Western Times News

Gujarati News

‘આહાર બદલો, જીવન બદલો’ પોષક તત્વોથી ભરપૂર હલકા ધાન્ય અપનાવો

ઘાસ કુળનું આ ધાન્ય ગ્લુટેન ફ્રી હોય છે. બીજું તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત રહેતો નથી.

આહવા,  મિલેટ એટલે કે હલકું તૃણ ધાન્ય, જે પોષક તત્વોથી ભરપૂર છે. મિલેટના આ વર્ગમાં ભારતમાં જુદા જુદા ધાન્ય થાય છે. ધીરે ધીરે આ ધાન્ય અદ્રશ્ય થવાના આરે હતા, જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીને કારણે હવે જીવંત થશે.

આ ધાન્યની ખેતીમાં વિશ્વમાં ભારત અગ્રેસર છે. વિશ્વના કુલ ઉત્પાદનમાં ૪૧ % હિસ્સો એકલા ભારતનો જ છે. ઘાસ કુળનું આ ધાન્ય ગ્લુટેન ફ્રી હોય છે. બીજું તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત રહેતો નથી. આપણે જાણીએ છીએ કે દરેક રોગનું મૂળ કબજિયાત જ હોય છે, અને આ રોગનું નિદાન-ઉપાય એ હલકા ધાન્યો છે.

ભારતમાં નાગલી સામાન્ય રીતે રાગી (કન્નડ અને તેલુગુ), મંડુઆ/મંગળ (હિન્દી), કોડ્રા (હિમાચલ પ્રદેશ), મંડિયા (ઉડિયા), તૈદાલુ (તેલંગણા પ્રદેશમાં), કેઝવારાગુ (તમિલ) અને બાવટો, નાગલી (ગુજરાતમાં) વિગેરે શબ્દ દ્વારા બોલવામાં આવે છે. જુદા જુદા હલકા ધાન્યોને જુદા જુદા રાજ્યોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.

હિમાલયના ૨૩૦૦ મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પ્રદેશોથી લઈ દરિયા કિનારા સુધીના વિસ્તારમાં હલકા ધાન્યો ઉગાડવામાં આવે છે. ભારતમાં ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, અને બાજરા પછી હલકા ધાન્ય પાકોનું ઉત્પાદન છઠ્ઠા ક્રમે છે. ભારતમાં, રાગીનું મોટે ભાગે કર્ણાટકમાં વધારે વાવેતર થાય છે. અને આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, મહારાષ્ટÙ, ગુજરાત, અને ગોવામાં મર્યાદિત હદ સુધી વપરાય છે. ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી, નર્મદા તેમજ સુરત જિલ્લાના આદિવાસીઓ નાગલીની ખેતી કરી, તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

ગુજરાતમાં કુલ હલકા ધાન્ય પાકોનો વિસ્તાર ૪૧,૭૦૦ હેકટર છે, જેમાં નાગલી પાકનું કુલ ઉત્પાદન ૧૫,૦૧૩ મેટ્રિક ટન અને ૧૯,૨૩૫ હેક્ટર વિસ્તારમાં તેનું વાવેતર થાય છે. જેમાં ડાંગ જિલ્લામાં સૌથી વધારે નાગલી પાકનું વાવેતર ૧૪,૩૦૦ હેક્ટર અને ઉત્પાદન ૧૧,૭૫૫ મેટ્રિક ટન થાય છે.

ગુજરાતનાં આદિવાસી વિસ્તારોમા જુના ધાન્યોમાં મુખ્યત્વે બંટી, કાંગ, વરાઇ, નાગલી, સામો વિગેરે વવાતા, અને તેનો ખાવામા ઉપયોગ થતો. હાલમાં બંટી, કાંગ, વરાઇ ડાંગના કોઈક ખેડુતો કરે છે, જ્યારે નાગલી તો વ્યાપક પ્રમાણમાં ખવાય છે. તેમ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદ પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું.
ભારતમાં થતાં આ જુદા જુદા મિલેટ (ધાન્ય) ની અનેક વેરાયટી પૈકી ગુજરાતમાં આઠ ધાન્ય જાણીતા છે. જે મુજબ જુવાર, બાજરો, રાગી/નાગલી/નાચની, વરી/મોરૈયા, ચીણો, કોદરી, સામો, અને કાંગ.

મૈસુરના ડા.ખાદર વલ્લી ભારતીય મિલેટમેન તરીકે ઓળખાય છે. જેમને ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તેમણે ભારતીય ખોરાકમાં સિરિધાન્ય ના વપરાશ માટે ઝુંબેશ ઉપાડેલી છે. સિરિ એટલે સંપતિ. આપણું આરોગ્ય એ જ સૌથી મોટી સંપત્તિ છે.

એ અર્થમાં આ ધાન્ય આપણા આરોગ્ય માટે મહ¥વનું છે. આ ધાન્ય પાકો ઓછા વરસાદમાં વિષમ પરિÂસ્થતિમાં થઇ શકે છે. ઓછા સમયમાં પાકે છે. જૈવિક વિવિધતા વધારે છે. આ પાકોમાં જંતુનાશક દવાઓ કે રાસાયણિક ખાતરોની જરૂર પડતી નથી, અને આ ધાન્યો ટ્રેડિશનલ પણ છે. ઉપરાંત આ ધાન્યનો ચારો પશુઓ માટે પણ મહત્વનો છે. આ ધાન્ય પક્ષીઓને પણ ખૂબ જ પ્રિય છે.

આજે મિલેટસને સુપરફુડ જેવા જુદા જુદા વિશેષણોથી નવાજાઈ રહ્યું છે. આ પોષ્ટિક તૃણ ધાન્યો ગ્રાહકો, ખેડુતો અને જુદી જુદી આબોહવા માટે પણ ખૂબ જ સારા છે.

આપણે ત્યાં બાજરો અને જુવાર જાણીતું ધાન્ય છે. ડાંગના આદિવાસીઓની રાગી (નાગલી) થી પણ આપણે પરિચિત છીએ. પણ આ ત્રણે ધાન્ય કરતાં પણ કાંગ, સામો, કોદરો, હરિ કાંગ અને બંટી વધારે ઉપયોગી છે. આ પાંચે ધાન્ય સકારાત્મક ગણાય છે. જયારે બાજરો, જુવાર અને રાગી ન્યુટ્રલ ગણાય છે. વધારે ગ્લુટેનની માત્રા, વધારે ગ્લાઈસેમિક ઈંડેક્સ, વધારે શર્કરાનું પ્રમાણ એ ઘઉં, ચોખા, મકાઈ (સ્વીટ કોર્ન) જેવા તૃણ ધાન્યમાં જાવા મળે છે. જેના કારણે મધુપ્રમેહના દર્દીઓ માટે ઘાતક સાબિત થયેલુ ધાન્ય છે.

આજે ભારતના શહેરોમાં આહાર તરીકે ઘઉં અને ચોખાનો વપરાશ ૯૫ % છે. ૪.૫ % બાજરી, જુવાર, અને મકાઇનો વપરાશ છે. બાકીના ૦.૫ % માં રાગી, સામો, કોદરો વિગેરે છે. ગામડામાં ઘઉં, ચોખા ૮૫ % આહારમાં વપરાય છે. જયારે ૧૪ % માં બાજરી, જુવાર, મકાઇ ખવાય છે. ૧ % લોકો નાગલી, સામો, કોદરો, કાંગ ખાય છે. આશા રાખીએ કે તેનો ઉપયોગ અડધા અને એક ટકામાંથી વધીને દશ ટકા થાય.

કાંગ મધુપ્રમેહમાં ખૂબ જ ફાયદો કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે. ચામડીના તમામ રોગોમાં ઉપયોગી છે. સામો થાઇરોઇડ અને સ્વાદુપિંડ માટે ઉપયોગી છે. રાગી એનિમિયા થી બચાવે છે. રાગી ફણગાવીને ખાવાથી વિટામિન સી મળે છે અને તે આયર્નથી પણ ભરપુર છે. તો ચાલો, આપણે પણ આ ધાન્યને અપનાવી રોગમુક્ત રહીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.