Western Times News

Gujarati News

ગુજરાતમાં આ વર્ષથી જ દેશની પ્રથમ મેડ ઇન ઇન્‍ડિયા સેમિકન્ડક્ટર ચિપનું નિર્માણ થશે

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 -“વિકસિત ભારત@૨૦૪૭”ની પરિકલ્પનાને સાકાર કરવા માટે ગુજરાતે મજબૂત પાયો નાખ્યો

વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીના દ્વિતીય દિવસે સેમિકન્‍ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તેમજ કેન્‍દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્‍ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સહિત આ ક્ષેત્રના નિષ્ણાંતોએ પરિણામલક્ષી, મનનીય ચિંતન-મંથન પ્રસ્તુત કર્યું હતું.

આ સેમિનારમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, અમૃતકાળના પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન ગુજરાત સરકાર જે પ્રકારે એમ.ઓ.યુ. અને એગ્રીમેન્ટ કર્યા છે, તે જોઈને ચોક્કસપણે કહી શકાય કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની “વિકસિત ભારત@૨૦૪૭”ની પરિકલ્પનાને સાકાર કરવા માટે ગુજરાતે મજબૂત પાયો નાખ્યો છે.

પર્યાવરણ સંરક્ષણને ધ્યાને રાખી સેમિકન્ડક્ટર સહિતની કંપનીઓને ગ્રીન એનર્જી પૂરી પાડવા ગુજરાતમાં વિશ્વનો સૌથી મોટો ૩૦ હજાર મેગાવોટ કેપેસિટી ધરાવતો ગ્રીન એનર્જી પ્લાન્ટ બની રહ્યો છે.

ગુજરાતમાં રોકાણ માટે આવતા ઉદ્યોગોને ગુજરાત સરકાર દ્વારા અપાતી ઝડપી અને સિંગલ વિન્ડો એપ્રુવલ સિસ્ટમની સરાહના કરતા મંત્રી શ્રી વૈષ્ણવે કહ્યું કે, માઇક્રોન જેવી નામાંકિત સેમિકન્ડક્ટર કંપનીએ જૂન મહિનામાં ગુજરાત સરકાર સાથે એમઓયુ સાઈન કર્યા અને સપ્ટેમ્બર મહિનામાં તો કંપનીનું કન્સ્ટ્રક્શન કામ શરૂ પણ થઈ ગયું, આ ગુજરાતની અદભૂત પ્રતિબદ્ધતાના દર્શન કરાવે છે. વર્ષ ૨૦૨૪માં માઇક્રોન ગુજરાતમાં સેમિકન્ડક્ટર ચિપનું મેન્યુફેકચરિંગ શરૂ કરશે અને ગુજરાતમાં જ દેશને પ્રથમ મેડ ઈન ઈન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ આપશે.

ગુજરાતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેકચરિંગ માટે જરૂરી કૌશલ્ય અને ટેલેન્ટ તૈયાર કરવા અંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પણ અતિ મહત્વપૂર્ણ છે. જે માટે IIT Gandhinagar ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરી તેમાં નોલેજ પાર્ટનર બનવા માઇક્રોન કંપનીને મંત્રીશ્રીએ સૂઝાવ આપ્યો હતો.

ગુજરાતને ભારતનું સેમિકોન હબ બનાવવા એક સ્વસ્થ સેમિકન્ડકટર ઇકોસિસ્ટમનું નિર્માણ થઇ રહ્યું છે, તેમ જણાવતા મંત્રી શ્રી વૈષ્ણવે કહ્યું કે, વિશ્વભરની સેમિકન્ડક્ટર કંપનીઓ માટે ગુજરાતમાં રોકાણ કરવા માટેનો આ એકદમ ઉચિત સમય છે. એ સમય દૂર નથી, જ્યારે વિશ્વભરની સેમિકન્ડક્ટર કંપનીઓ માટે રોકાણની ‘નેચરલ ચોઇસ’ ભારત-ગુજરાત હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.