સુરત ખાતે 100 આદિવાસી નવયુગલો પ.પૂ. મહંતસ્વામીના આશીર્વાદ લઈ લગ્ન ગ્રંથીથી જોડાયા
 
        લગ્ન એક પવિત્ર વિધી છે: પૂ. મહંત સ્વામી
સુરત, વિશ્વવંદનીય સંત પરમ પૂજય મહંતસ્વામી મહારાજ સુરતના આંગણે ભકતોને લાભ આપી રહ્યા છે એ દરમિયાન સાબરકાંઠા- હિંમતનગર અને તેની આસપાસના ૧૦૦ જેટલા યુવાનો લગ્નગ્રંથીથી જોડાવાના સમયે પરમ પૂજય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ લેવા માટે ખાસ સુરત આવ્યા હતા. આ તમામ યુવાનોને વ્યસનમુકત જીવન જીવવાના પરમ પૂજય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.
બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા ચાલતી અનેકવિધ પ્રવૃતિઓ પૈકી આદિવાસી ઉત્કર્ષની પ્રવૃતિ શિરમોર છે. આથી જ આદિવાસી બાહુલ વિસ્તારોમાં મંદિરો બનાવી સમાજનો ઉત્કર્ષ કરવામાં આવી રહ્યો છે.
હિંમતનગર ખાતે આવેલા બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરના દશાબ્દી મહોત્સવ નિમિત્તે આ વિસ્તારના ૧૦૦ જેટલા યુગલોના લગ્નનું સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આ લગ્નમાં જોડાનારા ૧૦૦ જેટલા નવયુગલો અને તેના પરિવારજનો મંગળવારે સવારે પરમ પૂજય મહંતસ્વામી મહારાજના આર્શીવાદ લેવા માટે સુરત ખાતે આવ્યા હતા.
આદિવાસી યુવાનો અને તેમના પરિવારજનોની આવી શુધ્ધ ભાવનાથી પ્રસન્ન થયેલા પરમ પૂજય મહંતસ્વામી મહારાજે આ તમામ પર રાજીપો વરસાવી તેઓના મીંઢળ, લગ્નના ઘરેણા અને અન્ય વસ્તુઓપ્રસાદીના કર્યા હતા. આ પ્રસંગે આદીવાસી નવયુગલો અને તેમના પરિવારજનોને આશીર્વાદ આપતા પરમ પૂજય મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતું કે લગ્ન એ એક પવિત્ર વિધી છે, રૂપ અને ગુણોનો સોદો નથી એ એક આધ્યાત્મિક બાબત છે.
પતિ પત્ની બંને એકબીજાને વફાદાર રહી લગ્ન પાળે તથા સુખ અને દુઃખમાં એકબીજાને સહાયભૂત થાય તો લગ્નજીવન સુખદાયી નિવડે. લગ્ન એ સામાન્ય બાબત નથી. પણ એકબીજાને સમજીને સહાયરૂપ થવાની વિધિ છે. વ્યસન મૂકી દેજો, બધા સુખી થશો. વિશ્વવંદનીય સંત પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા આદિવાસીઓને પ્રેરણા આપતા કહેતા કે આદિ એક ભગવાન છે અને તે ભગવાનનો તમારામાં વાસ છે માટે તમે આદિવાસી છો.

 
                 
                 
                