Western Times News

Gujarati News

ટેક હોમ રેશન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે અંદાજે 40 લાખથી વધુને લાભાર્થીને અવિરત લાભ અપાયો

File

આદિજાતિ-વિકાશીલ તાલુકાઓના ૧૧ લાખથી વધુ આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા બાળકો-સગર્ભા ધાત્રી માતાઓને રૂ. ૧૬૧ કરોડના ખર્ચે ફ્લેવર્ડ દૂધનું વિતરણ

કીડની રોગની સારવાર માટે ગુજરાતમાં ૨૦૦થી વધુ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત 

જાણીતા સમાજ સુધારક અને ચિંતક સ્વામી દયાનંદ સરસ્વતીજી મહિલાઓના સર્વાંગી વિકાસના પ્રખર હિમાયતી હતા. તેમણે મહિલાને શિક્ષિત બનાવવા પર ભાર મૂકતાં જણાવ્યું હતુ કે, મહિલાઓને શિક્ષિત અને સુસંસ્કૃત કરવાથી કરવાથી દેશની સાચી અને સંપૂર્ણ ઉન્નતિ શક્ય બનશે. સશક્ત સમાજના નિર્માણ માટે મહિલા સશક્તીકરણની દિશામાં ગુજરાતે નક્કર પગલાં લીધાં છે.

વાઇબ્રંટ ગુજરાતના સફળ આયોજનોના પરિણામે ગુજરાતમાં મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સમૃદ્ધિમાં ઉડીને આંખે વળગે એવુ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ગુજરાત સરકારે દર બે વર્ષે યોજાતી વાઇબ્રંટ ગુજરાત સમિટમાં બાળકોનાં આરોગ્ય, પોષણ અને શિક્ષણની કાળજી લઈને ભવિષ્યની પેઢીના નિર્માણ દ્વારા સુવિકસિત ગુજરાતનો સંકલ્પપથ પ્રશસ્ત કરવાનુ કાર્ય કર્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે વાઈબ્રન્ટ એવા ગુજરાતે મહિલાઓ અને બાળકોને પોષણક્ષમ બનાવવા માટે વ્યાપક અભિયાન ચલાવીને સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

રાજ્ય સરકારે મહિલાઓનાં સામ્ર્ત્યને ઉજાગર કરવા માટે તથા બાળકોને પોષણક્ષમ બનાવવા માટે વિવિધ યોજનાઓ પરિણામલક્ષી રીતે કાર્યાન્વિત કરવા ઉપર વિષેશ ભાર મુક્યો છે. રાજ્ય સરકારની મહિલા અને બાળકોના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગના નાણાકીય આયોજનની જ વાત કરીએ તો વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં મહિલા અને બાળ વિકાસ માટે રૂ. 6064 કરોડની માતબર રકમની જોગવાઇ કરવામા આવી છે.

આર્થિક પ્રગતિ માટે શારીરિક સ્વાસ્થ્ય અત્યંત અનિવાર્ય બાબત છે. સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ જ સ્વસ્થ સમાજ, રાજ્ય અને દેશના નિર્માણમાં પોતાનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. રાજ્ય સરકારે સમાજના દરેક વર્ગની સાથે મહિલાઓના જન્મથી લઈને મૃત્યુ સુધી ગુણવત્તાસભર આરોગ્ય મળી રહે તે માટે અનેક કલ્યાણકારી પગલાંઓ લીધાં છે.

રાજ્યમાં માતા મરણ અને બાળ મરણ દર ઘટાડવા, જેંડર રેશીયોનું ધ્યેય હાંસલ કરવા તથા જાતીય પ્રમાણની અસમાનતા ઘટાડવાના લોકકલ્યાણકારી ઉદ્દેશો હાંસલ કરવા સગર્ભા અને ધાત્રી માતાઓ માટે ચિરંજીવ યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના, પોષણસુધા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, કિશોરી શક્તિ યોજના, સુપોષણ સંવાદ તથા મિશન ઈન્દ્રધનુષ જેવી અનેક યોજનાઓ વડે સુરક્ષિત માતૃત્વ તથા અન્ય આરોગ્ય સેવાઓ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચાડી રાજ્યની તમામ  મહિલાઓને ગુણવત્તાસભર આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલું રાષ્ટ્રીય પોષણ અભિયાન દેશમાં મહિલા અને બાળકોમાં પોષણની સ્થિતિ સુધાર લાવવાનું મહત્વનું પરિબળ બનીને ઉભરી આવ્યું છે.  મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણની જરૂરીયાતને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આંગણવાડી તેમજ અન્ય પાયાને સ્પર્શતી યોજનાઓના સુચારૂ ક્રિયાન્વયન ઉપર ધ્યાન કેંદ્રિત કર્યું છે.

આ યોજનાઓ દ્વારા તેમના જીવનચક્રના બધા જ તબક્કાઓ ઉપર ભાર મૂકી સમતુલિત શારીરિક અને માનસિક વિકાસ સુનિશ્ચિત કરવાની સરકારની નેમ છે. જીવનના દરેક તબક્કે મહિલાઓના આરોગ્ય તેમજ પોષણની કાળજી તંદુરસ્ત ભાવિ માટે જરૂરી છે.

ટેક હોમ રેશન-આજે વિકસિત ગુજરાતની વિભાવના સાકાર થઈ રહી હોય એમ લાગે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે નારીશક્તિના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટેનો બહુપાંખીયો વ્યૂહ અમલમાં મૂક્યો. મહિલા સશક્તીકરણ માટે વીસમી સદીના અંતમાં ગુજરાત જે સમસ્યાઓ સંકટો અને પ્રતિકૂળતાઓ સામે ઝઝૂમતું હતું,

તેનો કાયમી ઉકેલ રાજ્ય સરકારની છેલ્લા બે દાયકાની પરિણામલક્ષી કાર્ય યોજનાઓ અને  વાઇબ્રંટ ગુજરાતના સફળ  આયોજને આપ્યો છે. 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) પૈકી, SDG-5નો હેતુ સમાજમાં સમાનતા હાંસલ કરવાનો અને મહિલા તથા દીકરીઓ વિરુદ્ધના તમામ ભેદભાવને સમાપ્ત કરીને તમામ મહિલાઓને સશક્ત બનાવવાનો છે.

જાતિગત સમાનતા એ માત્ર મૂળભૂત માનવ અધિકાર નથી, પરંતુ ટકાઉ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ અગત્યની બાબત છે. ‘આઇસીડીએસ યોજના’ અંતર્ગત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં ગુજરાત કો- ઓપરેટીવ મિલ્ક ફેડરેશન(અમૂલ)ના માધ્યમથી જિલ્લા ડેરીને ટેક હોમ રેશનના ઉત્પાદન અને આંગણવાડી સુધી વિતરણની જવાબદારી આપવામાં આવી છે.

‘સંકલિત બાળ વિકાસ યોજના’ હેઠળ આંગણવાડી કેન્દ્રમાં આવતા ૩ થી ૬ વર્ષના બાળકોને સવારનો ગરમ નાસ્તો અને બપોરનું ગરમ ભોજન અઠવાડિયામાં છ દિવસ આપવામાં આવે છે. અઠવાડિયામાં બે દિવસ ઋતુ પ્રમાણે તાજાં ફળ પણ આપવામાં આવે છે. ટેક હોમ રેશન અને ગરમ તાજું ભોજન ૬ માસથી ૬ વર્ષના બાળકો અને સગર્ભા, ધાત્રી માતાઓને આપવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં દર વર્ષે સરેરાશ ૪૦.૬૬ લાખ લાભાર્થીઓને આનો લાભ આપવામાં આવ્યો છે.

ટ્રેકીંગ સિસ્ટમથી સજ્જ છે ટીએચઆર-રાજ્યની આંગણવાડી સુધી પહોચતા ટેક હોમ રાશનની ગુણવત્તા અને સમયબદ્ધતા જાળવવા માટે ટ્રેકીંગ સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. જેમાં ટેક હોમ રાશનનાં ઓર્ડરથી લઈ ડિલીવરી સુધી તમામ સ્તરે તેને ઓનલાઈન ટ્રેક કરવામાં આવી રહી છે

ફોર્ટીફિકેશન-તમામ આંગણવાડી કેન્દ્રોમાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના માધ્યમથી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોને સાંકળીને ઘઉંનું ફોર્ટીફિકેશન કરી ફોર્ટીફાઇડ લોટ બનાવવાની કામગીરી GCMMF -આણંદને આપવામાં આવી છે. રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રના ૩ થી ૬ વર્ષના બાળકોને આંગણવાડી પર અપાતા ગરમ નાસ્તા માટે વપરાતા ચોખાને ફોર્ટીફાઇડ કરી આપવામાં આવે છે. રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં વિટામીન-એ અને વિટામીન-ડીથી ફોર્ટીફાઈડ કરેલ સીંગતેલ પૂરું પાડવામાં આવે છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના-વર્ષ ૨૦૨૨-૨૩થી ૧૦૦૦ દિવસ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલી પહેલી વખતની સગર્ભા માતા હોય ત્યારથી બાળક ૨ વર્ષ સુધીનું ન થાય ત્યાં સુધી બાળકોની માતાને દર માસે એકસ્ટ્રા રેશનમાં ૧ કિલો તુવેરદાળ, ર કિલો ચણા, ૧ કિલો ફોર્ટીફાઇડ સીંગતેલ આપવામાં આવે છે.

દૂધ સંજીવની યોજના-આદિજાતિ અને વિકાસશીલ તમામ તાલકુાઓમાં અંદાજિત ૧૧ લાખથી વધુ આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલ ૬ માસ થી ૬ વર્ષ સુધીનાં બાળકો અને સગર્ભા ધાત્રી માતાઓને રૂ.૧૬૧ કરોડના ખર્ચે પેશ્ચ્યરુાઇઝ્ડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.

અન્ય મહત્વની યોજનાઓની ઝલક-બાળકોને આંગણવાડીમાં ગુણવત્તાપૂર્ણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવા તેમજ ડિજિટલ લર્નિંગ મટીરીયલ પૂરું પાડવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે બજેટમાં રૂ. ૨૬૮ કરોડની ફાળવણી કરવામા આવી છે. માતા યશોદા તરીકે ફરજ બજાવનાર આંગણવાડીની બહેનોના માનદવેતન અને અન્ય સવલતો વધારવામાં આવી છે.

દેશમાંથી ઓછા વજન સાથે જન્મેલા બાળકોને ચેપ લાગવાનું મોટુ જોખમ હોય છે. ત્યારે આવા કુપોષિત બાળકોને સમયસર સારવાર મળે તે જરૂરી છે. આ સમસ્યાને જાકારો આપવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહુઆયામી વ્યૂહરચના અપનાવવામાં આવી છે. આ અભિયાનમાં બિનસરકારી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમોનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે.

રાજ્યના બાળકોને પોષણક્ષમ બનાવવાના પ્રયાસમાં જનભાગીદારીનું ઉત્કૃષ્ઠ પરિણામ વડોદરાના શિનોર તાલુકામાં જોવા મળ્યું છે. શિનોર તાલુકામાં મોટા ફોફળીયા ગામમાં કાર્યરત શક્તિકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકાર સાથે સહકાર સાધીને દસ વર્ષ પહેલાં શ્રી છોટુભાઈ પટેલ હોસ્પિટલ એન્ડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

આ હોસ્પિટલમાં આવતાં કુપોષિત અને ઓછા વજન ધરાવતાં બાળકો માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું. જેમાં આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો દ્વારા કુપોષિત બાળકોને અલગ તારવીને તેનું પરીક્ષણ કરીને તેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે. આ વિસ્તારમાં પહેલાં કુપોષિત બાળકોનું પ્રમાણ ખૂબ રહેતું હતું. પણ છેલ્લાં દસ વર્ષથી ચાલી રહેલાં સામૂહિક પ્રયાસોથી શિનોર તાલુકો કુપોષિત બાળકોની સમસ્યાથી મુક્ત બન્યો છે. આ એકમાત્ર શિનોર તાલુકાની વાત નથી.

છેલ્લા ૨૦ વર્ષની પરિણામલક્ષીતાના કારણે આજે રાજ્યમાં આંગણવાડી, શાળાઓ, આરોગ્ય કેંદ્રો, મધ્યાનભોજન કેંદ્રોમાં ઉડીનેઆંખેવળગે એવો  વધારો થવા પામ્યો છે. રાજ્યમાં શ્રમજીવીઓ માટે માત્ર રૂપિયા પાંચમાં ભરપેટ ભોજન આપવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પુરી પાડવામાં આવી રહી છે.

રૂપિયા ૧૦  લાખના વિમા કવચ સાથે ગુજરાતના નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવા મળી રહી છે. રાજ્યમાં ૨૦૦થી વધુ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યાં છે. રાજ્યભરમાં જનસહકારથી કુપોષણ સામેની લડાઈ મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. ભારતને સશક્ત અને સક્ષમ બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયને સિદ્ધ કરવાનું અભિયાન ગુજરાતમાંથી તેજ રફતારથી આગળ વધી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.