ઝઘડિયા તાલુકો રામભક્તિના રંગે રંગાયોઃ ભવ્ય શોભાયાત્રા નીકળી
(પ્રતિનિધિ) ભરૂચ, અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો માહોલ સમગ્ર દેશમાં હાલ છવાયો છે અને ઠેરઠેર લોકો રામભક્તિના રંગમાં રંગાઇને મહોત્સવને ભક્તિભાવથી ઉજવવા વિવિધ ભક્તિસભર કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા.દેશમાં ઠેરઠેર શોભાયાત્રાઓના પણ આયોજન થતાં દેખાઈ રહ્યા છે.
ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ અંતર્ગત નગરમાં રામ ભક્તિનો માહોલ છવાયો છે.તાલુકાના ઝઘડિયા રાજપારડી ઉમલ્લા પાણેથા અવિધા ભાલોદના નગરના બજારો સહિતના વિવિધ માર્ગો લાઈટોની સજાવટથી રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે.
રાજપારડી નગર રામમય બનીને પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગને આવકારવા સજ્જ બન્યું હતુ.
અયોધ્યા ખાતે યોજાયેલ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજપારડી નગરમાં આજરોજ વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા.જે મુજબ બપોરે ૨ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જે ડી.પી.શાહ વિધ્યામંદિરથી નીકળીને નગરમાં ફરીને કન્યાશાળાએ પહોંચી સંપન્ન થઈ હતી.ઉપરાંત સાંજે ૫ કલાકે મહા આરતી યોજાઈ હતી અને ત્યારબાદ ૫.૩૦ કલાકે મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
રાણીપુરા ગામની કસ્તુરબા ગાંધી બાલ વિદ્યામંદિર ખાતે બાલિકાઓ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સવારથી જ રંગોળી રામધૂન તથા મોડી સાંજે દીવડાવો પ્રગટાવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરી હતી.પાણેથા ગામના રામજી મંદિર ખાતે આખા ગામમાં આંગણે આંગણે રંગોળી પુરી ઉત્સવની ઉજવણી કરી હતી
ઉપરાંત રામજી મંદિર ખાતે વિશેષ કાર્યક્રમની ઉજવણી કરી આખા ગામને વિવિધ પ્રકારના લાઇટિંગ દ્વારા રોશની કરવામાં આવી હતી તાલુકા ભરવા ગામે ગામ ભગવા કલરની પતાકાઓ ઘરે-ઘરે લહેરાવવામાં આવી હતી.