Western Times News

Gujarati News

ઈ-ચલણ ન ભરનારા વાહન ચાલકો ચેતજો

અમદાવાદ, ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ઈ ચલણ પણ ન ભરનારા વાહન ચાલકોને ચેતી જવાની જરૂર છે. કારણ કે સરકાર દ્વારા શરૂ કરાયેલા નવા પ્રોજેક્ટ હેઠળ આવા વાહન ચાલકો ઇ ચલણની અવગણના કરવી ભારે પડી શકે છે.

હાલમાં દેશભરમાં ૧૫મી જાન્યુઆરીથી ૧૫મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. તેના ભાગરૂપે હવે મોબાઈલ એપ્લીકેશનમાં ઈ ચલણ એપ્લિકેશન ૧૬મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે.

અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઈ ચલણ આપવામાં આવતા હતા. જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશન થકી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટબેલ્ટ, તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈ ચલણ આપશે.

જેમાં વાહન ચાલકો સ્થળ પર પણ દંડ ભરી શકશે અને જો સ્થળ પર દંડ ન ભરવો હોય તો બાદમાં પોતાના ઓનલાઇન પણ ભરી શકશે.

આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ અન્ય જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો તેને આ એપ્લિકેશનની મદદથી પોલીસ ઈ ચલણ આપી શકશે.

વાહન ચાલકોને ઈ ચલણ મળ્યાના ૯૦ દિવસમાં તેને ભરી દેવુ પડશે, જો આ સમયગાળામાં ઈ ચલણ ન ભરાય તો તે ચલણ ૯૦ દિવસ બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને જો વર્ચ્યુઅલ કોર્ટમાં ચલણ ગયાના ૪૫ દિવસ સુધી દંડ ભરવામા નહીં આવે તો બાદમાં તે ચલણ ફીઝીકલ કોર્ટમાં ટ્રાન્સફર થશે અને બાદમાં કોર્ટ દ્વારા સમન્સ પણ કાઢી શકે છે.

આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે તેમાં ચલણ જનરેટ થતાની સાથે જ આરટીઓમાં તે જોઈ શકાશે અને તેથી વાહન ચાલક ચલણ ભર્યા વિના પોતાનું વાહન વેંચી કે ટ્રાન્સફર નહીં કરી શકે. જેથી ટ્રાફિક પોલીસે હવેથી વાહન ચાલકોનો ટ્રાફિકના નિયમો પાળવા માટેની અપીલ કરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.