Western Times News

Gujarati News

ઈંગ્લેન્ડ સામે પ્રથમ બે ટેસ્ટ માટે પાંચ ખેલાડી ફેવરિટ

નવી દિલ્હી, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ૨૫ જાન્યુઆરીથી ૫ મેચની ટેસ્ટ સીરિઝ શરુ થવા જઈ રહી છે. પરંતુ આ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલીએ આ સીરિઝની પ્રથમ બે મેચથી નામ પાછું ખેંચી લીધું છે. બીસીસીઆઈએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે કોહલીએ અંગત કારણોસર બ્રેક લીધો છે. જાે કે હજુ સુધી બીસીસીઆઈએ કોહલીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. પરંતુ કોહલીની જગ્યા લેવા માટે ૫ સ્ટાર ખેલાડીઓ દાવેદાર તરીકે દેખાઈ રહ્યા છે.

મધ્યપ્રદેશ માટે રમતા ડોમેસ્ટિક ક્રિકેટમાં ધૂમ મચાવનાર રજત પાટીદાર કોહલીની જગ્યા લઇ શકે છે. તેણે અત્યાર સુધી ૫૫ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૪૫.૯૭ની એવરેજથી ૪,૦૦૦ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૧૨ સદી અને ૨૨ ફિફ્ટી ફટકારી છે. પાટીદાર ભારત-એટીમનો ભાગ છે. હાલમાં જ તેણે ઇંગ્લેન્ડ લાયન્સ સામે ૧૫૧ રનની શાનદાર ઇનિંગ રમી હતી.

૨૬ વર્ષીય સ્ટાર ખેલાડી સરફરાઝ ખાન હાલ શાનદાર ફોર્મમાં છે. તેણે વર્ષ ૨૦૨૦થી ડોમેસ્ટિક સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મુંબઈ માટે રમતા તેણે ૪૪ મેચોમાં ૬૮.૨૦ની એવરેજથી ૩,૭૫૧ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ૧૩ સદી અને ૧૧ ફિફ્ટી પણ ફટકારી હતી. સરફરાઝ સતત ભારત-એટીમનો ભાગ રહ્યો છે. તેણે હાલમાં જ ઇંગ્લેન્ડ લાયન્સ સામે ૫૫ અને ૯૬ રનની ઇનિંગ રમી હતી.

ચેતેશ્વર પુજારા પણ ભારતીય ટીમમાં વાપસીની રાહ જાેઈ રહ્યો છે. કોહલીના બહાર થવાથી પુજારાને તક આપવામાં આવી શકે છે. તેણે છેલ્લી મેચ જૂન, ૨૦૨૩માં ડબલ્યુટીસીફાઈનલ રમી હતી. પુજારાએ રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે ૪૩,૬૬, ૪૯, ૪૩ અને અણનમ ૨૪૩ રનની ઇનિંગ રમી હતી.

અભિમન્યુ ઇશ્વરન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાંનો એક છે, જે બંગાળ માટે રન-મશીન રહ્યો છે. તેણે ૧૪૪ ઇનિંગ્સમાં ૬,૩૧૪ રન બનાવ્યા છે. જેમાં ૨૧ સદી અને ૨૬ ફિફ્ટી સામેલ છે. તેની બાંગ્લાદેશ સામેની પ્રથમ બે મેચની ટેસ્ટ સીરિઝ માટે પણ પસંદગી કરવામાં આવી હતી. અભિમન્યુ ૩ નંબર પર બેટિંગ કરી શકે છે. તે ભારત-એટીમનો પણ ભાગ છે.

૨૬ વર્ષીય રિંકુ સિંહે મર્યાદિત ઓવરના ફોર્મેટમાં ફિનિશર તરીકે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે. સીમિત ઓવરોની ડોમેસ્ટિક ક્રિકેટ સિવાય રિંકુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ કમાલ કરી છે. તેણે ઘણી વખત ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નીકળી હતી. રિંકુએ અત્યાર સુધીમાં ૪૩ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને ૫૮.૪૭ની એવરેજથી ૩,૦૯૯ રન બનાવ્યા છે. તેના નામે ૭ સદી અને ૨૦ ફિફ્ટી છે. રિંકુને ઇંગ્લેન્ડ લાયન્સ સામે આવતીકાલે રમાનાર ટેસ્ટ માટે ભારત-એટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.