Western Times News

Gujarati News

છેલ્લા 2 વર્ષમાં 22,000 થી વધુ વિદ્યાર્થીઓને સમરસ છાત્રાલયોમાં રહેવા-જમવાની સગવડ વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવી

છેલ્લા 2 વર્ષમાં 22,000 થી વધુ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા -છેલ્લા 2 વર્ષમાં ₹68 કરોડથી વધુ ખર્ચ કરાયો

સમરસ છાત્રાલયો: વંચિત સમુદાયો માટે સમાવિષ્ટ અને વિનામૂલ્યે શિક્ષણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC) માટે ગૌરવ, સમાનતા અને તકો સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં લીધાં છે. જે સર્વસમાવેશક વિકાસ અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ગુજરાતમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તમામ સમુદાયો, ખાસ કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો અને આર્થિક રીતે પછાત વર્ગોના ઉત્થાન અને સશક્તિકરણ કરતી અનેક યોજનાઓ અને પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણને સુનિશ્ચિત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વારસાને આગળ વધારી રહ્યા છે.

આવો જ એક પ્રોજેક્ટ છે “સમરસ છાત્રાલય પ્રોજેક્ટ”, જેમાં સામાજિક અને આર્થિક રીતે વંચિત પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને, ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC)ના વિદ્યાર્થીઓને અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્ટેલોમાં રહેવા અને ગુણવત્તાયુક્ત જમવાની સગવડ વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવે છે.

સમરસ છાત્રાલયો આવા વિદ્યાર્થીઓને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિનામૂલ્યે રહેવાની સુવિધા પૂરી પાડે છે. આ આવાસીય સુવિધા ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જ્યાં સુનિશ્ચિત કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને સારા અને વ્યવસ્થિત રૂમ, સ્વચ્છ સેનિટેશન સુવિધાઓ, લાયબ્રેરી અને રિક્રિએશન એરિયા એટલે કે મનોરંજન માટેના વિસ્તારની એક્સેસ મળી શકે. સમરસ છાત્રાલયો ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવાની સાથે વ્યક્તિગત વિકાસ માટે પણ અનુકૂળ વાતાવરણનું નિર્માણ કરે છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો ઉપરાંત આ પ્રોજેક્ટ વિદ્યાર્થીનીઓની સલામતી અને કલ્યાણ પર પણ ભાર મૂકે છે. છોકરીઓ માટે અલગ હોસ્ટેલ બનાવવામાં આવી છે, જેમાં તેમની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવાના પગલાં લેવામાં આવ્યા છે.

 

આ પહેલ માત્ર રહેઠાણ સુધી મર્યાદિત નથી પરંતુ શિક્ષણની ગુણવત્તા અને જીવનની ગુણવત્તા સુધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં પ્રેરક પ્રવચનો, શૈક્ષણિક કાર્યશાળાઓ, તબીબી શિબિરો, યોગ દિવસની ઉજવણી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી વગેરેનો સમાવેશ થાય છે.

આજની તારીખમાં 13,000 વિદ્યાર્થીઓની કુલ ક્ષમતા સાથે 10 જિલ્લાઓમાં 20 સમરસ છાત્રાલયો કાર્યરત છે. અમદાવાદ, ભાવનગર, રાજકોટ, સુરત અને વડોદરા ખાતે 1000 વિદ્યાર્થીઓની ક્ષમતા છે, જામનગરમાં 500 વિદ્યાર્થીઓની ક્ષમતા છે અને આણંદ, હિંમતનગર, ભુજ અને પાટણમાં બોય્ઝ/ગર્લ્સની દરેક હોસ્ટેલમાં 250 વિદ્યાર્થીઓની ક્ષમતા છે.

છેલ્લા બે વર્ષમાં, રાજ્ય સરકાર દ્વારા સમરસ પ્રોજેક્ટ માટે ₹68 કરોડથી વધુનું કુલ બજેટ ફાળવવામાં આવ્યું છે. કુલ 22,000 થી વધુ વિદ્યાર્થીઓએ આ છાત્રાલયોનો લાભ લીધો છે.

પ્રોજેક્ટના લાભાર્થી પરમાર રોહિતકુમાર રામજીભાઈ કહે છે, “મેં BMSનો અભ્યાસ કર્યો છે અને 2018-2022 દરમિયાન રાજકોટની સમરસ હોસ્ટેલમાં રહ્યો હતો. મારા ચાર વર્ષ દરમિયાન, અમને બધાને ગુણવત્તાયુક્ત ખોરાક અને રહેવાની સારી સગવડો આપવામાં આવી હતી જેણે મને સરળતાથી અભ્યાસ કરવામાં મદદ કરી હતી. હું હાલમાં રાજકોટની મેડિકલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરું છું.”

ઉલ્લેખનીય છે કે વર્ષ 2021ના SKOCH એવોર્ડના સેમિ-ફાઇનલમાં સમરસ સોસાયટી ક્વોલિફાય થઈ ચૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.