Western Times News

Gujarati News

વિશ્વ વારસો રાણી કી વાવ ખાતે ‘વિરાસત’ સંગીત સમારોહ

  • ગુજરાતના કલા સ્થાપત્ય અને અલભ્ય વિરાસતનો રાજ્યના વિકાસમાં મોટું યોગદાન છે
  • ગુજરાત-અસ્મિતાના દર્શન કરાવતી વિવિધ ઉજવણીની પરંપરા નરેન્દ્રભાઇ મોદીએ સ્થાપી
  • પાટણ ગુજરાતની અસ્મિતાનું પ્રતિક
  • વિરાસતસંગીત ઉત્સવ રાણી કી વાવની ગરીમા ઉજવવાનો ઉત્સવ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, પાટણ રાણકી વાવને કારણે દુનિયાના નકશામાં ચમક્યું છે. કલા- સ્થાપત્યની આ અલભ્ય વિરાસત છે.

પાટણ ખાતે દ્વિ-દિવસીય  સંગીત સમારોહના શુભારંભ પ્રસંગે બોલતામુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પાટણ એ ગુજરાતની પ્રાચીન રાજધાની છે. સુવર્ણનગરી પાટણમાં રાણકી વાવની ગરિમા ઉજવવાનો આ ઉત્સવ છે. પાટણ ગુજરાતની અસ્મિતાનું પ્રતિક છે, એમ તેમણે ઉમેર્યું હતું.

રાણકીવાવ, મોઢેરા સૂર્યમંદિર, રુદ્ર-મહાલય, બિન્દુ સરોવર જેવા વિવિધ સ્થાપત્યોનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ ગુર્જરધરાને મળેલા અલભ્ય સ્થાપત્યોની ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, અણહિલવાડથી શરૂ થયેલ ગુજરાતનો સમૃદ્ધ વારસો આજે વિકસીત ગુજરાતમાં પણ જળવાયો છે. તેઓએ કહ્યું કે,કચ્છનું સફેદ રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીરના સાવજ, સોમનાથ અને દ્વારિકાના પુરાતન મંદિર ગુજરાતની વૈવિધ્યતાનો લખલુટ ખજાનો છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રીનરેન્દ્ર ભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘તાનારીરી’ ઉત્સવ, સૂર્ય મંદિર ખાતેનોઉતરાર્ધ મહોત્સવ, કાઈટ ફેસ્ટિવલ વગેરે ઉત્સવો ઉજવી ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવાની આગવી પરંપરા સ્થાપી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહયું કે, ગુજરાતના વિકાસમાં અલભ્ય  વિરાસત, કલા અને સ્થાપત્યનું પણ અમૂલ્ય યોગદાન છે.  ગુજરાત રાજ્ય ગાંધીજીનું ગુજરાત, સરદારનું ગુજરાત અને હવે નરેન્દ્રભાઈમોદીનું ગુજરાત બન્યું છે ત્યારે સૌના સાથથી સૌનો વિકાસ સાધવાની મુખ્યમંત્રીશ્રીએ નેમ વ્યક્ત કરી હતી

સંગીત સમારોહ પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ વિશ્વ વિરાસત રાણકી વાવની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ પાટણના પૌરાણીક એવા કાળકામાં મંદિરના દર્શન- આરતી કરી ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું.

વિરાસત સંગીત સમારોહમાં ગઝલ સમ્રાટ શ્રી હરિહરનજી,  સુપ્રસિધ્ધ લોકગાયક જીગ્નેશ બારોટ અને લોકગાયિકા સુશ્રી ગીતાબેન રબારીએ શ્રોતાજનોને અભિભૂત કરતી સંગીતની સૂરાવલી વહાવી હતી.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપ ઠાકોર,  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, પાટણ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી વાસણભાઇ આહિર, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ શ્રી સી. વી. સોમ, જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પાટણના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.