Western Times News

Gujarati News

પ્રેમલગ્ન કે કૌટુંબિક ગોઠવણીથી થતા લગ્નમાં સફળતાની ચાવી સંમતિ

પ્રતિકાત્મક

વડીલોની નામરજી હોવા છતા પ્રેમલગ્ન કરતા યુગલે ઘણું જ સહન કરવાનું રહે છે તથા જતું પણ કરવું પડે છે તેથી ભવિષ્યનો વિચાર કરીને ડગ માંડવા જોઈએ.

શિશુવસ્થાથી યુવાવસ્થામાં પ્રવેશતા ફરજંદને પરણવાના કોડ થતાં હોય છે અથવા મા-બાપ ચિંતામુક્ત થવા પોતાનાં સંતાનોને યુવાવસ્થામાં આવતા પરણાવવા મંથતા હોય છે. કોઈ સંતાન મા-બાપનાં કહેવાથી અથવા મા-બાપની મરજીથી તો કોઇ છોરૂ પોતે પોતાની મેળે પ્રેમ થતાં જીવનસાથી નક્કી કરીને લગ્નજીવનરૂપી પ્રભુતામાં પગલા માંડતા હોય છે.

લગ્ન સ્ત્રી અને પુરુષની યુગલરૂપે જીવનભર સાથ આપવાની એક સામાજિક વ્યવસ્થા વર્ષોથી ચાલતી આવતી એક પ્રણાલિકા છે. લગ્ન કરીને જિંદગીભર એકબીજા સાથે મનમેળ ટકાવી રખાતા લગ્નજીવન સફળતાની રાહ પર ચાલતું હોય છે. એકબીજામાં તન અને મનથી સમાઈ જવાની ભાવના કેળવવાથી તથા પોતાના જીવનસાથીની ચિંતા, પરવા તથા સલામતી રાખતા લગ્નજીવનમાં પૂર્ણતાનાં દર્શન થતા હોય છે.

મા-બાપ સાથે અનેક વર્ષો સુધી પોતાનું બાળપણ ગુજાર્યા બાદ દીકરી સાસરે જતા તે ઘરનાં અન્ય સભ્યો જોડે રહેતા ડગલે ને પગલે નવીનતાનો સામનો કરવો પડે છે તથા તે ઘરના રીત-રિવાજ સ્વીકારવા પડે છે.

આજના આધુનિક તથા ગતિશીલ જમાનામાં નવી પેઢીનાં તથા જૂની પેઢીનાં બહુમતિ લોકોમાં મતભેદ પ્રવર્તતા હોય છે જેથી આજના યુગલોએ તથા જૂના વિચાર ધરાવતા વડીલોએ સમાધાન વૃતિ કેળવવાથી લગ્નજીવન સફળતાની ટોચ પર રહેશે.

પ્રેમલગ્ન કરનાર દરેક પ્રેમીજનોને પોતાની પ્રેમકથા તદ્દન વિચિત્ર પ્રકારની તથા પરીકથા જેવી જ લાગતી હોય છે તથા પોતે મનમાં ગર્વ લેતા હોય છે અને તેઓ પોતાની પ્રણયકથા જિંદગીભર ભૂલી શકતા નથી. અમુક પ્રેમલગ્નમાં પ્રેમીજનો નાદાન હોવાથી અથવા કોઈ પ્રેમીજનોનો પ્રેમ આંધળો હોવાથી અને બસ પહેલી જ નજરે વિજાતિય પાત્ર દિલમાં વસી જતા તેની જોડે લગ્ન કરવાની તાલાવેલી થતી હોય છે.

વિજાતીય પાત્ર પ્રત્યેની ખેંચતાણ તથા પ્રેમ હોવાનો ભ્રમ થતા લગ્નની તાલાવેલી થતા લગ્ન કર્યા બાદ શારીરિક ભૂખ મીટાવ્યા બાદ સંતોષ મેળવ્યા બાદ વિજાતીય પાત્રમાંથી રસ ઉડી જતા લગ્ન જીવન ભંગાણને આરે આવી જાય છે. જે પ્રેમીઓ કલ્પનામાં વિહરતા હોય છે પરંતુ વાસ્તવિક જીવનમાં સંસાર મંડાતા ખરા અનુભવો થતા બન્ને વચ્ચે ખટરાગ થતા રહે છે.

આજના આ કાતિલ મોંઘવારી તથા આધુનિક અને ગતિશીલ જમાનામાં બહુમતિ યુવતીઓ પણ બધાં જ ક્ષેત્રમાં આગળ પડતો ભાગ લેતા તેઓ કાર્યાલય, વિદ્યાલય, રમત-ગમત કે ઈતર પ્રવૃત્તિઓમાં બીજા યુવકોનાં સંપર્કમાં અવારનવાર આવતા હોવાથી પ્રેમ થઈ જતા પ્રેમલગ્નનાં અંકુર ખીલતા હોય છે તથા પ્રેમલગ્નમાં વધારો થતો ગયો છે.

વડીલોથી પણ ગોઠવાયેલા લગ્નજીવનમાં યુગલમાં કોઈવખત મતભેદથી મનભેદ થઈ જતા લગ્ન ભંગાણને આરે આવી જતા હોય છે પરંતુ આવા ગોઠવાયેલા લગ્નમાં યુગલને પોતાના મા-બાપ, ખાનદાન તથા કુટુંબના વડીલો અને નાતના અગ્રણી તથા પ્રતિષ્ઠિત મહાનુભાવોની શરમ નડતી હોય છે જેથી તેઓ છૂટાછેડાનો નિર્ણય લેવામાં ઉતાવળ કરતા નથી જેથી સંબંધમાં સુધારો થવાની શક્યતા પણ રહેતી હોય છે.

પ્રેમલગ્નમાં ત્યાગવૃત્તિની મહત્વની ભૂમિકા રહેલી હોય છે. દુધમાં સાકર ભળતા એવી રીતે પ્રેમમાં ત્યાગવૃત્તિનો ઉમેરો થતા પ્રેમલગ્નમાં સંસાર ઉજળો બને છે. જ્યારે પ્રેમીજનોને પ્યાર થતા, લગ્ન કરતા પહેલાં વડીલની મંજૂરી લઈને તેઓના આશીર્વાદથી લગ્ન કરતા તે યુગલનું લગ્ન જીવન સુખી નીવડે છે. સંજોગાવશ વડીલોની નામરજીથી લગ્ન કરવામાં આવતા તેઓના જીવનમાં આગ લાગી શકે છે. યુગલે પોતાના વડીલની મંજૂરી, આશીર્વાદ, પોતાના ધરનાં સંજોગો, પોતાની જવાબદારી તથા ભાવિનો ખ્યાલ રાખીને જ લગ્ન કરવાથી પોતાનું જીવનસંસાર સુખી નીવડે છે.

જ્યારે છોકરો કે છોકરીને પ્રેમ થઈ જતા પોતાના વડીલ પાસે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી મંજૂરી મેળવે ત્યારે મા-બાપની પણ ફરજ બની જાય છે કે બન્ને જણના સાચા પ્રેમનો ખ્યાલ, સામેવાળી વ્યક્તિની અને તેના પરિવારની તપાસ કરવાની રહે છે અને સંજોગાવશ પોતાના કુળથી નીચા કુળની વ્યકતિ હોય તે છતા દીકરા કે દીકરીનાં પ્રેમનો ખ્યાલ રાખી પોતે પણ પોતાના વિચારોમાં ત્યાગવૃતિ અપનાવવી જોઈએ નહિતર પોતાનો દીકરો કે દીકરીને હાથમાંથી ખોવા પડે છે.

ઘણી વખત મા-બાપ ના પાડવા છતાં યુગલ પરણીને સંસાર માંડીને થોડા દિવસો પસાર થયા ન થયા તો ઘરમાં સાસુ-નંણદ તથા ભોજાઈના મતભેદ તથા મનભેદથી સંસારમાં આગ લાગવાની શક્યતા થઈ શકે છે તથા પરિણામ દુઃખદ આવી શકે છે જેથી યુગલે પોતાના મા-બાપને પોતાની ઈચ્છા,પોતાની જવાબદારી બાહેંધરી, પોતાનો અરસપરસ રહેલો અગાધ પ્રેમનો ખ્યાલ આપવો જોઈએ જેથી મા-બાપ મંજૂરી આપવા તૈયાર થાય તેવી જ રીતે મા-બાપને લાગે કે આ પ્રેમલગ્ન યોગ્ય નથી તો પોતાનાં દીકરા કે દીકરીને સમજાવવા પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ તથા ભવિષ્યમાં શું બની શકે તેનો ખ્યાલ આપવો જોઈએ જેથી ભવિષ્યમાં પોતાના દીકરા કે દીકરીને પરણ્યાનો અફસોસ ન થાય.

પ્રેમલગ્ન સફળ થઈ શકે છે અને નિષ્ફળ પણ નીવડી શકે છે તેનો બધો આધાર પ્રેમીજનો પર જ રહેતો હોય છે. વડીલોની નામરજી હોવા છતા પ્રેમલગ્ન કરતા યુગલે ઘણું જ સહન કરવાનું રહે છે તથા જતું પણ કરવું પડે છે તેથી ભવિષ્યનો વિચાર કરીને ડગ માંડવા જોઈએ.

વડીલની સંમતિથી થયેલા લગ્ન હોય કે પ્રેમીજનોએ પોતે નક્કી કરેલ પ્રેમલગ્ન હોય તેમાં સમજશક્તિ, આદરભાવ, ત્યાગભાવના, સહકારવૃત્તિ, સહનશીલતા તથા વિનમ્ર સ્વભાવ સફળતામાં મોટો ભાગ ભજવે છે તથા પ્રેમલગ્ન થયા પછી પણ સંયુક્ત કુટુંબમાં સાથે રહેવામાં તકલીફ પડતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.