Western Times News

Gujarati News

તળાવમાં બોટ પલટી જતા 17નાં મોત: 18 લોકો સામે ગુનો નોંધાયો

વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચકક્ષાએ થશે તપાસ.  વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો રાજ્ય સરકારનો નિર્ણય.  વિગતવાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવાનો રહેશે.

વડોદરા, વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં મોટી દૂર્ઘટના ઘટી છે.  વડોદરાના ગુરુવારે હરણી તળાવમાં 27 લોકોને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો છે જેમાં 15 બાળકો અને બે શિક્ષકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ મામલે વડોદરા પોલીસ દ્વારા 9 સભ્યોની ટીમ બનાવી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટનાને પગલે બેદરકારી પણ સામે આવી છે કે,  વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા  હરણી લેક ઝોન ખાતેના તળાવમાં ફાયર બ્રિગેડની ટીમે લાપતા વિદ્યાર્થીઓની શોધખોળની કામગીરી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. બોટ પલટી મારતા લોકોના ટોળે ટોળા તળાવ પર ઉમટ્યા છે.

આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ‘X’ પર સંવેદના વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે ‘વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.