Western Times News

Gujarati News

ગુજરાતના આ ગામમાં પણ રામ મંદિરનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવ તા. ૨૨ જાન્યુઆરીએ યોજાશે

પડાણામાં રિલાયન્સ દ્વારા જિર્ણોદ્ધાર કરાયેલા રામ મંદિરનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવ તા. ૨૨ જાન્યુઆરીએ યોજાશે

જામનગર, જામનગર જિલ્લામાં રિલાયન્સ રીફાઈનરી નજીકના પડાણા ખાતે આગામી તા. ૨૦, ૨૧,૨૨ જાન્યુઆરી દરમિયાન ભવ્ય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પડાણામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા જિર્ણોદ્ધાર કરવામાં આવેલા શ્રી રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના શુભ મૂહુર્તમાં મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સને ૧૯૯૮માં શ્રી પરિમલભાઈ નથવાણી દ્વારા ગ્રામજનોની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને બનાવાયેલ રામ મંદિર વર્ષો વિતતાં જીર્ણ- શીર્ણ થયું હતું. રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના ધ્યાને આ બાબત આવતાં જ તાબડતોબ મંદિરનો જિર્ણોધ્ધાર કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી હતી અને નવોન્મેશ પામેલાં મંદિરમાં શ્રી રામ પ્રભુની પ્રતિમાને પુન: પધરાવવાનો કાર્યક્રમ તા. ૨૨ જાન્યુઆરીના અત્યંત શુભ મુહુર્તમાં યોજાવાનો છે.

શ્રી ધનરાજભાઈ નથવાણીની અખંડ આસ્થાના કારણે ગામને મળેલી આ ભેટને સત્કારવા ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ વ્યાપી રહ્યો છે. ગ્રામ અગ્રણી શ્રી ગોવુભા જાડેજાના જણાવ્યા મુજબ આ માંગલિક પ્રસંગને સમસ્ત ગામ ૨૦-૨૧-૨૨ જાન્યુઆરીએ ત્રિદિવસીય મહોત્સવ તરીકે ઉજવશે. રામલલ્લાની શોભાયાત્રા સહિતના અનેક ધાર્મિક કાર્યો ગ્રામજનો દ્વારા ગોઠવવામાં આવ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.