધવા પેન્શન  હુકમો એનાયત કરવા બદલ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રીશ્રીને આ અંગેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે, તેની વ્યથા સમજીને નોધારાનો આધાર રાજય સરકાર બની છે. અમારા માટે સત્તા એ સેવાનું સાધન છે, માણવાનું નહિ એમ તેમણે જણાવ્યું હતું.

સરકારે પારદર્શિતા સાથે નિર્ણાયક સરકારનો અહેસાસ કરાવ્યો છે. સંવેદના સાથે પ્રજાજનોની વેદનાને વાચા આપી છે. પ્રજાની વેદના-આકાંક્ષાઓની આપુર્તિ કરવાની  પ્રતિબદ્વતા તેમણે દર્શાવી હતી.

વિજયભાઇ રૂપાણીએ બહેનો પ્રત્યેની ધારાસભ્યશ્રીની સેવાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિધવા ગંગા-સ્વરૂપ બહેનોને મદદરૂપ બનવા રાજય સરકારના સેવા કાર્યમાં ધારાસભ્યશ્રી આગળ આવ્યા છે. તેમણે હળપતિ સમાજના સમુહલગ્ન કરીને કચડાયેલા સમાજની ચિંતા કરી છે. ગરીબોને સહાય, મકાન મળે એ સંવેદનશીલતા સાથે એક ધારાસભ્યે સરકારની વિકાસગાથાને ગૌરવાવિંત કરી છે.

રાજય સરકારે યોજનાઓ બનાવી તેનો લાભ છેવાડાના માનવીને પ્રાપ્ત થાય તેનું પ્રજાહિત કાર્યની સરકારે જવાબદારી નિભાવી છે. સરકારે પારદર્શિતા સાથે લોકો સુધી યોજનાઓને પહોંચાડી છે. કોઇને ય વચેટિયા-દલાલોનો આશરો લેવો પડતો નથી અને સહાય સીધી જ લાભાર્થીના હાથમાં જાય છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ગરીબોની વ્યથાના નિરાકરણ માટે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે સરકારે પહેલ કરી છે. ગુજરાતની માથાદીઠ આવક બે દાયકા પહેલા ૧૬ હજાર હતી જે આજે પોણા બે લાખ થઇ છે. લોકોની પ્રજાહિત સવલત માટે તમામ ક્ષેત્રે ગુજરાત અવ્વલ નંબરે હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. સબ સમાજ કો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાનાના ભાવથી સેવા ક્ષેત્રોમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, આવાસ હરેક ક્ષેત્રમાં માતબર રકમ ફાળવીને સૌના વિકાસની ચિંતા કરી છે. આજે રાજ્યનું બજેટ ર લાખ કરોડથી વધારેનું છે તેની પણ તેમણે ભૂમિકા આપી હતી.

ગુજરાત  ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમાં આગળ છે, તેની સાથે સામાજિક સમરસતાની ચિંતા કરીને શોષણમુકત સમાજ નિર્માણ તરફ ગુજરાત આગળ વધ્યું છે. રાજય સરકારે દિવ્યાંગો, વૃદ્વો, વિધવા, ગરીબો માટે યોજનાઓ બનાવી સામાજિક ઉત્થાનની ભાવના સાથે સમૃદ્વ સમાજના નિર્માણ માટે વ્યથાઓને વ્યવસ્થામાં બદલી છે.

વિધવા સહાય પેન્શન હુકમો વિતરણ માટે એક જ સ્થળે સિદ્વિ હાંસલ કરવા બદલ મુખ્યમંત્રીશ્રીના હસ્તે  ઓલપાડ ધારાસભ્ય શ્રી મુકેશભાઇ પટેલને સન્માનિત કરાયા હતા.મહિલા અને બાળ કલ્યાાણ વિભાગના મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ ઐતિહાસિક ઘટના ગણાવી જણાવ્યું હતું કે, સાત હજાર જેટલી વિધવા બહેનોને પેન્શનના હુકમો એનાયત થયા છે. પદાધિકારીઓ અને અધિકારીઓના સંકલનને કારણે સુરત જિલ્લો વિશ્વ નકશા પર પ્રસ્થાપિત થયો છે.

ગુજરાતે અનેક સિદ્વિઓ હાંસલ કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી  શ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર યોજનાઓના અમલીકરણ થકી વિધવા બહેનોની વ્હારે આવી છે. નાના કારીગર, દુકાનદારોને  પેન્શન  મળે તેવી વ્યવસ્થા સરકારે કરી છે. ગરીબોના દીલ સુધી યોજનાઓના સથવારે સરકાર પહોંચી છે. ઘરઆંગણે લોકોને સેવાઓ મળી રહે તેવા આશય સાથે ૬૦ લાખ લોકોએ સેવાસેતુ કાર્યક્રમનો લાભ મેળવ્યો છે, જે સંવેદનશીલ સરકારની પ્રતિતિ કરાવે છે. મંત્રીશ્રીએ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મહિલાઓને આજીવન વિધવા સહાય પેન્શન મળે તેવી વ્યવસ્થા કરી છે. દિકરો ૨૧ વર્ષનો થાય તો પણ વિધવા બહેનોને પેન્શન  મળશે. ઉપરાંત વિધવા બહેનોને નેશનલ ફુડ સિકયુરીટી યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. સામાજિક, ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે વિધવાઓ પ્રત્યે સંવેદનાસભર કાર્યક્રમને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઓલપાડ વિધાનસભા મત વિસ્તારમાં સરકારી યોજનાના અમલીકરણમાં અવ્વલ નંબરે રહયો છે. અદના માનવી સુધી લાભો પહોંચાડવા પદાધિકારીઓ-અધિકારીઓને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

રાજય સહકાર મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે વિધવા બહેનો માટે સંવેદનાસભર કાર્યને બિરદાવી, જણાવ્યું હતું કે, સમાજમાં રાજય સરકારની મહત્વની યોજનાને છેવાડા સુધી પહોંચાડી છે. ઓલપાડ ધારાસભ્યને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજય સરકારે બહેનોના આશીર્વાદ મેળવવાનું મહત્વનું કાર્ય કર્યું છે. સરકાર સધિયારો બની છે. વિધવા બહેનોને આજીવન વિધવા સહાય પેન્શન  મળે તેવી વ્યવસ્થા રાજય સરકારે કરી છે. ગ્રામ્ય અર્થકારણના બદલવામાં બહેનોની મહત્વની ભુમિકાને પણ તેમણે બિરદાવી હતી.

ઓલપાડ ધારાસભ્ય શ્રી મુકેશભાઇ પટેલે સૌને આવકારી જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકામાં ૨૦૧૨-૧૯ સુધીમાં ૨૩૦૦ કરોડના વિકાસકામો થયા છે. લોકો વિકાસ ઝંખે છે. રાજય સરકારે વિવિધ યોજનાઓના સહારે પ્રજાની આપુર્તિ કરી છે. વિધવા બહેનોને નેશનલ ફૂડ સિકયુરીટી યોજના હેઠળ આવરી લેતા હવે તેઓને રાહતદરે ઘંઉ, ચોખા, ખાંડ સહિતની ચીજવસ્તુઓ મળશે.

રાજય આરોગ્ય મંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિતિબેન પટેલ, ધારાસભ્યશ્રીઓ, મેયર ર્ડા. જગદીશભાઇ પટેલ, કલેકટર ર્ડા.ધવલ પટેલ, જિલ્લા/તાલુકા પંચાયતના સદસ્યો વગેરે મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહયા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.