Western Times News

Gujarati News

ચિલોડા-હિંમતનગર હાઈવે પર કારમાંથી દારૂની 300 બોટલ ઝડપાઈ

પ્રતિકાત્મક

લોકલ ક્રાઈમબ્રાંચની ટીમે પ.૬પ લાખનો મુદ્દામાલ કબજે કરી કારચાલકની ધરપકડ કરી

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના ચિલોડા- હિંમતનગર હાઈવે પરથી પસાર થઈ રહેલી કારમાંથી લોકલ ક્રાઈમબ્રાંચની ટીમે વિદેશી દારૂની ૩૦૦ બોટલનો જથ્થો ઝડપી પાડયો હતો અને રૂપિયા પ.૬પ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કારચાલકની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કર્યો છે તે દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું કે દારૂનો જથ્થો ચીલોડા નજીક પહોંચાડવાનો હતો જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર એસ.પી. રવિ તેજા વાસમસેટ્ટીએ વિદેશી દારૂની હેરાફેરી થતી અટકાવવા પોલીસ અધિકારીઓને સૂચના આપી છે તેના આધારે એલસીબી પી.આઈ. એચ.પી. પરમારની ટીમ ચીલોડા પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલી સફેદ કલરની કાર હિંમતનગરથી ચીલોડા તરફ જવાની છે.

આ બાતમીના આધારે પોલીસે ગીયોડ બ્રિજના છેડે હિંમતનગરથી ચિલોડા તરફના રોડ ઉપર વોચ ગોઠવી દીધી હતી તે વખતે બાતમી મુજબની કાર આવતા ઈશારો કરીને અટકાવતાની સાથે ડ્રાઈવર સીટ ઉપર બેઠેલા શખ્સને ઝડપી લીધો હતો તે પછી પોલીસે કારની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

પોલીસે દારૂના જથ્થા અંગે ડ્રાઈવરની પુછપરછ કરતા તેણે પોતાનું નામ લલીત મણીલાલ મીણા (રહે. પાલદેવલ, જી. ડુંગરપુર, રાજસ્થાન) હોવાનું જણાવતા કારને એલસીબી કચેરીએ લઈ ગયા બાદ દારૂની પેટીઓની ગણતરી કરતા અંદરથી પ૬ હજારની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૩૦૦ બોટલો અને ટીન મળી આવ્યા હતા. જે અંગે કડકાઈથી પુછપરછ કરતાં ડ્રાઈવરે કબુલાત કરી હતી કે, તેના સંપર્કવાળા અર્જુનસિંહ નામના શખ્સે ફોન કરીને વિદેશી દારૂ ભરેલી કાર મોકલી હતી. આ વિદેશી દારૂનો જથ્થો ચીલોડા નજીક પહોંચતા તેનો માણસ લેવા આવવાનો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.