સિંધુ ભવન રોડ પર લગ્ન પ્રસંગમાંથી ઘરેણાં અને રોકડ ભરેલી બેગની ચોરી
અમદાવાદ: હાલમાં ચાલી રહેલાં લગ્નગાળાનો લાભ ચોરો અને તસ્કરો વધુ ઊઠાવી રહ્યાં છે. ક્યાંક લગ્ન ખર્ચ માટે ઊપાડેલાં રૂપિયા તો ક્યાંક લગ્નમાં આપવા માટે બનાવેલાં ઘરેણાં ભરેલી થેલીઓ નજર ચૂકવી ચોરી કરવાની ઘટનાઓ વધી છે. આ સ્થિતિમાં શહેરનાં પોશ વિસ્તાર એવા સિંધુભવન રોડ પર પણ આવી જ એક ઘટના બની છે. જેમાં ઘરેણાં અને રોકડ ભરેલી થેલીની ચોરી કરી કોઈ ગઠીયો ગણતરીની મિનિટોમાં જ ગાયબ થઈ જતાં લગ્ન પ્રસંગ બગાડ્યો હતો.
નિવૃત્ત જીવન ગુજારતાં મુકેશભાઈ પંડ્યા (રહે.મણિનગર)નાં નાનાં દિકરા કિર્તનની સગાઈ બોડકદેવ ખાતે રહેતાં બકુલભાઈની પુત્રી સાથે થઈ હતી. અને તેમનાં લગ્ન ૧૨મી તારીકે સિંધુભવન રોડ ઊપર આવેલાં રાધીકા પાર્ટી પ્લોટમાં યોજાયા હતા. લગ્ન પ્રસંગ નિમિત્તે પુત્રવધુ પાર્થવીને આપવા માટે મુકેશભાઈએ સોનાનો સેટ, પાયલ, ચાંદીના સિક્કા, કંકાવટી બનાવડાવી હતી.
આ તમામ ઘરેણાં સાથે લગ્નમાં આવેલાં ચાંદલાના રદૃપિયા એક લાખની રોકડ તથા ચેકબુકો એક થેલીમાં મુકી હતી એ પછી આશરે ૫૦ હજારથી વધુ રકમ ચાંદલા પેટે આવતાં એ રકમ પણ થેલીમાં મુકી મુકેશભાઈએ પોતાની પાસે રાખી હતી. આ થેલીને બાજુમાં મુકી તે મહેમાનો સાથે વાતે વળગ્યા હતા. દરમિયાન લગ્નમાં ભીડનો લાભ ઊઠાવી કોઈ ગઠીયાએ રૂપિયા ૨,૬૮,૦૦૦ની કિંમતની મત્તા ભરેલી આ બેગની ગણતરીની સેકન્ડોમાં જ ઊઠાંતરી કરી હતી.
ત્યારબાદ બકુલભાઈએ રૂપિયા ભરેલાં કેટલાંક કવર તેમને આપતાં મુકેશભાઈ તે પણ બેગમાં મુકવા જતાં બેગ ચોરી થયાની તેમને જાણ થઈ હતી. લગ્નમાં ચોરીની જાણ થતાં ઊહાપોહ મચી ગયો હતો. તમામ લોકોએ શોધખોળ કરવા છતાં કિંમતી સામાન અને રોકડ ભરેલી બેગ ન મળી આવતાં છેવટે તમામ લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા જ્યાં ચોરીની ફરીયાદ નોંધાવતાં પોલીસે આસપાસનાં સીસીટીવી ફુટેજ મેળવી ગઠીયાની ઓળખ હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે.