Western Times News

Gujarati News

એક્સપ્રેસ હાઇવે પરથી ટ્રકમાં લઈ જવાતો 58 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ચકલાસી પાસેના અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પરથી પરપ્રાંતિય ટ્રક ચાલકની અટકાયત, ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરાતી

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ પાસેના ચકલાસી નજીકથી ચકલાસી પોલીસે મોટી માત્રામાં દારૂ પકડી પાડ્‌યો છે. અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ખોટી નંબર પ્લેટ લગાવી ટ્રકમાં દારૂની હેરાફેરી કરતા ટ્રક ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે રૂપિયા ૫૮.૩૪ લાખનો વિદેશી દારૂ સાથે અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૬૮ લાખ ૩૯ હજાર ૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ટ્રક માલિક, દારૂનો જથ્થો સપ્લાય કરનાર, મદદગારી કરનાર, આ દારૂનો જથ્થો મંગાવનાર સહિત અન્ય એક ઈસમ મળી કુલ ૬ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચકલાસી પોલીસના માણસો વહેલી સવારે પોતાના વિસ્તારમાંથી પસાર થતા અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન બાતમી દારથી માહિતી મળી હતી કે દારૂ ભરેલી એક ટ્રક વડોદરા તરફથી અમદાવાદ તરફ જનાર છે. જે બાતમીના આધારે ચકલાસી ઓવરબ્રિજ પાસેથી અમદાવાદ તરફ જતી ટ્રકને અટકાવવામાં આવી હતી.

જે બાદ ટ્રકને સાઈડમાં પાર્કીગ ઝોનમાં લઈ જવામાં આવી હતી. આ બાદ ટ્રક ચાલક રણજીતસીગ સમીન્દ્રસિગ પવાર (રહે.રાયગઢ, મહારાષ્ટ્ર)ને સાથે રાખી ટ્રકની તાડપત્રી ખોલી ટ્રકમાં તલાસી લેવામાં આવી હતી.

દરમિયાન ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસે ગણતરી કરતા નાના મોટા બોક્ષમાં કુલ નાની બોટલો ૧૦૦૬ અને મોટી બોટલો મળી કુલ બોટલો ૨૨,૯૨૦ કિંમત રૂપિયા ૫૮ લાખ ૩૪ હજાર ૪૦૦નો દારૂ જપ્ત કર્યો છે. આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો અને ક્યાં લઇ જવાતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસે ગુનામાં વપરાયેલી કાર સહિત ઉપરોક્ત દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા ૬૮ લાખ ૩૯ હજાર ૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં આ ટ્રકનો નંબર તેમજ ચેચીસ અને એન્જીન નંબર પણ ખોટા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત ઉપરોક્ત આરોપીની સાથે સાથે દારૂનો જથ્થો મોકલી આપનાર અજાણ્યો મોબાઇલ ધારક, આ બનાવમાં મદદગારી કરનાર શાબા (રહે.કલમબોરી, રાયગઢ, મહારાષ્ટ્ર) નામનો વ્યક્તિ, દારૂનો જથ્થો મંગાવનાર, ઉપરોક્ત ટ્રકનો માલિક અથવા તો કબજેદાર અને બંટુ નામના વ્યક્તિ મળી કુલ ૬ વ્યક્તિઓ સામે પ્રોહીબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.