Western Times News

Gujarati News

તન્મય અગ્રવાલે ૨૧ છગ્ગા, ૧૬૦ બોલમાં ૩૨૩ રન ઝૂડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ જગતમાં એક નવું જ નામ આજકાલ ગુંજી રહ્યું છે. ભારતીય બેટ્‌સમેન તન્મય અગ્રવાલે શુક્રવારે તોફાની બેટિંગ કરી અને રણજી ટ્રોફીમાં ત્રેવડી સદી ફટકારી દીધી હતી.

ત્રેવડી સદી ફટકારવાની ત્રેવડ બધા ક્રિકેટરોમાં હોતી નથી અને એમાં પણ અક્રમક બેટિંગ કરીને આટલો મોટો સ્કોર નોંધવવો એ તો સપનું કહેવાય. આ ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ મેચમાં ટી૨૦ની જેમ આક્રમક બેટિંગ કરીને સતત સિક્સર અને ફોર ફટકારી હતી.

અરુણાચલ પ્રદેશ સામે રમવા આવેલા તન્મય અગ્રવાલની અણનમ ઇનિંગની મદદથી ટીમે દિવસની રમત પૂરી થતાં માત્ર ૧ વિકેટના નુકસાને ૫૨૯ રન બનાવ્યા હતા. શુક્રવારથી હૈદરાબાદ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે શરૂ થયેલી રણજી ટ્રોફી મેચમાં રનોનો વરસાદ થયો હતો. પ્રથમ બોલિંગ કરતા હૈદરાબાદે અરુણાચલ પ્રદેશની ટીમને ૧૭૨ રનના સ્કોર પર આઉટ કરી દીધી હતી.

ત્યાર પછી, દિવસની રમતના અંત સુધીમાં, તેઓએ માત્ર ૧ વિકેટ ગુમાવીને ૫૨૯ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. તન્મય અગ્રવાલે અરુણાચલ પ્રદેશ સામે ૧૪૭ બોલમાં સૌથી ઝડપી ફર્સ્ટ ક્લાસ ટ્રિપલ સેન્ચુરીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકાના માર્કો મેરાઈસનો રેકોર્ડ તોડ્યો, જેણે ૨૦૧૭માં પૂર્વીય પ્રાંત સામે બોર્ડર માટે ૧૯૧ બોલમાં ૩૦૦ રન બનાવ્યા હતા. બેટિંગ કરી રહેલી ઓપનિંગ જોડીએ મળીને ૪૪૯ રનની ભાગીદારી કરી હતી.

દિવસનાં અંતે તન્મય અગ્રવાલ ૩૨૩ રનની ઇનિંગ રમીને અણનમ પાછો ફર્યો હતો અને મેચના બીજા દિવસે ૪૦૦ રનના જાદુઈ આંકડાને પણ પાર કરી શકે એવી ભરપૂર શક્યતા છે. રણજી ટ્રોફીમાં હવે ત્રેવડી સદી ફટકારનાર બેટ્‌સમેનોની યાદીમાં તન્મય અગ્રવાલનું નામ પણ સામેલ થઈ ગયું છે. તે પ્રથમ દિવસે માત્ર ૧૬૦ બોલમાં ૩૨૩ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

તેણે એવી ઈનિંગ્સ રમી જેણે બધાને ચોંકાવી દીધા હતા.આ ઈનિંગમાં તેના બેટથી કુલ ૨૧ સિક્સ જોવા મળી હતી અને તેણે આ ત્રેવડી સદી સુધી પહોંચવા માટે ૩૩ ચોગ્ગા પણ ફટકાર્યા હતા. તેણે આ ઇનિંગમાં ૨૦૦ના તોફાની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.

અરુણાચલ પ્રદેશની ટીમ પ્રથમ દાવમાં બેટિંગ કરતા માત્ર ૧૭૨ રનના સ્કોર સુધી સિમિત રહી હતી. તન્મય અગ્રવાલ અને રાહુલ સિંહની મજબૂત ભાગીદારીના કારણે હૈદરાબાદની ટીમે મોટી લીડ મેળવી હતી. દિવસની રમતના અંતે હૈદરાબાદ પાસે ૩૫૭ રનની લીડ હતી. કેપ્ટન રાહુલે ૧૦૫ બોલમાં ૧૮૫ રનની ઇનિંગ રમી જેમાં તેણે ૨૬ ફોર અને ૩ સિક્સર ફટકારી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.