Western Times News

Gujarati News

ગુજરાતમાં રામાયણ અને મહાભારતના નામના ગામ છે

અમદાવાદ, કંડક્ટર પેસેન્જરને પૂછે કે તમારે ક્યાં જવું છે? અને પેસેન્જર જવાબ આપે કે ‘મારે રામાયણ જવું છે ત્યારે કોઈપણ અજાણ્યા વ્યક્તિને આ સ્થિનિક બસની વાતો એક જાેક્સ જેવી લાગે. સમગ્ર દેશ રામમય થઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠાનું એક ગામ એવું છે જેનું નામ જ રામાયણ છે. ઇડર બસ સ્ટેન્ડ પર કોઈ અજાણ્યો વ્યક્તિ બસ આવતી જાેવે અને એ બસમાં લખ્યું હોય ઈડર- રામાયણ ત્યારે આ પાટીયું વાંચીને કોઈને પણ આશ્ચર્ય થાય કે આવું તો કોઈ ગામનું નામ હોતું હશે! આવા એક નહીં બે ગામ છે.

રામાયણની બરોબર બાજુમાં ‘મહાભારત’નામે બીજું ગામ પણ છે. પરંતુ જ્યારે ધરોઈ ડેમ બન્યો ત્યારે ડૂબમાં ગયેલા ગામોને ફરી વસાવવાની પ્રક્રિયા ચાલતી હતી અને એ વખતે પ્રતાપગઢનું નામ કાયમી ધોરણે બદલવાની એક પ્રક્રિયા હતી. લોકો બહારથી સ્થાયી થયા હતા. જાે કે એ પછી આ ગામનું નામ આખરે ‘રામાયણ’ પાડવામાં આવ્યું જ્યારે બાજુમાં આવેલા બીજા એક ગામનું નામ મહાભારત પાડવામાં આવ્યું.

નવાઈની વાત એ છે કે ૨૦૦ પરિવારના આ નાનકડાં ગામમાં દોઢસો પરિવારો મુસ્લિમ છે. તેમને આ નામ સાથે કોઈ આપત્તિ નથી. હિન્દુ મુસ્લિમ પરિવારો એક બીજા સાથે સંપથી રહે છે અને દરેક તહેવારો આનંદથી ઉજવે છે.

કેટલાંક સ્થાનિક લોકોનું એવું પણ માનવું છે કે એ સમયે રામાયણ સિરિયલનો પણ પ્રભાવ હતો ત્યારે જમીન સંપાદિત થઈ હતી.. રામાયણનો પ્રભાવ એટલો હતો કે અહીં ટી.વીમાં રામાયણ જાેવા માટે લોકો ભેગા થતાં. આ એ અરસાની વાત છે જ્યારે રવિવારે સવારે ૯.૦૦થી ૯.૩૦ના સમયગાળામાં દસ મિનિટની જાહેરાતો વચ્ચે ૨૦ મિનિટ રામાયણ સિરિયલ બતાવવામાં આવતી હતી.

આજે પણ ઈડર-હિંમતનગરના વિસ્તારોમાં ફરતી લોકલ બસ પર પાટીયા પર અજાણ્યા મુસાફરો ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવા નામ વાંચે છે ત્યારે તેમને ભારતીય મહાગ્રંથોના નામ પરથી પડેલા આ ગામોના નામ અચરજ પમાડે છે. જાે કે સ્થાનિક બોલીમાં લોકો ‘રામાયણ’ ને ‘રોમાયણ’ કહે છે.
આ નામને કારણે આ ગામ આખા પ્રદેશમાં અનેક પ્રકારની રમૂજ સાથે વિખ્યાત થયા છે.

જેમ કે સાબરકાંઠાના અધિકારીઓ તલાટીને પૂછે કે રામાયણમાં તમે શું કર્યું ? અથવા તો રામાયણમાં કેટલે પહોંચ્યું ? ત્યારે સ્વાભાવિક રીતે ચર્ચા કરનારાઓમાં રમૂજનું મોજું ફેલાય છે. આવી જ રમૂજ ‘રામાયણ’ની પાસે આવેલા ‘મહાભારત’ ગામમાં પણ થાય છે.

આપણે રુટિન ગુજરાતીમાં એવું બોલતા હોય છે કે ‘આ વળી શું રામાયણ છે? અથવા તો શેની મહાભારત છે ?’ આવી રમૂજસહજ રીતે થાય છે. અહીં ભણતા બાળકો જ્યારે કોલેજમાં જાય ત્યારે પ્રાધ્યાપક પૂછે કે ‘તું ક્યાંથી આવે છે ? ‘ તો વિદ્યાર્થી જવાબ આપે છે કે ‘રામાયણમાંથી’. વળી કોઈ વતનનું નામ પૂછે- ‘બેન તમે ક્યાંના ?’ સ્વાભાવિક છે કે જવાબ આપવો પડે ‘રામાયણના’. આમ આજે પણ રામાયણ અને મહાભારત ગ્રંથ પર પડેલા સાબરકાંઠના આ બે ગામો કુતૂહલ ઊભું કરે છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.