Western Times News

Gujarati News

બજેટમાં આણંદને મહાપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાતથી સ્થાનિકોમાં આનંદ

લાંબા સમયની માંગણી સરકાર દ્વારા પૂરી કરાઈ-આણંદનો વિકાસ થાય, રોડ રસ્તા બને, કચરાનો નિકાલ થાય અને ગ્રાન્ટ પણ વધારે મળશે. જેના કારણે આણંદ સાથે આસપાસના ગામોનો વિકાસ થશે.

આણંદ, રાજય સરકારના બજેટને રજૂ કરતાં નાણામંત્રી કનુ દેસાઈએ શુક્રવારે આણંદને મહાનગરપાલીકાનો દરજ્જો આપવાની જાહેરાત કરતાં શહેરીજનોમાં આનંદ છવાઈ જવા પામ્યો હતો. આણંદના નગરજનોએ આજના દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. શહેરવાસીઓની મહાનગરપાલિકાની લાંબા સમયની માંગણી ગુજરાત સરકાર દ્વારા પૂરી કરવામાં આવી છે, ત્યારે હવે વહેલી તકે આ નિર્ણયનું અમલીકરણ થાય તેવી નગરજનો દ્વારા આશા વ્યકત કરવામાં આવી છે.

મનપાની જાહેરાત અંગે ચરોતર એજયુકેશન સોસાયટીના સેક્રેટરી કેતન પટેલના જણાવ્યા મુજબ આણંદનો વિકાસ થાય, રોડ રસ્તા બને, કચરાનો નિકાલ થાય અને ગ્રાન્ટ પણ વધારે મળશે. જેના કારણે આણંદ સાથે આસપાસના ગામોનો વિકાસ થશે.

સંકેત ઈન્ડિયાના મેનેજિંગ ડિરેકટર મેહુલ પટેલના જણાવ્યા મુજબ આણંદનું અર્થતંત્ર ડબલ થશે. આણંદમાં ધંધા રોજગારમા વૃદ્ધિ થશે. શૈક્ષણિક નગરી હોય આણંદ અને વિદ્યાનગરનું ડેવલપમેન્ટ થશે. ટીપી સ્કીમ બનવાથી ઓર્ગેનાઈજ ડેવલપમેન્ટ થશે.

જાગૃત મહિલા સંગઠનના પ્રમુખ આશાબેન દલાલના જણાવ્યા મુજબ આણંદની આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિકાસ બમણી ઝડપે વધશે. વિકાસની ગતિ અને દિશા એ પણ બદલાશે. સમગ્ર વહિવટી તંત્રની કાર્યક્ષમતા વધશે, કારણ કે મહાનગરપાલિકા થવાની આઈએએસ અધિકારી આવવાથી વહીવટી ક્ષમતામાં અને સ્ટાફની કાર્યક્ષમતામાં ઘણો વધારો થશે. આણંદમાં ગટરલાઈનનો મોટો પ્રશ્ન છે જેનો ઉકેલ આવી શકશે.

આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલના જણાવ્યા મુજબ આણંદ માટે ઐતિહાસિક દિવસ છે, આણંદ શ્વેત નગરી કહેવાય તે નગરી વધારે ઉજ્જવળ બનશે. કારણ કે મહાનગરપાલિકા બને એટલે મ્યુનિસિપલ કમિશ્યનર આઈએએસ કક્ષાના અધિકારી આવે, સરકારની પણ દિર્ધદ્રષ્ટિ મળે અને ખૂબ મોટા બજેટ આવે અને વિકાસની કોઈ મોટી મર્યાદા ના રહે તેટલું મોટું કામ થવાનું છે. તમામ વિસ્તારનો સર્વાંગી વિકાસનું મોડલ રજૂ થશે. મહાનગરપાલિકા બનવાથી માત્ર આણંદને જ નહી સમગ્ર ચરોતરને ફાયદો થશે કારણ ક ચરોતરનું કેન્દ્ર આણંદ જ છે. ધંધા રોજગારનો વિકાસ થશે, આગામી દિવસોમાં આણંદની સિકલ જ બદલાઈ જશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.