Western Times News

Gujarati News

કોરોના કરતા ટી.બી. વધુ જીવલેણ: અમદાવાદમાં ર૦ર૩ના વર્ષમાં ટી.બી.ના ૧૬પર૩ કેસઃ ૬૮૭ મોત

 છેલ્લા દાયકા દરમિયાન ટી.બી.નો સરેરાશ મૃત્યુ દર પ.૪૬ ટકા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, વિશ્વભરના દેશો છેલ્લા ૪ વર્ષથી કોરોના સામે ઝઝુમી રહયા છે તેમજ મહાસત્તાઓ પણ કોરોના સામે વામણી સાબિત થઈ છે. ભારતમાં કોરોના કેસ અને મૃત્યુમાં ઘટાડો થયો છે પરંતુ પ્રજાના મનમાં તેનો ડર હજી સુધી યથાવત્‌ છે. કોરોના ચેપી તેમજ ઝડપથી ફેલાતો રોગ હોવાથી તેને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે.

પરંતુ કોરોના કરતા પણ વધુ ચેપી અને ઘાતક ટી.બી. (ક્ષય)નો રોગ છે જેની સામે નાગરીકો અને વહીવટીતંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહયા છે. પરંતુ નકકર વાસ્તવિકતા એ છે કે અમદાવાદ શહેરમાં જ કોરોના કરતા ટી.બી.નો મૃત્યુદર અનેકગણો વધારે છે.

એક જમાનામાં ક્ષયરોગ (ટી.બી.)ને મહામારી જ સમજવામાં આવતો હતો તથા ક્ષયરોગના દર્દીને અલગ આઈસોલેટ કરવામાં આવતા હતા પરંતુ યોગ્ય સારવાર મળવાની શરૂઆત થયા બાદ નાગરીકોના મનમાંથી ટી.બી.નો ભય ઓછો થયો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ટી.બી.નો રોગ કોરોના કરતા પણ વધુ જીવલેણ છે, અમદાવાદ શહેરમાં ર૦ર૦ના વર્ષમાં ટી.બી.નો મૃત્યુદર ૬.૩પ ટકા તથા ર૦ર૧માં પ.૭૧, ર૦રરમાં ૪, અને ર૦ર૩માં ૪.૧પ ટકા રહયો હતો

જેની સામે ર૦ર૦માં કોરોનાનો મૃત્યુદર ૪.૦૮ ટકા અને ર૦ર૧માં માત્ર ૦.૬ર ટકા રહયો હતો. જયારે ર૦રરમાં માર્ચ સુધી કોરોના મૃત્યુદર ૦.૧૪ ટકા હતો જેની સામે છેલ્લા સાત વર્ષમાં ટી.બી.નો સૌથી ઓછો મૃત્યુદર ર૦૧પમાં પ.૬૬ ટકા રહયો હતો. ત્યારબાદ છેક ર૦રરમાં મૃત્યુ દર ઘટીને ૪ ટકા નોંધાયો હતો. શહેરમાં ર૦૧પ થી ર૦ર૩ના સમયગાળા દરમ્યાન ટી.બી.ના ૧ર૩૮૩૪ કેસ નોધાયા હતા જે પૈકી ૬૭૭૧ દર્દીના મૃત્યુ થયા હતા

જેનો મૃત્યુદર પ.૪૬ ટકા થાય છે. કોરોનાના દર્દી ત્રણથી ચાર વ્યક્તિને ચેપ લગાવી શકે છે જેની સામે ટી.બી.નો દર્દી ૧પ વ્યક્તિને ચેપ લગાવી શકે છે તેમ છતાં વાર્ષિક રૂ.નવ હજાર કરોડનું બજેટ કદ ધરાવતા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટી.બી.ના દર્દીની સારવાર માટે કોઈ જ રકમ ફાળવવામાં આવતી નથી તેમજ શહેરની એકમાત્ર ક્ષય રોગ હોસ્પિટલને પણ તોડી પાડવામાં આવી છે.

હાલ ટી.બી.ના દર્દીને કેન્દ્‌ય્ર સરકારની યોજના અંતર્ગત વિનામુલ્યે સારવાર, દૂધ અને પૌષ્ટિક આહાર માટે સહાય આપવામાં આવી રહી છે. ટીબીનો ભોગ નાના બાળકો પણ બની રહયા છે. ર૦૧૮ના વર્ષમાં ૮૮૦, ર૦૧૯માં ૧૦૪૯, ર૦ર૦માં ૮૧૧, ર૦ર૧માં ૯૪૩ તથા ર૦રરમાં ૯૧૪ બાળકો ટીબીની ઝપટમાં આવી ગયા હતા.

અમદાવાદ શહેરમાં છેલ્લા એક દાયકાથી ટી.બી.ના કેસ સતત વધી રહયા છે જેના માટે ધ્રુમપાન, આલ્કોહોલનું વધારે પડતું સેવન, દુષિત હવા, પાણી મુખ્ય જવાબદાર પરિષળ છે. ચોંકાવનારી બાબત એ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા એક દાયકા અગાઉ સ્વાઈનફલૂ ને પણ વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હતી જેના કેસની સંખ્યા ટી.બી. કરતા અનેકઘણી ઓછી છે.

ર૦૧૭માં સ્વાઈનફલૂના ર૬૪૭ કેસ અને ૧પ૦ મૃત્યુ, ર૦૧૮માં ૭૭૭ કેસ અને ર૯ મરણ, તેમજ ર૦૧૯માં ૧૩૩૭ કેસ અને ર૮ મરણ નોંધાયા હતાં આમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જે બે રોગ કોરોના અને સ્વાઈન ફલૂને મહામારી જાહેર કરવામાં આવ્યા હતા તેના કરતા પણ ટી.બી. વઘુ ઘાતક છે તે પુરવાર થઈ રહયું છે. ટી.બી.ના મુખ્ય બે પ્રકાર છે જેમાં એમડીઆર વઘુ ઘાતક છે એમડીઆર ટી.બી.ના દર વર્ષે ૬૦૦ કેસ કન્ફર્મ થાય છે જે પૈકી ૪૦ ટકા દર્દીના મૃત્યુ થાય છે.

ટી.બી.ના દર્દીઓનો મૃત્યુદર ઘટાડવા માટે બેડાક્યુલીન નામની દવા આપવામાં આવે છે સાથે સાથે પૌષ્ટિક આહાર માટે દર્દીના બેંક ખાતામાં દર મહિને રૂ.પ૦૦ જમા કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ક્ષય રોગના દર્દીઓની સારવાર માટે રૂ.ર૦.૬૧ કરોડ આપવામાં આવ્યા છે. ક્ષય રોગને નિયંત્રણમાં લેવા માટે ગોવામાં પુખ્તવયના દર્દીઓ પર બીસીજી વેકસીન આપવામાં આવી રહી છે જે સફળ થશે તો ક્ષય રોગના કેસ અને મરણમાં નોંધપાત્ર ઘટાડો થશે તેમ માનવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.