Western Times News

Gujarati News

ગુજરાતનું ફોકસ હવે પોર્ટ સિટી અને ગ્રીનફિલ્ડ પોર્ટ્સ વિકસાવવાની દિશામાં છે: મુખ્યમંત્રી

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 -પોર્ટ-લેડ સિટી ડેવલપમેન્ટમાં સહભાગી થતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

પોર્ટ્સ ફોર પ્રોસ્પેરીટી અને પોર્ટ્સ ફોર પ્રોગ્રેસ”નાં વિઝનથી ગુજરાત આગળ વધી રહ્યું છે-VGGSના પરિણામે પાછલા બે દાયકામાં ગુજરાત પોર્ટલેડ ડેવલપમેન્ટના પાયોનિયર અને રોલ મોડેલ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત પોર્ટ-લેડ ડેવલપમેન્ટ વિષય પર યોજાયેલા સેમિનારમાં સહભાગી થતા કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી પ્રયાસોથી દેશમાં પોર્ટ્સથી પ્રોસ્પેરીટીનો નવો ઇતિહાસ રચાયો છે ગુજરાત પણ તેમાં ‘‘પોર્ટ્સ ફોર પ્રોસ્પેરીટી અને પોર્ટ્સ ફોર પ્રોગ્રેસ’’નાં વિઝનથી આગળ વધીને યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે 2003માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે બે દાયકામાં ગુજરાત પોર્ટલેડ ડેવલપમેન્ટનું પાયોનિયર બન્યું છે અને પોર્ટ-લેડ સિટી ડેવલપમેન્ટના રોલ મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે. આ દિશામાં આગળ વધતાં વાઇબ્રન્ટ સમિટની આ 10મી એડિશનની થીમ પણ આપણે ગેટવે ટુ ધ ફ્યુચર રાખી છે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં સૌથી લાંબો 1600 કિલોમીટર દરિયાકિનારો ધરાવે છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતની આ સ્ટ્રેટેજિક કોસ્ટ લાઈનને દેશની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવાની નેમ સાકાર કરી છે. પોર્ટ્સની કેપેસિટી વધારવાની દિશામાં પોર્ટ સિટી અને ગ્રીન ફિલ્ડ પોર્ટ્સ વિકસાવવાની સાથે રાજ્ય સરકાર હાલનાં પોર્ટ્સનું એક્સ્પાન્શન અને અપગ્રેડેશન કરવાની દિશામાં પણ કામ કરી રહી છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં મેજર-માઇનોર મળીને દેશમાં સૌથી વધુ 49 પોર્ટ્સ છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, દેશના લગભગ 39 ટકા જેટલા કાર્ગોનું ગુજરાતના બંદરો પરથી વહન થાય છે. પોર્ટ્સ સુધીની સુદ્રઢ રોડ કનેક્ટિવીટી અને માળખાકીય વિકાસના પરિણામે ગુજરાત લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ-LEADS ઇન્ડેક્સમાં અગ્રેસર છે તેની ભૂમિકા આપી હતી.

તેમણે કહ્યું કે, ગુજરાત દેશમાં પાંચમું સૌથી વધુ શહેરી ગીચતા ધરાવતું રાજ્ય છે અને શહેરીકરણનાં ક્ષેત્રમાં અનેક બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યાં છે. પોર્ટ લેડ સિટી ડેવલપમેન્ટ દ્વારા બંદરોની નજીકનાં શહેરોમાં સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રકચરનાં વિકાસથી વાયબ્રન્ટ ઇકોનોમી ધરાવતાં શહેરોનો વિકાસ થાય તે દિશામાં આપણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છીએ.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ બ્લૂ ઇકોનોમીને પ્રાધાન્ય આપ્યું છે અને અમૃતકાળની આ પહેલી વાયબ્રન્ટ સમિટના આ સેમિનારની ચર્ચાઓ ગુજરાત સહિત દેશની બ્લૂ ઇકોનોમીને વેગ આપવામાં ફળદાયી પુરવાર થશે, તેમજ સમુદ્રી સમૃદ્ધિથી દેશને વૈશ્વિક સમૃદ્ધિ તરફ લઈ જવાનો રોડમેપ તય કરવામાં અગત્યનો ભાગ ભજવશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

બંદર, શિપિંગ અને જળમાર્ગ વિભાગના મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સરાહના કરતાં જણાવ્યું હતુ કે,  વડાપ્રધાનમંત્રી દ્વારા 2003માં શરૂ કરાયેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે ભારતના વિકાસનું વટવૃક્ષ બન્યું છે. પ્રધાનમંત્રીના વિઝનથી ભારત વિકાસના પંથે અગ્રેસર થઈ રહ્યું છે. 2047માં ભારત 30 ટ્રીલીયન ડોલર ઈકોનોમિના સપનામાં ગુજરાતનો સિંહ ફાળો રહેશે. ગુજરાતે દરેક ક્ષેત્રમાં સમાન્તર વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. ભારત સુપર પાવર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે એમ તેમણે ઉમેર્યુ હતુ.

આઈએનએસ વિક્રમ જહાજ વિશે પ્રકાશ પાડતા શ્રી સોનોવાલે કહ્યું કે, અમૃતકાળમાં આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાનું આ શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. ગ્લોબલ મેરીટાઈમ વિસ્તારમાં ભારત નોંધપાત્ર વિકાસ કરી રહ્યું છે. એમને પોર્ટ લેડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન પર વિશેષ નોંધ લેતા તેમણે કહયું કે, ટ્રાફિકથી ટ્રેડ અને ટ્રાફિકથી રોજગારીની નવી તકોનું સર્જન થશે. એમણે 2035 સુધીમાં સાગરમાલા પ્રોજેક્ટ વિશેના વિઝનને પ્રસ્તુત કર્યું હતુ. ગ્રીન પોર્ટસ પર ભાર મુકતા એમણે કહયું કે, ભારત પોર્ટસ વિવિધ બંદરોને હાઈડ્રોઝન હબ બવાવવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહ્યું છે.

કંડલા સ્થિત દીનદયાળ પોર્ટના કન્ટેનર ટર્મિનલ વિકાસ ટે 4500થી વધુ કરોડના વિકાસ કાર્યો થઈ રહ્યા છે. દિનદયાળ પોર્ટમાં ગ્રીન હાઈડ્રોજન પાર્ક વિકાસના પંથે છે. કંડલા અન તુતીકોરીન પોર્ટનો ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે વિકાસ કરવામાં આવશે. દેશના મેરિટાઈમ સેકટરનો સાતત્યપૂણ વિકાસ આણવામાં ખૂબ મદદરૂપ થશે એમશ્રી સર્બાનંદે વધુમાં જણાવ્યું હતું.

APM ટર્મિનલ્સના સીઈઓ કીથ સ્વેન્ડસેનએ પોર્ટ લેડ સેક્ટરના વિકાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેતા ગૌરવ થાય છે. શિપિંગ સેક્ટરને હાઈપર એફિશિયન્ટ ગણાવ્યું હતું. પોર્ટ-લેડ સિટી ડેવલપમેન્ટ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઉપર એમણે વિશેષ ભાર મુક્યો હતો. એમણે કહ્યું હતું કે, શિપિંગ અને લોજીસ્ટિક કનેક્વિટીથી વધારશે અને રોજગારીની નવી તકો ઉભરી આવશે. એમણે આ સેક્ટરમાં વધુ રોકાણ કરવા અંગે કહ્યું હતું કે, ટાઉન પ્લાનિંગ સાથે પોર્ટ સિટી વિકસાવવામાં અગ્રતા મળી રહેશે. ખાસ કરીને સ્કીલ ડેવલપ યુવાધન હોવું અનિવાર્ય હોવાનું જણાવી કહયું કે, પોર્ટ અને શિપિંગ સેક્ટરમાં ગ્રીન હાઈડ્રોજનનું ભવિષ્ય છે.

ભારત, ભૂતાન, નેપાળ અને નેધરલેન્ડના રાજદૂત એચ.ઈ. સુશ્રી મારીસા ગેરાડ્સ એ નેધરલેન્ડ અને ભારત-ગુજરાતને નેચરલ પાટનર્સ ગણાવ્યું હતું. તેમણે નેધરલેન્ડ અને ગુજરાત પાસે વિશાળ દરિયા કિનારો છે જે બંન્ને દેશ વચ્ચે વિકાસમાં ચાવી રૂપ ભૂમિકા ભજવી રહયો છે. મેરિટાઈમ સેક્ટરમાં ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ મહત્વપૂર્ણ ભાગ ભજવશે. ગુજરાતમાં મલ્ટીનેશનલ કંપનીઓ સ્થાપિત થઈ રહી છે. બંદરના વિકાસથી ઈન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી વધુ વેગવંતી બનશે અને રોજગારીની નવી તકો ઉભરશે. નેધરલેન્ડ ભારત સાથે આ દિશામાં એમ.ઓ.યુ. કરવા તત્પર છે.

મુખ્યમંત્રીશ્રીના ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી  કે.કૈલાસનાથને બંદરોના વિકાસ અંગે જણાવ્યું હતું કે,  ગુજરાતનું ભૌગોલિક સ્થાન એવુ છે કે જયાંથી મધ્ય પૂર્વની દેશો તેમજ આફ્રિકા અને યુરોપ સૌથી નજીક છે. આપણે બંદર નીતિનો વિસ્તાર કરવો જોઇએ. ગુજરાત પાસે વિશાળ ક્ષમતાઓ છે. ભૂતકાળમાં ગુજરાત પાસે પીપાવાવ અને મુન્દ્રા વ્યાપારી બંદરો હતા બાદમાં વર્ષ 1995માં બંદર નીતિ અમલમાં મુકી ત્યારે એ વિચાર સ્પષ્ટ હતો કે આગામી સમયમાં બંદર સંચાલિત ઔદ્યોગિક એકમોનો વિકાસ થશે તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

ચીફ સેક્રેટરી શ્રી રાજકુમારે ઔદ્યોગિક વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત પાસે 1600 કિલોમીટરના સૌથી લાંબા દરિયાકિનારો અને 49 બંદરો છે, જેમાં દેશમાં સૌથી કાર્યરત અને વ્યાપારી માલવાહક બંદરો છે. ગુજરાત દરિયાઈ પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે. વૈશ્વિક અર્થતંત્રના આશરે 3 ટકાનું સંચાલન ગુજરાત કરે છે.

દરિયાઈ ટ્રાફિકમાં અંદાજિત વૃદ્ધિની માંગ સાથે, ગુજરાતે સંખ્યાબંધ પહેલ ની શરૂઆત કરી અનેક વિકાસલક્ષી યોજનાઓ હાથ ધરી છે. વર્ષ 2047 સુધીમાં ગુજરાત બંદરોની ક્ષમતાને 2 ટ્રિલિયન મેટ્રિક ટન સુધી વધારવાનો લક્ષ્યાંક છે. વૈશ્વિક પરિદ્રશ્યને જોતાં, બંદર શહેરો આર્થિક પાવરહાઉસ અને પરિવહન કેન્દ્રો તરીકે કામ કરે છે. ગુજરાતે ભારતનું શ્રેષ્ઠ શહેરી મોડલ રજૂ કર્યું છે. ગુજરાત લેન્ડ પૂલિંગ મોડલ તરીકે જાણીતું લગભગ 100 વર્ષ જૂનું છે. અને છેલ્લા કેટલાક દાયકાઓમાં શહેરી આયોજનના સમકાલીન પડકારોને પહોંચી વળવા માટે ગુજરાતમાં નગર આયોજન અને શહેરી વિકાસ અધિનિયમમાં સમયાંતરે સુધારો કરવામાં આવે છે.

સંતુલિત વિકાસની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આર્થિક, સામાજિક અને પર્યાવરણીય પાસાઓનો પણ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકને અનુરૂપ ગુજરાત આશરે 500 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય બંદર શહેર બનાવવાની કલ્પના કરીને પ્રગતિશીલ પગલું ભરી રહ્યું છે. જેના થકી બંદર ક્ષમતા વાર્ષિક 250 થી 500 મિલિયન મેટ્રિક ટન જેટલી થશે.

પોર્ટ અને પરિવહનના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે. દાસે જણાવ્યું હતું કે, અગાઉ આપણું અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલર હતું. જે છેલ્લા 21 વર્ષમાં લગભગ 7.5 ગણો વધારો થયો છે. આપણે જે રીતે વિકાસ કરી રહ્યા છીએ એ જોતા આપણે આગામી 7-8 વર્ષમાં 30 ટ્રિલિયન ડોલરથી ઉપર પોહચી જઈશું  તેમાં કોઈ શંકા નથી.પરંતુ આપણે ભારતની નહીં પણ ભારતની બહાર સેવાઓના વિસ્તારમાં વધારો કરવો પડશે. જેમાં બંદરના વિકાસની ઘણી સંભાવનાઓ છે.

પ્રસ્તૃત સેમિનારમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સીઇઓ શ્રી રાજકુમાર બેનીવાલ, મુખ્યમંત્રીના સલાહકાર શ્રી એસ.એસ.રાઠોર ઉપસ્થિત રહ્યા હતા જયારે ઇવાયના પાર્ટનર શ્રી મિહીર શાહ, દિનદાયાલ પેાર્ટ ઓથોરીટીના ચેરમેન શ્રી એસે.કે મહેતા એપીએમ ટર્મિનલના સીઇઓ શ્રી જોન્થન ગોલ્ડનર સહીતના પેનલ ડિસ્કશનમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ સેમિનારમાં વિઝન-૨૦૪૭ ડૉકયુમેન્ટ બુકનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.