Western Times News

Gujarati News

આજે SGVP ગુરુકુળ પરંપરાને કારણે વિદેશની ધરતી પર પણ આપણી સંસ્કૃતિ મજબૂતાઈપૂર્વક પ્રસ્થાપિત થઈ શકી છે: CM

SGVP આયોજિત પૂ. પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવના સમાપન સમારંભમાં CMની ભાવપૂર્ણ ઉપસ્થિતિ

સંતશક્તિના આશીર્વાદ અને વડાપ્રધાનશ્રીના સંસ્કૃતિ જતન અને  નવજાગરણ સંકલ્પથી ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી  રહ્યું છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047માં વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં સૌ સહભાગી થઈએ- ગુરુકુળ પરંપરા થકી આજે વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિ પ્રસ્થાપિત થઈ છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે SGVP દ્વારા આયોજિત પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે સંતશકિતના આશીર્વાદ, સંસ્કૃતિજતન તથા નવજાગરણ માટેના  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના સંકલ્પથી  ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ હંમેશાં સંસ્કૃતિના જતન પર ભાર મૂક્યો છે.

આજે ગુરુકુળ પરંપરાને કારણે વિદેશની ધરતી પર પણ આપણી સંસ્કૃતિ મજબૂતાઈપૂર્વક પ્રસ્થાપિત થઈ શકી છે, એ બહુ મોટી વાત છે, એવું તેમણે ઉમેર્યું હતું આગામી દિવસોમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે, તે અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2003માં શ્રી નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવેલી અને આજે આ સમિટ વૈશ્વિક પ્લેટફોર્મ બની ચૂકી છે.

શ્રી નરેન્દ્રભાઈએ વર્ષ 2007માં રણોત્સવની શરૂઆત કરાવેલી. આજે ધોરડો  યુએનના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના બેસ્ટ ટૂરિસ્ટ વિલેજની યાદીમાં પ્રસ્થાપિત થયું છે, તેનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉલ્લેખ કર્યો હતો.

દેશમાં અવિરત ચાલી રહેલાં વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે આજે વિકસિત દેશોમાં જેનું ઉત્પાદન થાય છે, એનું નિર્માણ આપણા દેશમાં પણ થઈ રહ્યું છે. દેશનું ગૌરવ દુનિયાભરમાં વધ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના ‘આત્મનિર્ભર ભારત’ના મંત્ર એ સર્જેલી ક્રાંતિનું આ પરિણામ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકાર આજે નાનામાં નાના માણસનું પણ ધ્યાન રાખી રહી છે.

ડિજિટલ ઇન્ડિયાનો લાભ નાના ધંધા-વ્યવસાયવાળા લોકોને મળી રહ્યો છે. ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત આજે કોઈ એક રાજ્ય નહિ, સમગ્ર દેશનો વિકાસ થાય એવી કામગીરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં થઈ રહી છે. મુખ્યમંત્રીશ્રીએ કર્મના સિદ્ધાંત અને આધ્યાત્મિક પ્રભાવનું દૃષ્ટાંત વાલ્મિકી ઋષિના પૂર્વાશ્રમની વાત ટાંકીને આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે વર્ષ 2047  સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ થાય. સંતોના આશીર્વાદથી સૌ કોઈ આ સંકલ્પને સાકાર કરવા સહભાગી થશે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

આ સ્મૃતિ મહોત્સવ પ્રસંગે સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી સુવિકસિત ભારત માટે આહવાન કર્યું હતું. સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીએ સ્વાગત પ્રવચન કરી મુખ્યમંત્રીશ્રી સહિત દેશભરમાંથી પધારેલા અગ્રણી સાધુસંતોએ આવકાર્યા હતા.

આ કાર્યક્રમમાં યજમાનોનું મુખ્યમંત્રીશ્રી અને સ્વામીશ્રીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દેશભરમાંથી પધારેલા સાધુ-સંતો, સામાજિક અગ્રણીઓ અને હજારોની સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.