Western Times News

Gujarati News

મ્યુનિસિપલ લીમીટ બહાર ૨૦ કિલોમીટર સુધી AMTSની બસો દોડશે

પ્રતિકાત્મક

ભાજપના સભ્યોએ રૂ.૩૨ કરોડના સુધારા સાથે રૂ.૬૭૩.૫૦ કરોડનું બજેટ મંજુર કર્યુંઃ જમાલપુર વર્કશોપના સ્થાને બસ પાર્કિગ બનશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજુ કરવામાં આવેલા રૂ. ૬૪૧.૫૦ કરોડના ડ્રાફ્‌ટ બજેટમાં શાસકપક્ષના સભ્યોએ રૂ. ૩૨ કરોડનો સુધારો સૂચવી રૂ. ૬૭૩.૫૦ કરોડનું બજેટ મંજુર કર્યું છે. અમદાવાદ શહેરની આસપાસ આવેલા ગામડાઓના લોકો શહેરમાં સરળતાથી પહોંચી શકે તેના માટે છસ્ઝ્ર લિમિટમાં વધારો કરી હવે ૧૫ કી.મીની જગ્યાએ ૨૦ કિ.મી દૂર સુધી બસ જશે. જે પણ મુસાફરો જનમિત્ર સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરે છે તેઓને વાઇફાઇનો ઉપયોગ કરી શકશે.

એએમસી કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઇએ બજેટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં નાગરિકો માટે વિવિધ બાબતોને ધ્યાનમાં રાખી રૂપિયા ૩૨ કરોડનો વધારો સૂચવવામાં આવ્યો છે. હવે અમદાવાદ શહેર તથા ઔડા વિસ્તારમાંથી જુદા-જુદા વિસ્તારોમાં નવા રૂટો શરૂ કરવામાં આવતી માંગણીઓને ધ્યાનમાં લેતાં ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા સૂચવેલ કુલ ૧૦૫૨ બસના ફલીટમાં વધુ ૫૯ નવી ઇલેકટ્રીક બસો ગ્રોસ કોસ્ટ કીલોમીટર થી મેળવીને બસોની સંખ્યા કુલ ૧૧૧૧ કરવામાં આવી છે.

એએમસીની લીમીટથી ૧૫ કી.મી. સુધી બસ સેવા આપવામાં આવે છે. તેમાં શહેરના વધેલ વિસ્તારને ધ્યાનમાં લઇને લીમીટથી ૨૦ કી.મી. સુધી બસ સેવા દોડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાત ઝોન પ્રમાણે એસ.એસ.ના ડેકોરેટીવ શેલ્ટર તૈયાર કરવામાં આવશે. જેના માટે રૂ. ૩૫ લાખ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી નવી ૬ ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે દરેક ઝોનમાં ૧-૧ એમ કુલ સાત ડબલ ડેકર બસ દોડશે.

એએમસીના તમામ ડેપો- ટર્મિનસોમાં સ્માર્ટ કાર્ડ હોલ્ડરોને વાઇફાઇની સુવિધા આપવા માટે રૂ. ૫ લાખ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. સારંગપુર ટર્મિનસને લાલદરવાજાની જેમ હેરીટેજ લુક આપી ડેવલપ કરવામાં આવશે. આ માટે રૂ. ૬૦ લાખ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

ડેપો તથા ટર્મિનસો ઉપર કોમર્શિયલ ધોરણે ખાણીપીણી સ્ટોલ, દુકાનો બનાવી વધારાની આવક ઉભી કરવા અંગેનું આયોજન કરવામાં આવશે. જમાલપુર વર્કશોપનું જર્જરીત સ્ટ્રકચરને ઉતારી લઇ તે જગ્યામાં ૧૦૦ જેટલી ઇલેકટ્રીક બસોના પાર્કગ માટે ટેન્ડર દ્વારા પ્રક્રિયા કરીને જરૂરી સ્ટ્રકચર તૈયાર કરવામાં આવશે.

આ માટે રૂ. ૬ કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. નિષ્ણાંત એજન્સી દ્વારા તમામ રૂટોનું પ્લાનીગ કરીને પ્રવાસીઓને વધુ બસ સુવિધા આપવાનું તેમજ તેના દ્વારા વધુ આવક મેળવવામાં આવશે.

મેટ્રો રેલના રૂટ ઉપર છસ્્‌જી બસોથી પ્રવાસીઓને કનેકટીવીટી મળી રહે તે રીતે સરકયુલર રૂટનું આયોજન કરી બસો મુકવામાં આવશે. છસ્્‌જીની બસોનું ઓન લાઇન ટ્રેકીંગ તથા લાઇવ સ્ટેટસ મળી રહે તે રીતે આયોજન કરવાનું ઠરાવવામાં આવશે.

વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આ મામલે જણાવ્યું હતું કે આજે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ભાજપ ચેરમેન દ્વારા સુધારા સાથે રૂ. ૬૭૩.૫૦ કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું છે દર વર્ષે ભાજપ દ્વારા બજેટ મૂકવામાં આવે છે પરંતુ દિવસે દિવસે છસ્્‌જીના દેવામાં વધારો થઈ રહ્યો છે. છસ્્‌જીમાં ખાનગી ઓપરેટરોની સૌથી વધુ બસો ચાલે છે. ભાજપના નેતાઓના કોન્ટ્રાકટરો આ બસો ચલાવે છે.

બસના ડ્રાઇવરો દારૂ પીધેલી હાલતમાં ઝડપાય છે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. એએમસી માત્ર ભાજપના નેતાઓના કોન્ટ્રાક્ટર માટે જ ચલાવવામાં આવે છે. જેમાં ભ્રષ્ટાચાર થાય છે. કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ખાનગી ઓપરેટરો દ્વારા જે બસ ચલાવવામાં આવે છે તેને હટાવી દેવામાં આવે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોતે આ બસનું સંચાલન કરવામાં આવે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.