Western Times News

Gujarati News

સર્વાઇકલ કેન્સર થવાનું કારણ હ્યુમન પેપિલોમા વાયરસ (HPV)- રસીકરણ દ્વારા અટકાવી શકાય છે

4 ફેબ્રુઆરી – વિશ્વ કેન્સર દિવસ -સર્વાઇકલ કેન્સર (Cervical Cancer) અથવા ગર્ભાશયના મુખનું કેન્સર – કારણો, લક્ષણો, નિદાનની પદ્ધતિઓ, સ્ક્રીનિંગ પદ્ધતિઓ અને સારવાર

વિકાસશીલ દેશોમાં ઓછી જાગૃતિ, અપૂરતી તપાસ અને સામાજિક-આર્થિક પડકારોને કારણે મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ વધારે

(આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ)  સમગ્ર વિશ્વમાં 4થી ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર ડે (વિશ્વ કેન્સર દિવસ) તરીકે ઊજવવામાં આવે છે. વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે વિશ્વભરમાં કેન્સર પ્રત્યે જાગૃતિ અંગે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.  આ વર્ષે ‘Close the care gap’ (કલોઝ ધ કેર ગેપ) – કેન્સર અસરગ્રસ્ત વ્યક્તિઓ સામેના પડકારોને સમજીએ અને તેમની સાથેનું અંતર ઘટાડીએ – થીમ પર વિશ્વ કેન્સર દિવસની ઉજવણી થવાની છે.

આજે વિશ્વભરમાં જોવા મળતા ઘણા પ્રકારના કેન્સર પૈકી સર્વાઇકલ કેન્સર વિશ્વભરમાં મહિલાઓમાં ચોથું સૌથી વધુ જોવા મળતું કેન્સર છે. સર્વાઇકલ કેન્સરને ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવાય છે.

સર્વાઇકલ કેન્સર(Cervical Cancer) અથવા ગર્ભાશયના મુખના કેન્સરના દર્દીઓમાં આજે વૈશ્વિક સ્તરે નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સર વધી રહ્યા છે. ભારતમાં આ બાબતે ઓછી  જાગ્રતિ, અપૂરતી તપાસ અને સામાજિક-આર્થિક પડકારોને કારણે સર્વાઇકલ કેન્સર(Cervical Cancer)નો દર વધી રહ્યો છે.

ગર્ભાશયના મુખનું કેન્સર લગભગ તમામ ઉંમરની સ્ત્રીઓમાં જોવા મળે છે. તેમ છતાં સમયસર નિદાન અને યોગ્ય આરોગ્ય સંભાળ દ્વારા સર્વાઇકલ કેન્સર (Cervical Cancer)ને હરાવી શકાય છે.

ચાલો જાણીએ ગર્ભાશયના મુખના કેન્સર વિશે, તેનાં કારણો, લક્ષણો, નિદાનની પદ્ધતિઓ, સ્ક્રીનિંગ પદ્ધતિઓ સહિતની તમામ બાબતો વિશે. ગર્ભાશયના મુખનું કેન્સર અથવા સર્વાઇકલ કેન્સર (Cervical Cancer) એટલે શું?

સર્વાઇકલ કેન્સર એ સામાન્ય રીતે સ્ત્રીઓમાં જોવા મળતી એક ગંભીર શારીરિક પરિસ્થિતિ છે, જે ગર્ભાશયના સર્વિક્સ (ગર્ભાશયની ડોક જેવો ભાગ)ને અસર કરે છે. જ્યારે સર્વિક્સમાં અસામાન્ય કોષો અનિયંત્રિત રીતે વધે ત્યારે સર્વાઇકલ કેન્સર(Cervical Cancer) થાય છે.

ગર્ભાશયના મુખનું કેન્સર અથવા સર્વાઇકલ કેન્સર (Cervical Cancer) થવાનાં કારણો

સર્વાઇકલ કેન્સર થવા માટેનું પ્રાથમિક કારણ હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) છે, જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ છે. આ ઉપરાંત, ધૂમ્રપાન, નબળી રોગપ્રતિકારક શક્તિ અને સર્વાઇકલ કેન્સરની ફેમિલી હિસ્ટ્રી પણ સર્વાઇકલ કેન્સર(Cervical Cancer) થવા માટે જવાબદાર એવાં જોખમી પરિબળો છે.

સર્વાઇકલ કેન્સર (Cervical Cancer)નાં લક્ષણો

પ્રારંભિક તબક્કામાં ઘણી વાર સર્વાઇકલ કેન્સરમાં દેખીતાં લક્ષણો જોવા મળતાં નથી. જેમ જેમ કેન્સરની ગાંઠ વધે  અને ફેલાતી જાય છે તેમ તેમ સ્ત્રીઓને નીચે દર્શાવ્યા મુજબનાં લક્ષણોનો અનુભવ થઈ શકે છે:

– અસામાન્ય સ્રાવ

– રક્તસ્ત્રાવ

–  ગુપ્તાંગના ભાગે દુખાવો

– પેલ્વિક પીડા

સર્વાઇકલ કેન્સર/ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer) માટેના સારવાર વિકલ્પો સર્વાઇકલ કેન્સરની સારવાર ગર્ભાશયની ગાંઠ કયા તબક્કામાં છે, તેનો ફેલાવો કેટલો છે તે બાબતો સહિત દર્દીના એકંદર આરોગ્ય પર આધાર રાખે છે.

કેટલાક સામાન્ય સારવાર વિકલ્પોમાં નીચે મુજબની પદ્ધતિઓનો સમાવેશ થાય છે:

શસ્ત્રક્રિયા: શરૂઆતના તબક્કાના સર્વાઇકલ કેન્સર કે જ્યાં કેન્સર સર્વિક્સ સુધી મર્યાદિત હોય તેમાં સર્જરીની ભલામણ કરવામાં આવી શકે છે. સર્જરીનો હેતુ કેન્સરગ્રસ્ત કોષોને દૂર કરવાનો હોય છે. કેન્સરના તબક્કાના આધારે વિવિધ પ્રકારની શસ્ત્રક્રિયાઓમાંથી યોગ્ય શસ્ત્રક્રિયા નક્કી  કરવામાં આવે છે, જેમ કે હિસ્ટરેકટમી (hysterectomy) (ગર્ભાશય અને સર્વિક્સને દૂર કરવી) અથવા ટ્રેચેલેક્ટોમી (trachelectomy) (સર્વિક્સ અને તેની ફરતે આવેલી પેશીઓને દૂર કરવી ).

રેડિયેશન થેરાપી: રેડિયેશન થેરાપીમાં કેન્સરના કોષોને દૂર કરવા માટે હાઈ એનર્જી એક્સ-રે જેવા રેડિયેશનનો ઉપયોગ કરવામાં આવે છે. રેડિયેશન થેરાપી ઉપયોગ કેન્સરની સારવાર માટે એકલા અથવા કીમોથેરાપી અથવા સર્જરી સાથે કરી શકાય છે. કેન્સરના સ્થાન અને સ્ટેજના આધારે રેડિયેશન થેરાપી આંતરિક રીતે (બ્રેકીથેરાપી) અથવા બાહ્ય રીતે (બાહ્ય બીમ રેડિયેશન) આપી શકાય છે.

કિમોથેરાપી: કીમોથેરાપી એ એક સારવાર પદ્ધતિ છે, જેમાં સમગ્ર શરીરમાં કેન્સરના કોષોને દૂર કરવા માટે દવાઓનો ઉપયોગ કરવામાં આવે  છે. આ થેરાપીને એકલી કીમોથેરાપી તરીકે અથવા શસ્ત્રક્રિયા અથવા રેડિયેશન થેરાપી સાથે જોડી શકાય છે.  સામાન્ય રીતે કીમોથેરાપી Intravenous (નસમાં) આપવામાં આવે છે, પરંતુ તે કેન્સરના તબક્કા અને પ્રકારના આધારે મૌખિક અથવા સ્થાનિક રીતે પણ આપી શકાય છે.

સર્વાઇકલ કેન્સર (Cervical Cancer)નું નિદાન/સ્ક્રીનિંગ અથવા નિવારણ માટેની પદ્ધતિઓ

પેપ ટેસ્ટ: પેપ ટેસ્ટ એ એક પ્રકારનો સ્ક્રિનિંગ ટેસ્ટ છે. જેમાં સર્વિક્સ પરના અસામાન્ય કોષોને કેન્સર થાય તે પહેલાં જ શોધી કાઢવામાં આવે છે. આ ટેસ્ટ માટે સામાન્ય રીતે સ્ત્રીઓની ઉંમર 21 વર્ષ જેટલી હોવી જરૂરી હોય છે. 21-65 વર્ષની સ્ત્રીઓ માટે સામાન્ય રીતે દર ત્રણ વર્ષે આ ટેસ્ટ કરાવવો હિતાવહ માનવામાં આવે છે.આ ટેસ્ટને પેપ સ્મીયર તરીકે પણ ઓળખવામાં આવે છે.

HPV ટેસ્ટ: આ પરીક્ષણ ઉચ્ચ જોખમ ધરાવતા HPV સ્ટ્રેન્સ કે જે સર્વિક્સમાં કોષોની અસામાન્ય વૃદ્ધિનું કારણ બની શકે તેને શોધી કાઢે છે  છે. HPV ટેસ્ટ ઘણીવાર 30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે પેપ ટેસ્ટ સાથે જોડવામાં આવે છે.

એચપીવી રસીકરણ: સર્વાઇકલ કેન્સરનું મુખ્ય કારણ હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) છે. આ વાયરસની રસી HPVના વિવિધ પ્રકારો સામે રક્ષણ આપી શકે છે. 11 અથવા 12 વર્ષની ઉંમર બાદ આ રસીની ભલામણ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ રસી 9-13 વર્ષની વય વચ્ચે આપવાની છે, પરંતુ 26 વર્ષ સુધી પણ આ રસી આપી શકાય છે.

બાયોપ્સી: સર્વિક્સ પર અસામાન્ય કોષોનો ગ્રોથ જોવા મળે તો સર્વાઇકલ કેન્સર છે કે કેમ તે જાણવા માટે બાયોપ્સી કરવાની જરૂર પડી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.