Western Times News

Gujarati News

દેશનો સૌપ્રથમ વિધાનસભા કક્ષાએ સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ યોજાયો: 4500થી વધુ યુવાઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો કરાવ્યો પ્રારંભ

વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો યુવાઓને માર્ગદર્શન આપશે-ધારાસભ્ય શ્રી અમિત ઠાકર દ્વારા કરાયું વિશિષ્ટ આયોજન

અમદાવાદના વેજલપુર ખાતે દેશનો સૌપ્રથમ વિધાનસભા કક્ષાનો સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ યોજાયો હતો જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.

‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાઓનાં સપનાંને પ્લેટફોર્મ મળે તે હેતુથી ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ની શરૂઆત કરાવી હતી. છેલ્લાં 10 વર્ષોમાં દેશમાં અનેક ક્ષેત્રે વિકાસ થયો હોવાનું મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલા ‘મેક ઇન ઇન્ડિયા’, ‘ડિજિટલ ઇન્ડિયા’ના માધ્યમથી દરેક ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યાં છે.

ગુજરાતમાં સ્ટાર્ટઅપની સિદ્ધિ વિશે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં સ્ટાર્ટઅપને કારણે 48,000થી વધુ નોકરીઓનું સર્જન થયું છે અને તે જ કારણોસર આજે યુવાનો નોકરી શોધતા નહીં પરંતુ નોકરી આપતા થયા છે.

વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા વિશે તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં વેપાર ધંધા માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ થકી ગ્લોબલ પ્લેટફોર્મ ઊભું થયું છે. મુખ્યમંત્રીશ્રીએ ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’ના સુંદર આયોજન બદલ ધારાસભ્ય શ્રી અમિત ઠાકરને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમિત ઠાકરે ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.  તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ ઇન્શિયેટિવમાં વેજલપુર વિધાનસભાના યુવાનો પણ આજે સહભાગી થવા જઈ રહ્યા છે. યુવાનો પોતાના સક્રિય સ્ટાર્ટઅપ માટે સન્માન મેળવે તેમજ નવા ઊભરતા સ્ટાર્ટઅપ માટે એક યોગ્ય પ્લેટફોર્મ મેળવે તેવા આશય સાથે આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજ કરાયું છે.

સાથે સાથે યુવાઓને પોતાના સ્ટાર્ટઅપને સફળ બનાવવા માટે સરકારી તથા ખાનગી ઇન્વેસ્ટર તરફથી આર્થિક મદદ મળી રહે અને રોજગારીની નવી તકોનું સર્જન કરી દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે તે હેતુથી ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’નું આયોજન કરાયું છે, એવું તેમણે ઉમેર્યું હતું. શ્રી અમિત ઠાકરે વધુમાં કહ્યું હતું કે, અમૃતકાળના આવનારા 25 વર્ષ સ્ટાર્ટઅપના હશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલ વધારાને  ઉલ્લેખ કરી તેમણે જણાવ્યું હતું કે, આજે G2Gનો મતલબ ‘ગુજરાત ટુ ગ્લોબલ’ થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પ્રમાણે દેશનો યુવાન ‘જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર’ બનશે.

આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં 4500થી વધુ યુવાનો દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’ માં ટેકનિકલ સેશન, સ્ટાર્ટઅપ પ્રદર્શન, વિવિધ મેન્ટર સાથે વાર્તાલાપ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.