Western Times News

Gujarati News

10 ટકાના માસિક વ્યાજે લીધેલા 17 લાખ સામે 75 લાખ ચુકવી દીધા છતાં ૬૦ લાખની ઉઘરાણી

પ્રતિકાત્મક

17 લાખની સામે વ્યાજ સાથે 75 લાખ ચૂકવ્યા પછી વધુ રકમ વસૂલવા ધમકી-જમીન દલાલની ગોત્રીના વ્યાજખોર સહિત ચારની સામે પોલીસ ફરિયાદ

વડોદરા, વડોદરા તાલુકાના ખાનપુરના જમીન લે-વેચનો વ્યવસાય કરનાર જમીન દલાલને ત્રણ વર્ષ અગાઉ ધંધામાં ગયેલી ખોટને કારણે નાણાંની જરૂરિયાત ઉભી થતાં ગોત્રીના વ્યાજખોર ધર્મેશ પાટણવાડીયા પાસે ૧૦ ટકાના માસિક વ્યાજે લીધેલા ૧૭ લાખ સામે ૭૫ લાખ ચુકવી દીધા છતાં ૬૦ લાખ બાકી કાઢી પઠાણી ઉઘરાણી કરી એક વખત હુમલો કરી વ્યાજ નહીં ચૂકવે તો જાનથી મારી નાખી લાશના ટુકડા કરી તળાવમાં ફેંકી દેવાની ધમકી આપતા ચારેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ખાનપુર ગામમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતાં પ્રદીપકુમાર અશ્વિનભાઈ પટેલને નાણાકિય જરૂરિયાત ઉભી થાય ત્યારે તેઓ મિત્રો પાસેથી ઉછીના નાણાં લેતાં હતા. જેમાં મેહુલ ભરવાડ અને પપ્પુભાઈ શાહ પાસેથી નાણાં ઉછીના લઈ સમયમર્યાદામાં પરત કરતા હતા.

ત્રણ વર્ષ અગાઉ ધંધામાં નુકસાન જવાથી તેમને તાત્કાલિક એક લાખ રૂપિયાની જરૂરિયાત ઉભી થતાં મેહુલ ભરવાડનો સંપર્ક કર્યાે હતો. જો કે મેહુલ ભરવાડે આટલી મોટી રકમ પોતાની પાસે નહીં હોવાનું જણાવી ગોત્રી પટેલ હોસ્પિટલની બાજુમાં રહેતા ધર્મેશ પાટણવાડીયાનો સંપર્ક કરાવ્યો હતો.

ધર્મેશ પાટણવાડિયાએ ૧૦ ટકાના વ્યાજે એક લાખ આપવાની તૈયારી દર્શાવી. પોતાના માણસ રાજુ મકવાણા સાથે આવી જણાવ્યું હતું કે દર મહિને ૧૦ હજાર લેવા માટે રાજુ મકવાણા આવશે. પ્રદીપભાઈને વધુ નાણાંની જરૂરિયાત ઉભી થતાં તેમણે ધર્મેશ પાટણવાડીયા પાસેથી ૧૭ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને વ્યાજપેટે તેઓ ૨.૮૦ લાખ ચુકવતા હતા.

વ્યાજ ચુકવવામાં ઢીલ થતાં ધર્મેશ પાટણવાડીયાએ પ્રદીપ પટેલને રોકી તેમના ઉપર હુમલો કર્યાે હતો. જો કે વ્યાજખોર ધર્મેશ પાટણવાડીયાના ત્રાસથી કંટાળી પ્રદીપ પટેલે બનાવ સંદર્ભે વડોદરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ધર્મેશનો મોટો ભાઈ કલ્પેશ કંચનભાઈ મકવાણા, કલ્પેશની પત્ની અલ્પાબેન તેમજ અન્ય ચાર જણા પ્રદીપભાઈના નિવાસસ્થાને આવી એવી ધમકી આપી હતી કે,

તું અરજી પાછી નહીં ખેંચે તો અમે ચારે જણ તારા ઘરના આંગણે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લઈશું અને તને આખી જિંદગી જેલમાં મોકલી આપીશું. આખરે આ મામલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પ્રદીપ પટેલે વડોદરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ૧૭ લાખ સામે ત્રણ વર્ષમાં ૭૫ લાખ ચુકવી દીધા છતાં હજુ પણ ધર્મેશ પાટણવાડીયા ૬૦ લાખ બાકી નીકળતાં હોવાનું જણાવી પઠાણી ઉઘરાણી કરે છે.

વડોદરા તાલુકા પોલીસે બનાવ સંદર્ભે ધર્મેશ કંચનભાઈ પાટણવાડીયા, રૂપલ ધર્મેશભાઈ કંચનભાઈ ઠાકોર, કલ્પેશ કંચનભાઈ મકવાણા અને અલ્પાબેન કલ્પેશભાઈ મકવાણા વિરૂદ્ધ ગુનો નોંધી ચારેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.