Western Times News

Gujarati News

જૂનાગઢમાં પ્લાસ્ટિક વેસ્ટ સામે કાફે આપી રહ્યુ છે શુદ્ધ નાસ્તો તથા ભોજન

પ્લાસ્ટીકના વજનના બદલામાં સાત્વિક અને શુદ્ધ નાસ્તો તથા ભોજન-દોઢ વર્ષમાં આ કાફે દ્વારા ૩૦૦૦ કિલો પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું હતું જેની સામે ૨૦૦૦ કિલો નાસ્તો આપવામાં આવ્યો હતો

જૂનાગઢ,  ગત જુલાઇ ૨૦૨૨માં તત્કાલીન જિલ્લા કલેકટર રચિત રાજ દ્વારા પ્લાસ્ટીક મુક્ત જૂનાગઢ અભિયાન હેઠળ શરૂ કરવામાં આવેલ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે જૂનાગઢની ઓળખ બની ચૂક્યું છે. દોઢ વર્ષમાં આ કાફે દ્વારા ૩૦૦૦ કિલો પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવ્યું હતું. જેની સામે ૨૦૦૦ કિલો નાસ્તો આપવામાં આવ્યો હતો, જે એક અનોખો રેકોર્ડ કહી શકાય તેમ છે.

આ કાફે જૂનાગઢમાં આઝાદ ચોકમાં જૂની સિવિલ હોસ્પિટલમાં જ શરૂ કરવામાં આવ્યું હોય શહેરની વચ્ચે જ આવેલું છે. તેમજ આ કાફેનું સંચાલન સખી મહિલા મંડળ કરી રહ્યું છે. આ અંગે રેખા ગણાત્રા જણાવે છે કે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે પ્લાસ્સાટીકના વજનના બદલામાં સાત્વિક અને શુદ્ધ નાસ્તો તથા ભોજન આપે છે.

ખાસ કરીને અહી ઘઉંના પાસ્તા, બાજરીના અને જુવારના રોટલા , ઓર્ગેનિક શાકભાજી તેમજ આલુ પરાઠા, પૌહા, થેપલા જેવી વિવિધ વાનગીઓ પીરસવામાં આવે છે. સાથે જ નાગરવેલનાં પાનનું શરબત, લીંબુ ફુદીના શરબત, વરિયાળી નું શરબત જેવા વિવિધ સ્વાસ્થ્ય વર્ધક શરબતો અને જ્યુસ પણ આપવામાં આવે છે.

એક પ્લાસ્ટિક મુક્ત અભિગમના ભાગ રૂપે કોઈ અર્ધો કિલો પ્લાસ્ટિક લાવશે તો તેને કાફેનું સરબત મફતમાં આપવામાં આવશે. આ ઉપરાંત એક કિલો પ્લાસ્ટિક લાવશે તેઓને નાસ્તો ફ્રી આપવામાં આવશે.

૧ જુલાઈના રોજ સિંગલ યુઝ પ્લાસ્ટીકના પ્રતિબંધ રૂપે આ કાફે શરુ કરવામાં આવ્યું છે. કાફેમાં ૬ ટેબલ અને ૧૬ વ્યક્તિઓ એક સાથે બેસી શકશે અને અહીથી બનાવેલી વસ્તુઓ ઓનલાઈન ખાનગી સર્વીઝીઝ દ્વારા પણ પહોચાડવામાં આવશે. સાથે કેસલેસ પેમેન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.