Western Times News

Gujarati News

ખંગેલા ચેકપોસ્ટ પરથી 53 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) નૂતન વર્ષના પ્રારંભે દાહોદ જિલ્લાની કતવારા પોલીસે રૂપિયા ૫૩.૨૮ લાખની કિંમતના વિદેશી દારૂ ના જંગી જથ્થા સાથે એલપીજી ગેસ ભરવા માટે નું કન્ટેનર ઝડપી પાડી રૂપિયા ૨૦ લાખની કિંમતનું કન્ટેનર તથા રૂપિયા ૫૦૦૦/- ની કિંમતનો મોબાઈલ ફોન મળી રૂપિયા ૭૩.૩૩ લાખના મુદ્દામાલ સાથે કન્ટેનરના ચાલક તથા ક્લિનરની અટક કરી ચાલક, ક્લીનર સહિત કુલ છ જણા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યાનુ જાણવા મળ્યું છે.

થર્ટી ફર્સ્ટ ની રાતે મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની સરહદે આવેલ દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ કરવા સક્રિય બનેલા બુટલેગરોની મનશા પર પાણી ફેરવવા દાહોદ જિલ્લા પોલીસ પણ સાબદી બની હતી. અને જિલ્લામાં ઠેર ઠેર નાકાબંધી કરી દારૂની હેરાફેરી કરનારા ખેપિયાઓને તેમજ પીધેલાઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ જ રીતે કતવારા પોલીસ સ્ટેશનના સિનિયર પી.એસ.આઇ એપી પરમાર, પીએસઆઇ આર આર સોલંકી, એએસઆઈ રૂપસિંગભાઈ બુધાભાઈ, એએસઆઈ અલ્તાફ ખાન બસીરખાન, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કનુભાઈ તેમજ અન્ય પોલીસ કર્મીઓની ટીમ થર્ટી ફર્સ્ટ ની રાતે પોતાના પોલીસ મથકની હદમાં આવેલ ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતા જતા તમામ નાના-મોટા વાહનો પર બાજ નજર રાખી રહી હતી.

તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી એલપીજી ગેસ ભરવાના કન્ટેનર વાળી યુપી ૧૭ એટી ૨૨૯૪ નંબરની ટાટા કંપનીની ગાડીમાં વિદેશી દારૂનો ખૂબ મોટો જથ્થો ભરી સુરતના એક બુટલેગરને પહોંચાડવા માટે દાહોદ તરફ આવી રહી હોવાની બાતમી કતવારાના સિનિયર પી.એસ.આઇ એ પી પરમાર ને મળી હતી. જે બાતમીને આધારે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી માં ઉભેલ કતવારા પોલીસની ઉપરોક્ત ટીમ વધુ સાબદી બની હતી

અને બાતમીમાં દર્શાવેલ યુપી પાસીંગની એલપીજી ગેસ ભરવાના કન્ટેનરની ગાડી દૂરથી નજરે પડતા પોલીસ વધુ સતર્ક બની હતી. અને તે ગાડી નજીક આવતા જ પોલીસે તે કન્ટેનરની ગાડીને ઘેરી લઈ ગાડીના ચાલક રાજસ્થાનના બાડમેર જિલ્લાના મંગેલ કી બેરી ગામના ૨૨ વર્ષીય લાલારામ રાવતરામ બેનીવાલ (જાટ) તથા ગાડીના ક્લીનર ૨૧ વર્ષીય પ્રવિણકુમાર હેમારામ બેનીવાલ (જાટ) ની અટક કરી

એલપીજી ગેસ ભરવાના કન્ટેનર માંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ રોયલ સ્ટેગ બેરલ સિલેક્ટ વિસ્કીની ૧૮૦ દ્બઙ્મ તથા ૭૫૦ દ્બઙ્મ ની તેમજ બ્લેન્ડર પ્રાઇડ વિસ્કીની ૭૫૦ એમએલની મળી રૂપિયા ૫૩.૨૮ લાખની કુલ કિંમતની પેટીઓ નંગ -૯૭૫ પકડી પાડી પકડાયેલ ચાલક લાલારામ બેનીવાલ પાસેથી રૂપિયા ૫૦૦૦/- ની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન ઝડપી પાડી

સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૨૦ લાખની કિંમતની એલપીજી ગેસ ભરવાના કન્ટેનરની ગાડી મળી કુલ રૂપિયા ૭૩.૩૩ લાખ નો મુદ્દામાલ કબજે લઈ પોલીસે પકડાયેલા ચાલક તથા ક્લીનરની સાથે સાથે ગાડીમાં માલ ભરી આપનાર, ગાડીના માલિક, ગાડીમાં દારૂ જ્યાંથી ભર્યો તે ઠેકાના માલિક તથા માલ જ્યાં પહોંચાડવાનો હતો તે સુરતનો બુટલેગર મળી કુલ છ જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કતવારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.